સંત વહરો

સંત વહરોની ટૂંકી જીવનગાથા

સંત વહરો (વશરામ) સમાજ સેવક

સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાલ પણ એવી કહેવત સાંભળવા મળે છે કે, સપ્તપાડા વચ્ચે વણકર વાસ. આ વાત સત્તરમી કે અઢારમી સદીના ગામડાની વાત છે. હાલના સમયમાં પણ મોટા ભાગના ગામડાઓની તપાસ કરવામાં આવે તો વાસ હંમેશા ગામની બહાર અને પૂર્વ બાજુએ જ આવેલા જોવા મળે છે. પવન પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો હોવાથી વાસનો પવન સ્વર્ણ લોકોના આવાસો તરફ ન આવે. સુત્રાપાડાનો વણકર વાસ જ એક અપવાદ રૂપ છે કે તે ગામની વચ્ચે છે. આ વાત નવાઈની લાગતા જે તે સમયે એક કહેવત જાહેર થયેલ કે સપ્તપાડાની વચ્ચે વણકર વાસ. આ સમયે સુત્રાપાડાનો વણકર વાસ ગામની વચ્ચે હતો અને તેની આજુ બાજુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વેપારી વર્ગ, સગર અને કોળી સમાજ વિગેરે કુલ સાત સમાજના પડાવો એટલે કે વાસો હતા. સુત્રાપાડા વિશે એવું જાણવા મળે છે કે, સપ્તપાડા ઉપરથી સુત્રાપાડા નામ રાખવામાં આવ્યું હશે.

ચ્યવન ઋષિ તે ભૃગુ ઋષિના પુત્ર હતા અને તેમણે આ સ્થળે તપસ્યા કરી હતી. આ તપસ્યાનો એટલો બધો સમય પસાર થઈ ગયો હતો કે તેના ઉપર ધૂળનો રાફડો બંધાય ગયો હતો. આનર્ત રાજા પોતાની પુત્રી સુકન્યા સાથે સમુદ્રની યાત્રાએ નીકળ્યા હતા. આ સમય દરમ્યાન સુકન્યાએ ચ્યવનના રાફડામાં સળી ખોંસી હતી તેથી ઋષિની આંખ વિંધાઈ ગઈ હતી તેથી તેનું પ્રાયશ્ચિત કરવા આ ચ્યવન ઋષિ સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે રહેવા લાગી હતી. ચ્યવન ઋષિએ આ સ્થળે જ યૌવન પ્રાપ્તીનું ઔષધ શોધી કાઢેલું જે આજે ચ્યવનપ્રાસ તરીકે જાણીતું થયું છે.

સુત્રાપાડા તે પ્રાચીન ગામ છે. ગામનો કદાચ એકથી બે વાર નાશ થયો હોય તેવું જાણવા મળે છે તેથી રાજસત્તા અને માલિકી હક્કોમાં ફેરફાર થતા રહ્યા હશે. આશરે હજાર બારસો વર્ષ જૂનું અને સુખી ગામ ઈ.સ. ૧૪૦૦ મા જાફરખાનના હાથે તોડવામાં આવ્યું હતું અને તેનું બંદર પણ સળગાવી દેવામાં આવ્યું હતું. આ ગામ સત્તરમી સદીમાં ફરીવાર વસ્યું છે અને ત્યારે એક વહરો (વશરામ) નામનો એક વણકર આ સમયે વસવાટ કરી રહ્યો હતો. આ વહરાની ઉદાર નીતિ તથા દીર્ઘદૃષ્ટિ આ ગામને ફરીવાર બેઠું કરીને તેનો વિકાસ કરવામાં રહી છે તેની રોમ હર્ષણ સંતની કથા પરથી જાણવા મળે છે.

ગોરખમઢીની નાથ પરંપરામાં જોડાયેલા અને મહંત થયેલા મેઘનાથ સુત્રાપાડાના વણકર હોવાની માન્યતા છે. વણકર સંત વહરો સુત્રાપાડાના રામ થઈ ગયેલા ટીંબા ઉપર પોતાના પાંચેક ઝૂંપડાઓ બાંધીને રહેતો હતો. વહરો સૂર્ય નારાયણની ભક્તિ કરતો હતો. વહરો વણકર જ્ઞાતિનો હતો અને ગીરના રબારીઓ પાસેથી ઊન મંગાવીને ધાબળા વણીને સોમનાથ જઈ વહેંચીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. આ સમયે સુત્રાપાડા રાજ્યના ઠંગલા સમાજ ન હતા. આ ગામે હાલ એક સ્તંભ આવેલ છે તેની સ્થાપના અખાત્રીજના વિ.સં. ૧૬૬૪ ના રોજ ઉભો કરવામાં આવેલ હોય તેવું જાણવા મળે છે અને વહરાની હાજરીમાં સ્તંભ બનાવવામાં આવેલ હોવાથી તે સ્તંભ વણકર સ્તંભના નામે ઓળખાય છે. આ ઘટના ઈ.સ. ૧૬૦૮ મા ઘટી છે તેવું પણ જાણવા મળે છે. આ ગામે એક કારડિયા પરિવાર સુત્રાપાડા ગામે આવેલો અને આ સ્થળ સારું લાગતા અને સંત વહરાએ આ ગામે રોકાઈ જવાની વિનંતી કરતા તેમણે આ ગામે વસવાટ કર્યો હતો. આ સમયે તેમની સાથે બીજા જ્ઞાતિના છ સમાજના લોકો હતા તેથી સાત પરિવારોએ વણકર વાસની ફરતા પડાવો નાખી રહેવા લાગ્યા હતા.

કારડિયા રજપૂતો તેમજ અન્ય છ જ્ઞાતિના લોકો આ ગામે રોકાઈ ગયા અને આ પરિવારે સંત વહરાને કહ્યું કે આજથી તમે અમારા આરાધ્ય દેવ અને કારડિયાનો વંશ રહેશે ત્યાં સુધી તમારા વંશના લોકોનું સન્માન જાળવી રાખશે. વહરાએ આ લોકોને કહ્યું કે જો તમને અમારા વાસની જગ્યાએ તમે રહેવા માંગતા હોય તો અમે અમારી જગ્યા બદલી નાખીએ પણ આ સમયે આ સમાજે ના પાડી અને કહ્યું કે જો તમે તમારા સ્થળે રહેશો તો અમે તમારા વાસની આજુબાજુ અમે ઝૂંપડા બાંધીને રહેશું અને અખાત્રીજના દિવસે આ સમાજે આ સ્થળે ઝૂંપડા બાંધીને રહેવા આવી ગયા હતા. આ સ્થળે રહેવા આવેલા અલગ અલગ જ્ઞાતિના લોકો હતા જેવા કે કારડિયારજપૂત, ગોરમહારાજનો પરિવાર, વેપારી કુટુંબ વાણિયા, કોળી મજૂરો અને દરજી, મોચી લુહાર રહેવા આવી ગયા હતા અને સુત્રાપાડાનો વિકાસ થયો હતો. સુત્રાપાડાને બેઠું કરવામાં પ્રથમ હાથ સંત વહરાનો છે તેથી તે વિકાસના પ્રણેતા માનવામાં આવે છે.

સંત વહરાનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿