સંત સવૈયાનાથની ટૂંકી જીવનગાથા
સંત સર્વેયાનાથ (ગુરુ તુલસીનાથ)
ધંધુકા તાલુકામાં એક ઝાંઝરકા નામનું ગામ આવેલ છે. આ ગામે એક વણકર પરિવાર વસવાટ કરતો હતો. આ પરિવારના સુરાભગત વણકરના પત્ની ગરવીમાએ એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ સવો રાખવામાં આવ્યું હતું. આ પરિવારના વડવાઓ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ટેટેલ નામના ગામેથી પોતાના પરિવાર સાથે આ ગામે રહેવા આવ્યા હતા તેથી ગામના નામના આધારે પરિવારને ટેટીયા અટકથી ઓળખવામાં આવે છે. ટેટેલ ગામ તે સર્વેયાનાથના બાપદાદાનું જૂનું મૂળ વતન હતું. સર્વેયાનાથનો જન્મ સમય ચોક્કસ જાણવા મળતો નથી પરંતુ ડો. હલપત શ્રીમાળીના તારણ મુજબ અને દલિત સંત ધારાના લેખક મંગલાલને સાગઠીયાએ આ પુસ્તકમાં પોતાનો લેખ રજૂ કરેલ છે તે અનુસાર વિ.સં. ૧૮૧૩ ના સમયને તેના જન્મનો સમય માનવામાં આવે છે.
સુરાભગત કાપડ વણવાનો ધંધો કરતા હતા. કાપડ વણવા માટેનું સૂતર તેઓ ધંધુકા શહેરના દામોદર હીરજી શેઠ પાસેથી લાવતા અને તેને વણીને કાપડ તૈયાર કરી કાપડ તેમને આપી મજૂરી કામની રકમ મળતા તેમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સુરાભગતની ઉંમરમાં વધારો થતા સવાભગતે પોતાના પિતાને મદદ કરવા આ ધંધો સ્વીકારીને વણાટના કામે લાગી ગયા હતા. એક સમયે સવાભગત કાપડની ગાંસડી ધંધુકા શહેરમાં વેચવા માટે જઈ રહ્યા હતા તે સમયે ભાદર નદીના કાંઠે ચાલી આવતી એક સાધુઓની જમાત મળતા તેમની સાથે ભેટો થયો. સાધુની જમાતમાં વચ્ચે ચાલ્યા આવતા સાધુઓમાં તુલસીનાથ મહારાજ નામના સાધુને સવાભગત નમન કરે છે. તુલસીનાથ મહારાજ સવા ભગતનો પ્રભુ પ્રત્યેનો ભાવ નિહાળી સવાભગતને પોતાની પાસે બોલાવે છે અને તેના નામ તથા ગામનું ઠેકાણું જાણવા પૂછ પરછ કરે છે અને પોતે શું ધંધો કરે છે? અને હાલ તે કયા જઈ રહ્યા હતા? તે માટે પ્રશ્ન કરે છે. સવાભગત તમામ માહિતી તુલસીનાથ મહારાજને જણાવે છે અને સવાભગત કાપડ ધંધુકાના શેઠ દામોદરને આપવા જતા હતા તે ભૂલી જાય છે અને તુલસીનાથની જમાતના સાધુઓને આ કાપડ અર્પણ કરી દે છે અને એક રૂપિયો તુલસીનાથને ચરણે ધરી દે છે.
સવાભગતની પ્રમાણિકતા જોઈને તુલસીનાથ ખુશ થઈ જાય છે અને સવાભગતને ઉપદેશ આપી પોતાનો શિષ્ય બનાવે છે. લીંબડીના ગેડી ગામના જાદવ આંગડજી ભગતની દીકરી મેઘબાઈ સાથે સવાભગતના લગ્ન કરી નાખ્યા હતા. એક સમયે આંગરેકામાં દુષ્કાળ પડ્યો તે સમયે સર્વેયાનાથ અને તેના પત્નિ સાથે મળીને ભૂખ્યા લોકોને ભોજન જમાડીને તેની આંતરડી ઠારે છે. ભૂખ્યા લોકોને ભોજન કરાવવા આંગરકા અને ધંધુકાના રસ્તા પર રોટલાનું પોટલું બાંધીને બેસી જાય છે અને રસ્તે આવતા જતા માણસોને ટુકડા માથી ટુકડો આપીને તેની ભૂખ મટાડવાના કામે લાગી જાય છે. સંત સર્વેયાનાથે પોતાના જીવનનો અંતિમ સંદેશો જગતના લોકો માટે આપી ગયા છે.
સર્વેયાનાથની ગુરુ પરંપરાના તુલસીનાથ મહારાજ ગુરુ આશ્રમ બોડેર કાલીફાનાથની પરંપરાના સંત હતા. સર્વેયાનાથની વંશ પરંપરાની જો વાત કરવામાં આવે તો સર્વેયાનાથના પુત્ર પાલાનાથ હતા. પાલાનાથના પુત્ર ઉગમશીનાથ હતા. ઉગમશીનાથના પુત્ર ગોવિંદનાથ હતા. ગોવિંદનાથના પુત્ર ભાણનાથ હતા. ભાણનાથના પુત્ર મૂળનાથ હતા અને મૂળનાથના પુત્ર સંત બળદેવનાથ હતા. હાલ આ સેવાધામે સંત બળદેવનાથના પુત્ર શંભુનાથજી અને તેમના દીકરા લઘુ મહંત શ્રી યોગીનાથ હાલ મહંત તરીકે સેવા બજાવે છે અને આ ધામે આવતા તમામ લોકોને ભોજન તેમજ રહેવાની સગવડ પૂરી પાડી રહ્યા છે. આ ધામે અનેક લોકો સર્વેયાનાથની સમાધીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં મેઘવાળ સમાજના સંતોની જગ્યાઓ આવેલ છે જેવી કે ધોળાવદર દાસી જીવણ, બાંદરા મુકામે ઉગારામ બાપા, આમરણ ગામે ભીમસાહેબ, ચિત્રોડ ગામે ત્રિકમસાહેબ, થાન ગામે અક્કલદાસ, ધોળકા ગામે ભવાનીદાસ, કેશરડી ગામે જોધલપીર, સરસઈ ગામે સંત રોહીદાસ, સાગઠ ગામે જીવણ નાથ, વંથલી ગામે પીઠાભગત, ધંધુસર ગામે દાદાઉગમશી, ગામ પરાસરા બેચરસ્વામી, જૂનાગઢ ગામે રતનબાઈ, ગીરુવાડા ગામે તેજાનંદ, તેમજ ડાલીબાઈ, ખીમડીયો કોટવાળ જેવા અનેક મહાન સંતો મેઘવાળ સમાજમાં થઈ ગયા છે. આ ઉપરાંત અનેક સ્થળોએ મેઘવાળ સમાજની જગ્યાઓ અને સમાધી સ્થળો આવેલાં છે. મેઘવાળ સમાજમાં અનેક સંતો અને સમાજ સેવકો આવીને લોકોને સત્યનો રાહ બતાવી ચાલ્યા ગયા છે. આ સંતોએ પોતાના ભજનો રચીને તેમાં ગુરુગમની વાતો મૂકતા ગયા છે તેનો લાભ હાલ આપણને મળી રહ્યો છે તો આવા સંતોને કેમ ભૂલી શકાય.
સંત સર્વેયાનાથ જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
