📖 સંત રવીરામના ભજનોનું વિવરણ
(૧) મૂળ રે વિનાનું કાયા ઝાડવું.
(૧) મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે,
હે જી તેને પડતા નહીં લાગે વાર રે.
તેને પુણ્ય રે રૂપી ખાતર પુરજો રે,
જેના મૂળ પહોંચે રે, પાતાળ. મૂળ
(૨) તેને સત્ય રે રૂપી જળથી સીંચ જો રે,
જેની નૂરત સૂરત હોય પનીહાર. મૂળ
(૩) તેને શીલ અને સંતોષ બંને ફળ હુણા રે,
ઈ તો અમર ફળ જેવા હોય રે હા. મૂળ
(૪) કહે રવીરામ ભાણ પ્રતાપે રે,
પ્રભુને ભજતા ઉતરે ભવપાર. મૂળ
ભજનનું વિવરણ.
(૧) મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે,
હે જી તેને પડતા નહીં લાગે વાર રે.
તેને પુણ્ય રે રૂપી ખાતર પુરજો રે,
જેના મૂળ પહોંચે રે, પાતાળ.
રવીરામ તેના ભજનની પ્રથમ કડી દ્વારા સમજાવતા કહે છે કે, આ જગતમા કોઈ પણ વસ્તુ બીજાના સહારા વિના ટકી શકતી નથી. રવીરામ કહે છે કે આ જગત આખું રચનાના આધારે ટકી રહ્યું છે તેમ માણસનું જીવન પણ એક બીજાના આધારે ટકી રહેલું હોય છે. દેહ જડ હોવા છતાં તે ચેતન તત્વરૂપ પરમાત્માની શક્તિના લીધે તે તેના વ્યવહારો કરે છે. જો દેહ ગમે તેટલો રૂપાળો હોય તો પણ તે જીવ કે પ્રાણના આધારે ટકી રહેલો હોય છે તેથી જીવ કે પ્રાણ સુધી દેહની કિંમત છે. જો પ્રાણ દેહ છોડીને ચાલ્યો જાય તે સમયે દેહ ગમે તેટલો રૂપાળો હોય કે કામનો હોય તો પણ તેને રાખી શકાતો નથી તેથી તેનો નિકાલ કરવો પડે છે.
રવીરામ કહે છે કે દેહ છે તે મૂળ વિનાનું ઝાડ છે. જેમ ઝાડ ગમે તેટલું મજબૂત હોય પણ જો તેના મૂળ નબળા પડી જાય તો તે ટકી શકતું નથી કારણ કે તે મૂળના આધારે ટકી રહ્યું છે. આ કાયા પણ પ્રાણાત્મા કે જીવાત્માના આધારે ટકી રહી હોવાથી દેહ માથી પ્રાણ નીકળી જતા દેહ નકામો બની જાય છે. ઝાડના થડને મૂળ પકડી રાખે છે અને મૂળને જમીન પકડી રાખે છે પણ જો જમીન માથી મૂળ જુદા પડી જાય તો મૂળ હોવા છતાં તે ટકી શકતું નથી. રવીરામ કહે છે કે દેહની તમામ ઇન્દ્રિયો સલામત હોય તેમ છતાં જો પ્રાણ દેહ માથી નીકળી જાય તો આ ઇન્દ્રિયો પોતાની મેળે કામ કરી શકતી નથી કારણ કે તે જે કામ કરે છે તે ચેતન તત્વની શક્તિના આધારે કામ કરતી હોવાથી આ શક્તિ ચાલી જવાથી તે દેહ અને ઇન્દ્રિયો નકામી બની જાય છે.
રવીરામ કહે છે કે ઝાડને સારું ખાતર આપવામાં આવે તો તેનો વિકાસ સારો થાય છે અને તેના ફળો પણ સારા આવે છે. જીવનમા જો પુણ્ય રૂપી ખાતર પુરવામાં આવે એટલે કે જીવન વ્યવહાર દરમ્યાન સારા કર્મો કરવામાં આવે તો તેનો લાભ થાય છે અને ખરાબ કર્મો કરવામાં આવે તો માનવીને મુશ્કેલી સહન કરવી પડે છે. કારણ કે કર્મનો સિદ્ધાંત કહે છે કે કર્મ તેનો ભોગ આપ્યા સિવાય નાશ પામતું નથી પછી તે સારું કર્મ હોય કે નબળું. જો સારું કર્મ કરેલ હોય તો તો સારું પરિણામ ભોગવવાનો વારો આવે છે અને નબળું હોય તો નબળું પરિણામ ભોગવવું પડે છે પણ તે ભોગવ્યા સિવાય છૂટકો નથી તે વાત નક્કી છે. જો જીવનમા પુણ્ય કમાશો તો તેના મૂળ પાતાળ સુધી ઊંડા પહોંચશો અને જીવન સમયમા ગમે તેવું દુઃખ રૂપી વાવાઝોડું આવશે તો તેને ઉપાડી શકશે નહીં અને સલામત રહી જશે.
(૨) તેને સત્ય રે રૂપી જળથી સીંચ જો રે,
જેની નૂરત સૂરત હોય પનીહાર.
રવીરામ તેના ભજનની બીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે જો તમારે તમારું જીવન દીપાવવું હોય અને જીવનમા મુશ્કેલી લાવવી ન હોય તો આ જીવન રૂપી ઝાડના મૂળ પાતાળ સુધી ઊંડા પહોંચાડી જવાથી સંસારના સામાન્ય ઝંઝાવાતો તેને અસર કરી શકશે નહીં. રવીરામ કહે છે કે ફક્ત ઝાડને ખાતર નાખવાથી જ કામ પુરુ થઈ જાય તેવું નથી કારણ કે ખાતર નાખ્યા પછી ઝાડને જળની પણ જરૂર પડે છે. રવીરામ કહે છે કે, જીવનમા પુણ્યની કમાણી કરી લીધા પછી આ કમાણીનો વિકાસ કરવા માટે જીવનમા સત્ય ધારા હોવી જરૂરી છે. જો સત્યની ધારા પર કાયમી ટકી રહેવામા આવશે તો જ દેહ રૂપી ઝાડને ફાયદો થશે. જો સત્યની ધારા પર ચાલવામા નહીં આવે તો કમાયેલું પુણ્ય વપરાય જતા મૂળ પરિસ્થિતિમા મુકાય જશો પણ આગળ વિકાસ કરી શકશો નહીં. રવીરામ કહે છે કે જીવનમા સત્ય રૂપી જળને સિંચવા માટે નૂરત સુરત જેવા પનીહારનો સહારો લેશો તો જ તે જળ ભરીને લાવી આપશે અને ઝાડને મજબૂત બનાવી આપશે. નૂરત અને સુરત રૂપી બે પનીહારીઓ છે તે ઈંગલા પીંગલાનો શ્વાસ અને ઉચ્છવાસ છે. ભક્તિના રાહે ચાલવા માટે સત્યધારા જાળવી રાખવી જરૂરી છે તેના આધારે જ પરમાત્માના ઘેર પહોંચી શકાય તેમ છે. જો સત્યની ધારા માથી નીકળી જઈ બીજી ધારામા વૃત્તિ જતી રહેશે તો વિચારોમા પરિવર્તન આવી જતા ગેરમાર્ગ પકડાય જવાથી ભક્તિના માર્ગમા નિષ્ફળતા સિવાય બીજું કોઈ પરિણામ હાંસલ થશે નહીં તે વાત નક્કી છે.
(૩) તેને શીલ અને સંતોષ બંને ફળ હુણા રે,
ઈ તો અમર ફળ જેવા હોય રે હા.
રવીરામ તેના ભજનની ત્રીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે કાયા તે મૂળ વગરનું ઝાડ છે. આ ઝાડ પ્રાણને આધારે ટકી રહ્યું છે. આ દેહ રૂપી ઝાડને જો પુણ્ય રૂપી ખાતર નાખવામા આવે અને સત્ય રૂપી જળનું સિંચન કરવામા આવે તો પુણ્ય રીતે પાંચોને સારા મીઠા મધુરા ફળ આવે છે અને તેને છાયડે બેસતા શીતળતા આપી જાય છે. રવીરામ કહે છે કે જો કાયા રૂપી ઝાડની ઉપર કંટા અથવા બાવળિયા કરવામા આવે તો તેમા શીલ અને સંતોષ રૂપી બે ફળો આવે છે જે જીવનને સુખ અને શાંતિ આપનારા છે. આ ફળના આધારે અમર બની જવાય છે તેથી તે અમર ફળ જેવા જ હોય છે.
(૪) કહે રવીરામ ભાણ પ્રતાપે રે,
પ્રભુને ભજતા ઉતરે ભવપાર.
રવીરામ તેના ભજનની ચોથી કડી દ્વારા સમજાવતા તેના ગુરુ ભાણસાહેબની કૃપાથી કહે છે કે પરમાત્માનું નામ સ્મરણ કરવાથી ભવપાર ઉતરી શકાય છે તેથી આવા ગમનના ફેરા ટળી જવાથી જન્મવાનો કે મરવાનો પ્રશ્ન રહેશે નહીં અને જન્મ મરણના ચક્ર માથી કાયમને માટે મુક્તિ મળી જતા ચોર્યાસી લાખ યોનીની યાતનાઓ માથી છૂટકારો થઈ જવાથી આ દુઃખ ભોગવવાનો વારો આવતો નથી. રવીરામ કહે છે કે પરમતત્વની પરમ કે પોતાની જાતને ઓળખી જવાથી અવર નવાંર સંસારમા આવી જન્મ મરણના દુઃખો માથી કાયમને માટે મુક્ત થઈ શકાય છે.
રવીરામનો જય
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
