📖 સંત નરસીમહેતાના ભજનોનું વિવરણ
(૧) વહાલા હારને કારણ નવ મારીયે (પ્રભાતીયુ)
(૧) વહાલા હારને કારણીએ નવ મારીયે, વિઠલા હરિવર અમને,
માર્યા પછી રે મારા નાથજી રે, દોષ ચડશે તમને. — વહાલા
(૨) વહાલા અર્ધી રજની તો વીતી ગઈ, હાર તમે લાવીને વહેલા,
માંડલિક રાજા અમને મારશે, દિવસ ઉગ્યા પહેલા. — વહાલા
(૩) હે જી વહાલા નથી રે જોતો રે, હીરાનો હારલો, વેગે તમે ફુલડાનો લાવો,
દયા રે કરીને તમે દામોદરા રે, દાસને તમે બંધનથી છોડાવો. — વહાલા
(૪) હે જી વહાલા કા તો માંડલી કે તને લલચાવ્યો, કા તો તું ચડિયેલ રીસે,
કા તો રાધાજીએ તને ભોળવ્યો, કા તો મારા કરમને દોષ. — વહાલા
(૫) હે જી દાસ રે પોતાનો દુઃખી જોઈને, ઘોડલે ચડિયા બહેનામી,
હાર હાથે હાથે આપીયોને, નરસી મહેતાના સ્વામી. — વહાલા
ભજનનું વિવરણ
(૧) વહાલા હારને કારણીએ નવ મારીયે, વિઠલા હરિવર અમને,
માર્યા પછી રે મારા નાથજી રે, દોષ ચડશે તમને.
નરસી મહેતા નિર્દોષ ભાવે પરમાત્માની ભક્તિ કરતા હતા અને સત્સંગ કરવા વાઘડાવ વાસમા રતનબાઈના ઘેર રોજ જતા હતા. આ સમયે આતાબાઈનું પ્રમાણ શરણશીલીએ પહોંચાડી ગયેલ હોવાથી આ વાત લોકોને ગમતી ન હતી તેથી તેમની ફરીયાદો અવાજ નવાબ રામમાંડલિક આગળ ખોટી ફરીયાદો કરતા હતા. રામમાંડલિક કોઈ પણ જાતની તપાસ કર્યા વગર નરસીમહેતાને જેલમા પુરી દીધા હતા. રામમાંડલિક નરસીમહેતાને બોલાવીને એવું કહ્યું કે તમને પરમાત્મામાં જો વિશ્વાસ હોય તો તમને ચૌકા ઉપલા રાખવામા આવશે અને મંદિરમાં રહેલી પરમાત્માની મૂર્તિના ગળામા રહેલો જે હાર છે તે હાર તમારા હાથમા આવી જાય તો જ હું તમને જેલ માથી મુક્ત કરીશ તેવી સલાહ આપી અને શરત મુકવામા આવી હતી. આ વાત સાંભળીને નરસીમહેતા મૂંઝવણમા મુકાય જતા પરમાત્માનો યાદ કરીને ઠબકો આપવા પ્રભાતીયાની રચના કરીને પ્રથમ કડી દ્વારા જણાવે છે કે,
હે, પરમાત્મા, હે, વિઠલવર મારા સ્વામી જો મંદિરમાં રહેલી મૂર્તિના ગળાનો હાર મારા હાથમા નહીં આવે તો સવાર પડતા રામમાંડલિક મને જેલ માથી છોડશે નહીં અને મને સજા કરી મારી નાખશે. આ સંસારમા મારી જ્ઞાતિના લોકો જાતી ભેદને લીધે મારી સાથેનો સંબંધ તોડી ને મને નાત બહાર મુકવામા આવ્યો છે તેથી તેઓ પણ મને મદદ કરશે નહીં. હે, પરમાત્મા મને તારા ઉપર વિશ્વાસ છે કે તારા વિના મારી મુશ્કેલી કોઈ નિવારી શકે તેમ નથી. હે, પરમાત્મા મેં કોઈ ગુનો કર્યો નથી અને કોઈ જાતની ફરીયાદની તપાસ કર્યા સિવાય મને જેલમા પુરીને આવી અઘરી શરત મુકી છે તેથી આ કામ તારા સિવાય કોઈ કરી શકે તેમ નથી. જો તમે નહીં આવો તો હારને લીધે મને મારી નાખવામા આવશે અને હું તમારો ભક્ત હોવાથી તેમજ તારા વિશ્વાસે જીવતો હોવાથી તમારી બદનામી જરૂર થશે. હે, પરમાત્મા તમને દોષ ન લાગે તે માટે હું તમને વિનંતી કરી રહ્યો છું કે તમે જલદી આવી પ્રમાણ આપીને મને જેલ માથી મુક્ત કરી આપો.
(૨) વહાલા અર્ધી રજની તો વીતી ગઈ, હાર તમે લાવીને વહેલા,
માંડલિક રાજા અમને મારશે, દિવસ ઉગ્યા પહેલા.
નરસીમહેતા તેના ભજનની બીજી કડી દ્વારા પરમાત્માને વિનંતી કરીને કહે છે કે, હે, પરમાત્મા રા માંડલિકે મને કોઈ પણ વ્યાજબી કારણ જાણ્યા વગર બીજાના કહેવાથી મને જેલમા પુરી દીધો છે. રામમાંડલિક દ્વારા એવી શરત મુકવામા આવી છે કે મંદિરમાં રહેલ પરમાત્માની મૂર્તિના ગળામા જે હાર છે તે હાર તારા ગળામા જો આવી જશે તો જ તમને જેલ માથી મુક્ત કરીશ. જો આ ઘટના નહીં ઘટે તો સવાર થતા જ તમને દેહાંત દંડની સજા ફરમાવવામા આવશે. પરમાત્મા આ કામ તારા સિવાય કોઈ કરી શકે તેમ નથી અને હું પણ સમાજના વ્યવહારોનો ત્યાગ કરીને તારા વિશ્વાસે જીવી રહ્યો છું તો તારા સિવાય આ મુશ્કેલી કોઈ નિવારી શકે તેમ નથી. હે, પરમાત્મા હું તને અવર નવર વિનંતી કરીને બોલાવી રહ્યો છું અને અર્ધી રાત્રીનો સમય તો પસાર થઈ ગયો હોવા છતાં આપ આવ્યા નથી. જો સવાર પડી જશે તો હારના કારણે મને મારી નાખવામાં આવશે અને તારા સિવાય મને કોઈ બચાવી શકે તેમ નથી. હે, પરમાત્મા તમે વહેલા આવીને મને બચાવી લો તો જ મારી મુશ્કેલીનો અંત આવશે.
(૩) હે જી વહાલા નથી રે જોતો રે, હીરાનો હારલો, વેગે તમે ફુલડાનો લાવો,
દયા રે કરીને તમે દામોદરા રે, દાસને તમે બંધનથી છોડાવો.
નરસીમહેતા તેના પ્રભાતીયાની ત્રીજી કડી દ્વારા પરમાત્માને વિનંતી કરીને કહે છે કે હે, પરમાત્મા જો તમે મૂર્તિના ગળામાં ફુલનો હાર છે તે લઈને મને આપશો નહીં તો મારું મૃત્યુ નક્કી છે. પરમાત્મા હું ફક્ત ફુલનો હાર જ આપણી પાસે માંગુ છું. મારે તમારી પાસેથી કોઈ હીરા કે માણેકનો હાર જોતો નથી. જો મૂર્તિના ગળામાં રહેલો ફુલનો હાર લઈ મને આપવામાં આવશે તો મને જીવતદાન મળી જશે. હે, પરમાત્મા હું તમારા વિશ્વાસે જીવી રહ્યો છું અને આ સંસારમા મને તારા સિવાય કોઈ મદદ કરશે નહીં તેથી મારા ઉપર દયા લાવીને આટલું મારું કામ કરી આપશો તો જ હું બંધન માથી મુક્ત થઈ શકીશ.
(૪) હે જી વહાલા કા તો માંડલી કે તને લલચાવ્યો, કા તો તું ચડિયેલ રીસે,
કા તો રાધાજીએ તને ભોળવ્યો, કા તો મારા કરમને દોષ.
નરસી મહેતા તેના પ્રભાતીયાની ચોથી કડી દ્વારા પરમાત્મા ઉપર રોષે ભરાઈને ઠપકો આપતા કહે છે કે, હે, પરમાત્મા હું તમને અવર નવર વિનંતી કરીને કહું છું કે તમે મારું કામ કરી આપો, તેમ છતાં તમે કેમ આવતા નથી? હે, પરમાત્મા હવે મને ખ્યાલ આવી ગયો છે કે તમે લલચ્યું છો તેથી રામમાંડલિક તમને કોઈ પણ લાલચ આપીને લલચાવીને તમને રોકી રાખ્યા છે તે વાત નક્કી છે. હે, પરમાત્મા કા તો તમને રામમાંડલિક લાલચ આપીને રોકી રાખ્યા છે, કા તો તમે મારા ઉપર રોષે ભરાયા હોય તેવું મને લાગી રહ્યું છે તેથી તમે આવવામાં વિલંબ કરી રહ્યા છો. પરમાત્મા હવે મને ત્રીજી પણ શંકા જાગી છે કે તમને કા તો રાધાજીએ ભોળવીને તેની પાસે બેસાડી દીધા હશે તેથી તમે મારી પાસે આવી ન શકો. હે, પરમાત્મા મને તારા ઉપર વિશ્વાસ હતો પણ મને મળવામાં તમે વિલંબ કરી રહ્યા હોવાથી મારા મનમા તમારા વિશ્વાસની શંકાઓ જાગી છે.
(૫) હે જી દાસ રે પોતાનો દુઃખી જોઈને, ઘોડલે ચડિયા બહેનામી,
હાર હાથે હાથે આપીયોને, નરસી મહેતાના સ્વામી.
નરસીમહેતા તેના પ્રભાતીયાની પાંચમી કડી દ્વારા પરમાત્માને અવર નવર વિનંતી કરી અને ઠપકો આપવામાં પણ બાકી રાખેલ નથી. પરમાત્માની હંમેશા તેના ભક્તો ઉપર નજર હોય છે તેમ છતાં તેમને મદદ કરવામાં વિલંબ કરવાનું કારણ ફક્ત તેના સાચા ભાવની અને તેની સાચી રજૂઆતની જ ખાતરી કરતા હોય છે. પરમાત્માને દયા આવે છે અને વિચારે છે કે હવે મારે તેને મદદ કરવા જવું જ પડશે. જો હું નહીં જાવ તો તેનો તો વિશ્વાસ જરૂર ગુમાવીશ પણ જગતના લોકો પણ મારા ઉપર વિશ્વાસ કરશે નહીં. પરમાત્મા નરસીમહેતાને મદદ કરવા ઘોડે સવારી કરીને નીકળી પડે છે. પરમાત્મા મંદિરમાં આવી મૂર્તિના ગળા માથી હાર લઈ નરસીમહેતા પાસે આવે છે અને તેને હાથે હાર આપે છે. સવાર પડતા રામમાંડલિકને ખ્યાલ આવી જાય છે કે હાર નરસીમહેતાના હાથમા આવી ગયો છે તેથી તેની પાસે આવી માફી માંગી તેને છૂટા કરે છે.
નરસીમહેતા પરમાત્માને કહે છે કે હે, પરમાત્મા મૂર્તિના ગળાનો હાર જો મારા હાથમા નહીં આવે તો સવાર થતા રામમાંડલિક મને મારી નાખશે અને આ વાતની જાણ લોકોને થશે તો તારી પણ આબરૂ જશે અને લોકોનો તારા ઉપર જે વિશ્વાસ અને ભાવ છે તે જતો રહેશે. હે, પરમાત્મા હું તને સાચા દિલથી યાદ કરું છું અને તારા લીધે જ મારે જેલમા પુરાવું પડ્યું છે તેથી તારી ફરજ થઈ પડે છે કે તારે જ મને છોડાવવો પડશે. રતનાબાઈ પણ નરસીમહેતાને છોડાવવા વિનંતી કરી રહ્યા છે. રતનાબાઈ અબળા માથી સબળા બનીને એક ક્રાંતિકારી પગલું ભરી રહી છે. આજથી પાંચ એકા પહેલા એક અબળા નારીઓ પણ મેઘવાળ સમાજની આબરૂ બચાવવા અને નરસીમહેતા જેવા નિર્દોષ ભક્તને છોડાવવા પરમાત્માને વિનંતી કરે છે. પરમાત્મા પ્રેમી ભક્તોને સમાજના લોકો તથા રાજા અન્યાય કરી રહ્યા છે તે રતનાબાઈને સહન થતું નથી. ધર્મ સામે અધર્મ અને સત્ય સામે અસત્ય, પુણ્ય સામે પાપનો વિજય થાય તે વાત રતનાબાઈને ગમતી નથી. રતનાબાઈ પણ તન મનથી પરમાત્માને પોકારીને નરસીમહેતાને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નરસીમહેતા સ્વર્ગ સમાન છે અને તેના સમાજના માણસો જ તેમને અન્યાય કરતા જઈ રહ્યા હોવાથી સામાજિક બંધનો તોડી તેમજ જાતી ભેદનો નાશ કરવા એક સામાજિક પરિવર્તનનું બીજ વાવી રહ્યા છે.
નરસીમહેતાનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
