સંત લખીરામ ટૂંકી જીવનગાથા
સંત લખીરામ (ગુરુ કરમણભગત)
સંત લખીરામની ટૂંકી જીવન ગાથા.
સંત લખીરામ મેઘવાળ સમાજના હતા અને તેના જન્મ સમયની ચોક્કસ માહિતી મળતી નથી પણ તે ૧૯ મી સદીમાં સંવત ૧૭૭૦ થી ૧૮૪૫ ની આસપાસ જન્મ્યા હોય તેવો અંદાજ બાંધવામાં આવે છે. લખીરામનો જન્મ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઈગોરાળા ગામમાં થયો હતો. લખીરામને નાનપણથી જ ભવાઈના ખેલના કામમાં રસ હતો તેથી તેઓ ભવાઈની મંડળી બનાવીને ગામોગામ ભવાઈનો ખેલ કરીને પોતાના જીવનનો નિર્વાહ ચલાવતા હતા. એકવાર લખીરામ કરમણ ભગતના ગામમાં ભવાઈ કરવા ગયા હતા. આ ગામે રાત્રીના સમયે પ્રકાશ માટે મશાલ પ્રગટાવવા માટે દીવેલ તેલની જરૂર પડતા અને ભોજનની વ્યવસ્થા કરવા મેઘવાળ વાસમાં આવ્યા અને વાસમાં ફરતા ફરતા કરમણભગતને ઘેર આવ્યા હતા. કરમણભગતે કહ્યું કે તારું નામ શું છે? લખીરામે કહ્યું કે બાપુ મારું નામ લખીરામ છે અને હું ભવાઈનું કામ કરું છું. કરમણભગતે કહ્યું કે લખીરામ તું ભવાઈનું પાત્ર સારું ભજવે છે તે વાત મેં અનેક લોકોના મુખેથી સાંભળી છે પણ જો આવું પાત્ર પરમાત્માની પરખ કરવાના કામે લગાડીને પરમાત્માના ભક્ત તરીકેનું પાત્ર ભજવીશ તો પરમાત્મા તને જરૂર મળશે. આ વાત સાંભળતા લખીરામના વિચારોમાં પરિવર્તન આવી ગયું અને તે સમયથી ભવાઈ કરવાનું કામ બંધ કરવાનો નિર્ણય કરી લીધો હતો.
લખીરામે કરમણભગતને ગુરુ તરીકે સ્વીકારી તેની પાસેથી બોધ લીધો અને તેના શિષ્ય થઈ ગયા. લખીરામ આ દિવસે ભવાઈનો ખેલ કરવાના હતા તે ખેલની તમામ આવક તેની બહેનને કપડામાં આપવાનું નક્કી કર્યું હતું પણ કરમણભગતના ઉપદેશથી ખેલમાં નફરત જાગતા આજથી ખેલ બંધ કરવાનો નિર્ણય કરતા લખીરામ ધર્મ સંકટમાં મુકાય ગયા. લખીરામ વિચારવા લાગ્યા કે જો હું આજનો ખેલ બંધ રાખીશ તો મારી બહેનને શંકા જાગશે કે મારા ભાઈએ ખેલની રકમ આપવાની વાત કરી હતી પણ તેનો જીવ એળે ગયેલ હોવાથી ખેલ નહીં કરવાનું બહાનું બતાવે છે તેમ લાગશે પણ આજથી ખેલ નથી કરવો તે નક્કી છે તેથી લખીરામે પ્રથમ ભજનની રચના કરીને પોતાની બહેનને ભજન દ્વારા સમજાવે છે કે બહેની મને ભીતર સદગુરુ મળી ગયા છે. લખીરામ આ ભજનની રચના કરીને પોતાની બહેનને તેની પરિસ્થિતિની વાત સમજાવવાની કોશિશ કરે છે.
લખીરામે ગુરુ દીક્ષા લીધા બાદ ભવાઈનો ધંધો બંધ કરીને પરમાત્માના નામ સ્મરણના કામે લાગી ગયા હતા. લખીરામ વિશે એવું જાણવા મળે છે કે તેની જે બહેન હતી તે સગી બહેન ન હતી પણ એક વિધવા સ્ત્રીને તેણે બહેન માની હતી અને તેને પોતાના ભવાઈના ખેલમાંથી મળતી રકમમાંથી અમુક હિસ્સો તેમને આપતા હતા. લખીરામે જ્યારે ભવાઈનો ખેલ જે દિવસે બંધ કર્યો હતો તે દિવસની આવક તેની બહેનને આપવાની હોવાથી કદાચ તેની બહેનને એવી શંકા જાગશે કે મને આ રકમ આપવા માંગતા નહીં હોય તેથી ભવાઈનો ખેલ આ દિવસે બંધ કરી દીધો છે. લખીરામ ભવાઈનો ખેલ બંધ કરવાની વાતની સાબિતી આપવા ભજનની રચના કરી અને કહે છે કે બહેન મને ભીતરમાં સદગુરુ મળી ગયા છે તેથી આજથી હું ધંધો બંધ કરું છું અને હવે પછી ક્યારેય આ ધંધો કરીશ નહીં તેથી મારા ઉપર કોઈ જાતની શંકા કરશો નહીં. લખીરામ કહે છે કે મને કરમણભગત ગુરુ તરીકે મળી જતા મારો ભવ અવતાર સુધરી ગયો છે તેથી મારે હવે કશું કરવાનું રહેતું નથી તેવો સંદેશો આપે છે. લખીરામે છ પ્યાલાની વાત કરી છે તે તેના ગુરુનો બોધ છે અને લખીરામે જે સાત પ્યાલાની રચના કરી છે તેમાં સાતમા પ્યાલાની વાત જાતે સમજી લીધી છે. ગુરુ છ સ્ટેજ સુધીની વાત પોતાના શિષ્યને સમજાવે છે તેથી છ સ્ટેજ સુધી જ પોતાના શિષ્ય સાથે રહે છે. શિષ્ય છ સ્ટેજની વાત સમજી જાય પછી શિષ્ય પણ ગુરુની કક્ષામાં આવી જતો હોવાથી સાતમું સ્ટેજ સર કરવા તેમને ગુરુની જરૂર પડતી નથી તેથી ગુરુ આવા શિષ્યોને અધિકાર આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ પોતાના શિષ્યને જાતે ગગન મંડળમાં જઈ પરમાત્માને મળવાનું કહે છે. જો સ્ટેજની વાત કરવામાં આવે તો પ્રથમ સ્ટેજ કમળ કે ચક્ર તે ગુદા દ્વારેથી આવેલ છે તેને મૂળ કમળના નામથી પણ ઓળખવામાં આવે છે. શિષ્ય જ્યારે પાંચ સ્ટેજો પાર કરી છઠ્ઠા સ્ટેજે એટલે કે કપાળના સ્થળે આવે છે તે સમયે તેનો દેહ ભસ્મ થઈ જાય છે. દેહ ભસ્મ થઈ જવો એટલે દેહના તમામ વળગણો મટી જાય છે. દેહના વળગણો મટાડવા અઘરા છે પછી પરમાત્માના ઘેર એટલે કે આપણા મૂળધેર પહોંચવામાં મુશ્કેલી પડતી નથી. ગુરુએ શિષ્યને છૂટો કરવો એટલે કે ગુરુમાં શિષ્ય અને શિષ્યમાં ગુરુ સમાઈ જાય છે કારણ કે બંનેની કક્ષા એક સરખી થઈ જાય છે તેથી ગુરુ અલગ પડી જાય છે.
લખીરામનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
