સંત હવસી

સંત હવસીની ટૂંકી જીવનગાથા

સંત હવસી (ગુરુ રામદાસ સ્વામી)

એક કર્મવીર, ક્રાંતિકારી અને સમાજ સુધારક અને માનવ અધિકાર માટેની લાંબી કૂચના પ્રણેતા એવા દેહગામમાં જન્મ પામેલા અને આ ગામે વસવાટ કરતા હવસીની વાત કરવામાં આવે તો, અમદાવાદથી આશરે દોઢેક માઈલ દૂર ગાંધીનગર જિલ્લાનું દેહગામ આવેલ છે અને આ ગામનો તાલુકા મથકમાં પણ સમાવેશ થાય છે. હાલ આ ગામે તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ આ ગામે મુખ્યત્વે અમીન, ઠાકોર અને વણકરોની વસ્તી મોટા પ્રમાણમાં છે અને મેઘવાળ જ્ઞાતિના ગરો બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ વસવાટ કરે છે.

સંત હવસીનો જન્મ ૧૫ મી સદીમાં થયો હતો તેમ કહેવાય છે કારણ કે તેના જન્મની તારીખનો કોઈ આધાર પુરાવો મળતો નથી. હવસીના જન્મ બાદ એકાદ વર્ષનો સમય ગાળો પૂરો થયો ન હતો તે સમય દરમ્યાન તેના પિતા કુબેરભાઈ અને માતા માણેકબાઈ ગાંઠિયા તાવ (પ્લેગ) થી મરણ પામ્યા હતા તેથી હવસી નાનપણથી જ નોંધારો મા બાપ વગરનો થઈ ગયો હતો. આ ગામે એક રૂડા રબારી નામનો રબારી જ્ઞાતિનો પરિવાર વસવાટ કરતો હતો અને તેને દયા આવતા અનાથ બાળકને લઈ ગયા અને તેની દીકરી રાજી સાથે તેને ઉછેરીને મોટો કર્યો હતો. પંદર વર્ષનો સમય પસાર થઈ ગયા બાદ એકલગીરીની ઓળખાણથી તે સ્વામી રામદાસના પરિચયમાં આવ્યો હતો. હવસીએ એકલગીરીની આજ્ઞા લઈ સ્વામી રામદાસની સેવામાં લાગી ગયા હતા. રામદાસ સ્વામીની સેવા કરતા કરતા તેમણે તેની પાસેથી ગુરુ દીક્ષા લઈ તેના શિષ્ય થઈ ગયા હતા.

એક જૂની ડેરી હતી તેની પાસે એક જૂનું પુરાણું ઝાડ આવેલ હતું. આ ડેરીમાં બોરીયા ગણેશની મૂર્તિ હતી. આ મૂર્તિની નીચે ખોદાણ કામ કરતા સોનામહોર અને ચાંદીના સિક્કા મળી આવ્યા તેથી તે ખુશ થયો હતો. રામદાસ સ્વામીએ તેને દેહગામ પરત જવા રજા આપતા તે બોરીયા ગણેશની મૂર્તિ લઈને દેહગામ આવી ગયો. દેહગામે વસતા દલિતોને અસ્પૃશ્યતાની ગુલામીમાંથી છોડાવવા માટે પીવા માટેનો પાણીનો અલગ કૂવો બનાવવામાં આવ્યો હતો. આ કૂવાનું નામ તેની પત્નિના નામ ઉપર ગંગાજળીયો કૂવો તેવું નામ આપ્યું હતું. આજુ બાજુના ૩૬૦ ગામોનું બનેલું પેઢાણ પરગણું હતું. આ પેઢાણ પરગણાના દલિત સમાજના લોકો તેના સગા સંબંધીઓના મૃત્યુ વખતે તેનું સરાવવા એટલે પીડદાન વિધિ માટે ડભોઈ તાલુકામાં આવેલ ચાંદોદ રેવાજી નામના ગામની પાસે આવેલ નર્મદા નદીના કાંઠે જતા હતા. નર્મદા નદી કાંઠે દલિતોને રહેવા માટે તથા સ્નાન કરવા અને કુદરતી હાજતે જવા માટે કોઈ જાતની વ્યવસ્થા ન હતી તેથી હવસીએ દલિતોને એકઠા કરી આગે કૂચ કરતા નર્મદા કાંઠે મગરીયો આરો આપવામાં આવ્યો હતો. આ આરામાં મગરો વસવાટ કરતા હોવાથી કોઈ આ સ્થળે જતું ન હતું પણ દલિતોને આપતા તેનો ઉપયોગ શરૂ કરતા કોઈ મગરોએ તેમને નુકસાની પહોંચાડી ન હતી.

હવસીની કૂચ નર્મદા કાંઠે અધિકાર મેળવતીને દેહગામમાં પરત આવી તે સમયે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આગુઓએ બપોરનું ભોજન લીધું અને ભોજન લીધા બાદ મળેલ મીટીંગમાં લગ્ન વખતે કન્યાના બાપને દાપું આપવું પડે છે તેને વિકૃતિ વિધિ ગણાવી અને આ પ્રથા બંધ કરાવી કંકુ કન્યા તરીકે આપવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો અને શરૂઆત પણ હવસીના ઘરેથી જ કરવામાં આવી. હવસી જે ઘેર ઉછરીને મોટો થયો હતો તે રૂડા રબારીની દીકરી રાજીને રાજપુરા ગામે પરણાવેલી હતી. રાજીની મોટી દીકરીનું મામેરું હવસીએ કર્યું હતું. આ કર્મવીર હવસીનું ૮૦ વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. હવસી જેવા મેઘવાળ સમાજના ઘણા સમાજ સેવકો થઈ ગયા છે કે તેમને હાલ આ જ્ઞાતિના લોકો ભૂલી શકતા નથી કારણ કે આવા સમાજ સેવકોએ દલિત સમાજના લોકોમાં પરિવર્તન લાવીને આ સમાજની જિંદગીની રાહ બદલી આપેલ છે તેવા ડૉ. આંબેડકરને કેમ ભૂલી શકાય? ડૉ. બાબા સાહેબ આંબેડકરે કાયદામાં જોગવાઈ કરીને પછાત તેમજ અન્ય જ્ઞાતિના ગરીબ લોકોને માટે કાયદામાં જોગવાઈ કરીને સમાજના સમોવડિયા કરવા માટે ઘણી મહેનત કરી છે. ડૉ. આંબેડકરે કહ્યું છે કે જો બીજા સમાજની સાથે તેના સમોવડિયા થવું હોય તો તમારે વ્યસનથી મુક્ત થઈ આળસ છોડી સતત મહેનત કરવી પડશે. જો તમે તમારા બાળકોને શિક્ષણ આપશો તો તમારી પેઢી બદલી જશે અને બીજા સમાજના લોકોને તમારી જરૂર પડવાથી તેઓ તમારે ઘેર આવશે પણ તમારે તેને ઘેર જવાની લાચારી કરવી પડશે નહીં. ડૉ. આંબેડકરના વચનનું પૂરેપૂરું પાલન થઈ રહ્યું નથી તેથી ડૉ. આંબેડકરના દિલને પણ દુઃખ થતું હશે તે વાત નક્કી છે. શિક્ષણ સિવાય દલિત સમાજનો કોઈ ઉદ્ધાર નથી તેથી તેમાં તેમણે વળગી રહેવું જરૂરી છે.

સંત હવસીનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿