સંત તિરુવલ્લુવર

સંત તિરુવલ્લુવરની ટૂંકી જીવનગાથા

સંત તિરુવલ્લુવર સમાજ સેવક.

મેઘવાળ સમાજમાં એવા પણ સંતો થઈ ગયા છે કે જેમણે પોતાના માટે આવા ગમનના ફેરા ટાળીને અમર થઈ જવાના હેતુ માટે ભક્તિ નથી કરી પણ સમાજમાં ઘૂસી ગયેલી બદીઓને નિવારવા પોતાના જિંદગીનો સમય તેમાં વાપરીને સમાજ સુધારણાની અમૂલ્ય કામગીરી કરીને ચાલ્યા ગયા છે. આ કામ ધર્મની બાબતને આનુસંગિક ન હોય તેથી ધર્મમાં રસ ધરાવતા લોકો આવા સંતોમાં રસ ધરાવતા નથી અને તેના જીવન વિશે પણ જાણવાની કોશિશ કરતા નથી. આવા સમાજ સુધારકો અને કવિઓ વિશે વાત કરવામાં આવે તો મેઘવાળ સમાજમાં અનેક આવા મહાન મહાનુભાવો અવતરણ કરીને સમાજને સુધારીને ચાલ્યા ગયા છે. ડો. આંબેડકર જેવા મહા માનવે આપણા ભારત દેશને સંવિધાન રૂપે પાડી ને દેશની વહીવટી કાયદાકીય કામગીરીને સરળ બનાવી દીધી છે અને હાલ પણ આ સંવિધાનના આધારે આપણા દેશનો વહીવટ ચાલી રહ્યો છે.

આ કામગીરી ફક્ત મેઘવાળ સમાજ પૂરતી સીમિત નથી પણ આખા ભારત દેશને ઉપયોગી થાય તેવી ઉત્તમ કામગીરી છે. આવા મહાનુભાવોને આપણે ભૂલવા ન જોઈએ. આવી રીતે કવયિત્રી રતનીબાઈ, સંત ચોખામેળા, સંતહવસી અને સંત તિરુવલ્લુવર જેવા અનેક મહામાનવ આ સમાજમાં અવતરણ કરીને પોતાના સમાજમાં ઘૂસી ગયેલા ખોટા રીત રીવાજો અને રૂઢિઓને દૂર કરી નવો રાહ બતાવી સમાજ સુધારણાનું ઉત્તમ કામ કરી ગયા છે. આ કામગીરી ફક્ત મેઘવાળ સમાજ પૂરતી ન હતી પણ જગતના તમામ સમાજને આ વાત લાગુ પડતી હોવાથી તેઓને પણ ઘણો ફાયદો થયો છે. આ સમાજ સેવકો પૈકીના સમાજ સેવક અને કવિ સંત તિરુવલ્લુવરને કેવી રીતે ભૂલી શકાય.

સંત તિરુવલ્લુવરનો જન્મ આશરે બે હજાર વર્ષ પૂર્વે ચેન્નાઈ શહેરના મૈલાપુર વિસ્તારમાં થયો હતો. સંત તિરુવલ્લુવર તે તમિલ સાહિત્યના કુરલના રચયિતા હતા તેવું માનવામાં આવે છે. કુરલ અથવા તિરુક્કુરલ તે તમિલ ભાષામાં લખાયેલ એક ગ્રંથને સર્વોત્તમ નીતિધર્મ ગ્રંથ તરીકે માનવામાં આવે છે. આ ગ્રંથમાં ધર્મને અસર કરતા તમામ પાસાઓનો તેમાં સમાવેશ કરી લેવામાં આવેલ હોવાથી તેને નીતિધર્મ ગ્રંથના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નીતિધર્મ ગ્રંથના લેખક તિરુવલ્લુવર હતા. આ મહાન ગ્રંથને તમામ ધર્મના લોકો જેવા કે, બૌદ્ધ, શૈવ, જૈન, વૈષ્ણવ અને ખ્રિસ્તી ધર્મના તમામ લોકો આ ગ્રંથને પોતાનો ગ્રંથ માને છે. ચેન્નાઈ શહેરના મૈલાપુર વિસ્તારમાં તિરુવલ્લુવરનો જન્મ થયો હતો તે સમયે દરિયા કિનારે મૈલાપુર નામનું નાનકડું ટાપુ કે ગામ હશે અને તે ગામે દલિત સમાજમાં તેનો જન્મ થયો હતો. ઘણા લેખકો તરફથી એવું પણ જાહેર કરવામાં આવેલ છે કે, તિરુવલ્લુવરનો જન્મ મદુરા ખાતે થયો હતો. વલ્લુવરનો અર્થ વલ્લુવા જાતિના ભક્ત એવો થાય છે. આ વલ્લુવાઓ અંત્યજ જાતિના ગણાતા હતા. આ જ્ઞાતિના લોકોનું મુખ્ય કામ રાજાઓ તરફથી મળેલી આજ્ઞાઓ તેમજ તેમના તરફથી થયેલ હુકમોની વિગત લોકો સામે રજૂ કરવા માટે હાથી ઉપર બેસીને ઢંઢેરો પીટાવવાનું કે આ વાતને જાહેર કરવાનું કામ કરતા હતા. વલ્લુવરના નામ આગળ તિર એટલે કે શ્રી જેવો માનાર્થ શબ્દ લગાવાથી મહાન સંત કવિ તિરુ(શ્રી) વલ્લુવર (ભક્ત) તરીકે ઓળખાય છે.

તિરુવલ્લુવરના પિતાનું નામ ભગવાન અને માતાનું નામ આદિ હતું અને આ પરિવાર મૈલાપુર ગામે વસવાટ કરતો હતો. આ ગામે વસવાટ કરી કાપડ વણવાનું કામ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા તેવું જાણવા મળે છે. તિરુવલ્લુવર ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને જ્યારે તેમની ઉંમર લગ્નને લાયક થતા તેમના માતા પિતાએ વાસુકી નામની કન્યા સાથે લગ્ન કરાવી આપ્યા હતા. આ કન્યા ગુણવાન અને સરળ સ્વભાવની તથા સ્વરૂપવાન હતી. સંત તિરુવલ્લુવર અને વાસુકી બંને પતિ પત્ની પરમાત્મા તરફનો અખૂટ ભાવ ધરાવતા હતા. આ સંત જેવા મેઘવાળ સમાજમાં ઘણા કવિઓ અને લેખકો પણ થઈ ગયા છે. ડો. આંબેડકરે તો દેશનો વહીવટ કેમ ચલાવવો તેનો લગતી આચારસંહિતા લખીને ભારત દેશને ભેટ આપી છે તેથી ભારત દેશનો વહીવટ સરળ અને સારી રીતે ચાલી રહ્યો છે. આ સંહિતા એવી છે કે હાલ સમય સુધી તેમાં કોઈ ખામી જાણવા મળી નથી તેમ છતાં ઘણા લોકોને આ સંહિતામાં ફેરફાર કરીને પોતાના સ્વાર્થ માટે શાસન ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમાં તમામ લોકોનું હિત દબાય રહ્યું છે તે બાબતે કોઈને ધ્યાન આપવાનો સમય નથી. રતનીબાઈ જેવી સંતકવયિત્રી પણ થઈ ગયા છે તેઓ પણ અનેક કાવ્યોની રચના કરી લોકોને પોતાના સ્વ અનુભવની જાણકારી આપીને દેશને એક મોટી ભેટ આપતા ગયા છે. હાલમાં પણ મેઘવાળ સમાજના અનેક લેખકો અને કવિઓ પણ છે.

સંત તિરુવલ્લુવરનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿