સંત હીરસાગરની ટૂંકી જીવનગાથા
સંત હીરસાગર (ગુરુ કરમણપ્રજાપતિ)
રાજકોટ મુકામે અમરાભગત નામનું વણકર કુટુંબ વસવાટ કરતું હતું. અમરા ભગતને વારસદારોમાં કોઈ સંતાન ન હતું. અમરાભગત ધાર્મિક સ્વભાવના હોવાથી અનેક સંતો મહંતો તેમના ઘેર આવી મહેમાનગતિ માણી સત્સંગ કરીને ચાલ્યા જતા હતા. ખીમસાહેબ કચ્છ (ભુજ) જિલ્લાના રાપર તાલુકાના રાપર ગામના દરિયાલાલ આશ્રમના મહંત હતા તે વખતે આશરે ૨૫૦ વર્ષ પહેલા રાપર તાલુકાના રામવાવ ગામના એક મેઘવાળ બ્રાહ્મણને દીક્ષા આપી અસપૃશ્યતા નિવારણનું એક ઉત્તમ કામ કર્યું હતું. લોકોના મુખેથી એવું જાણવા મળે છે કે અમરાભગતને કોઈ સંતાન ન હોવાથી ત્રિકમસાહેબની જગ્યાના કોઈ બે અજાણ્યા માણસો આવીને અમરાભગતને ઘેર સંતાનની ભેટ આપી ગયા તેને ઉછેરીને મોટા કરેલ હતા અને તેનું નામ હીરસાગર રાખવામાં આવ્યું હતું. હીરસાગર ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને પોતાને ઘેર આવતા સાધુ સંતોની સેવા કરવા લાગ્યા. હીરસાગરે કરમણ પ્રજાપતિ પાસેથી દીક્ષા મેળવી તેના શિષ્ય થયા હતા.
હીરસાગર બાપાની ગુરુ શિષ્ય પરંપરાની જો વાત કરવામાં આવે તો તે ભાણસાહેબની પરંપરાના સંત હતા. ભાણ સાહેબ લુહાણા જ્ઞાતિના હતા અને તેના શિષ્ય રવીરામ વાણિયા જ્ઞાતિના હતા અને તેઓ ફોજદારનો હોદ્દો ધરાવતા હતા. રવીરામે મોરારસાહેબને પ્રમોદીને તેના શિષ્ય બનાવ્યા હતા અને મોરારસાહેબે પોતાનું મોત બારમાસ થંભાવી રાખેલું હતું તેવું જાણવા મળે છે. મોરારસાહેબે નેકનામ નામના ગામના એક મુસ્લિમ દાસહોથી સુમરોને પ્રમોદીને પોતાનો શિષ્ય બનાવ્યો હતો અને આ દાસહોથી સુમરો જેસલજાડેજા જેવો માથા ભારે માણસ હતો તેને ભક્તિના રાહે ચાલતો કર્યો હતો.
દાસહોથી સુમરાએ કુતિયાણાના પટેલ જ્ઞાતિના વીરદાસ બાપાને બોધ આપી પોતાના શિષ્ય બનાવ્યા હતા. આ વીરદાસબાપાએ કુતિયાણા ગામના રહીશ આનંદરાય પત્રી નામના ભક્તને પ્રમોદીને ભક્તિના રાહે ચાલતા કર્યા હતા. આનંદરાય પત્રીએ પણ ઘણા શિષ્યોને બોધ આપી ભક્તિના રાહે ચાલતા કર્યા છે. કરમશીબાપા કુંભારનો જન્મ વાંકાનેર ગામે થયો હતો અને તે વાંકાનેરના હનુમાનપરા વિસ્તારમાં રહેતા હતા. એકવાર કરમશીબાપા વાંકાનેરથી રાજકોટ મુકામે તેના ભાણેજ જમાઈ તુલસીભાઈ જના કુંભારવાડા વિસ્તારમાં રહેતા હતા તેને ઘેર આવ્યા હતા. આ સ્થળે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે સત્સંગમાં મેઘવંશી હીરસાગર આવ્યા હતા. કરમશીબાપાએ હીરસાગરને કંઠી બાંધી ઉપદેશ આપીને તેને શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા.
હીરસાગર બાપાએ ધીણાવદરના સંત ઉગારામબાપાને પ્રમોદીને બોધ આપી તેના શિષ્ય બનાવ્યા હતા અને ઉગારામે બાદરા મુકામે આવી આશ્રમ બાંધી લોકોની સેવા કરવાનું કામ શરૂ કરી દીધું. ઉગારામબાપાને હીરસાગરબાપાએ એવો સંકેત કરેલો કે, ઉગારામ તમારા હાથે પ્રથમ મુસ્લિમ જ્ઞાતિનો ભક્ત પ્રમોદાશે તે સમયે માની લેજો કે તમારા ગુરુનો તમને પરચો મળી ગયો છે. ઉગારામે પ્રથમ પુંજારામ નામના મુસ્લિમ જ્ઞાતિના ભક્તને પ્રમોદીને દીક્ષા આપી તે સમયે તેને આનંદનો કોઈ પાર રહ્યો ન હતો. પુંજારામે પણ અનેક ભક્તોને પ્રમોદીને ભક્તિના રાહે ચાલતા કર્યા છે. હાલ બાદરા મુકામે ઉગારામ બાપાની કૃપાથી અઢારેય વર્ણના લોકો ઉમટીકુંજમાં ભળી ધર્મની ધજા ફરકાવી રહ્યા છે. ઉગારામ બાપાને જાહેર કરવામાં લાલુદાદાનો ફાળો મોખરે રહ્યો છે. હાલ ગોરધન બાપા જે તેમના પૌત્ર થાય છે તે હાલ આ જગ્યાના મહંત તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આશ્રમે આવેલા લોકોને ભોજન તેમજ રહેવાની સગવડ સારી રીતે પુરી પાડી રહ્યા છે. ગોરધન બાપાએ ઉગારામ બાપાની નામના વધારવા ઘણી મહેનત કરી છે અને ઉગારામ બાપાનું નામ જગતમાં ગુંજતું કરેલ છે.
હીરસાગર બાપાએ પણ ઘણા ભજનોની રચના કરીને તેમાં ગુરુગમની વાત મૂકીને લોકોને અગમ વાતને સમજવા માટેનો સંદેશો મૂકતા ગયા છે. આપણા તમામ સંતોને જે પરમાત્મા તરફનો અનુભવ થયો છે તે અનુભવના આધારે તેમને જે અનુભૂતિ થઈ છે તે સમજાવવાની કોશિશ કરી છે. આ તમામ સંતોના ભજનોને જો વાગોળવામાં આવે અને તેને સમજવાની કોશિશ કરવામાં આવે તો પરમાત્માના ઘરની વાત સરળતાથી સમજવામાં વાર લાગતી નથી. દુઃખની વાત તો તે છે કે ભક્તો ફક્ત ભજનમાં જ રસ દાખવીને આનંદ માણી રહ્યા છે. કલાકારોને બોલાવીને તેના સૂરના વખાણ કરી આનંદ માણે છે પણ સંતોના શબ્દોને સમજવાની મોટાભાગના ભક્તો કોશિશ કરતા ન હોવાથી તેમનામાં આત્મ જ્ઞાનની જાણકારીનો અભાવ જોવા મળે છે અને ભક્તિનું સાચું પરિણામ મળી શકતું નથી.
હીરસાગર બાપાનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
