સંત ચોખામેળા દાદા ટૂંકી જીવનગાથા
સંત ચોખામેળા (ગુરુ નામદેવ)
મહારાષ્ટ્ર રાજ્યમાં પંઢરપુર નામનું ગામ આવેલ છે. આ ગામની બાજુમાં સાંગલી રજવાડાના મંગલવેઢા નામનું ગામ આવેલ છે તે ગામે એક ધર્મ પરાયણ મહાર (મેઘવાળ) સમાજનો એક પરિવાર વસવાટ કરતો હતો. આ પરિવાર મા ૧૩ મી સદીના પૂર્વાર્ધમાં સંત ચોખામેળાનો જન્મ થયો હતો. ફાગણ માસની પૂનમના રોજ સળગાવવામાં આવતી હોળી માટે સ્વર્ણ સમાજના લોકો અગ્નિ આ મહાર જ્ઞાતિના લોકોના ઘરેથી લઈ આવી હોળી પ્રગટાવવામાં આવે છે અને આ પ્રકારના રીવાજનો અમલ હાલના સમયે પણ થઈ રહ્યો છે. આ સમયે શિક્ષણનું પ્રમાણ નહિવત હતું તો આવા સમાજને શિક્ષણ કોણ આપે? આભડછેટનું પ્રમાણ પણ પરાકાષ્ઠાએ પહોંચી ગયું હોવાથી આ સમાજના લોકોને જીવન જીવવાના રાહમાં પણ અનેક મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી. આ સમાજનો શુદ્રોમાં સમાવેશ થયેલ હોવાથી જમીન પર ચાલતી વખતે તેના પગલા પણ ભૂંસી નાખવા પડતા હતા અને જમીન ઉપર થૂંકવાનો પણ અધિકાર ન હતો. આભડછેટને લીધે આ સમાજ શિક્ષણથી વંચિત રહી ગયેલ હોવાથી તેઓ પ્રગતિ કરી શક્યા ન હતા. બ્રાહ્મણવાદને લીધે આભડછેટ એવો ભરડો લઈ ગઈ હતી કે, માણસને માણસ તરીકે રહેવાનો તેમજ વ્યવહારના તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા.
સંત ચોખામેળાને પરમાત્મા તરફ પૂરો ભાવ હતો તેથી પરમાત્માના દર્શન કર્યા સિવાય અન્નનો એક દાણો પણ પોતાના મુખમાં પરમાત્માના દર્શન કર્યા સિવાય મૂકતા ન હતા, પણ તેઓ મંદિરમાં જઈ પરમાત્માના દર્શન કરી શકતા ન હતા તેથી મંદિર પાસે જઈ પગથિયાથી દૂર ઊભા રહીને મૂર્તિના દર્શન કરી ઘેર આવી જતા હતા અને ઘણીવાર ધ્વજાના પણ દર્શન કરીને પોતાનું મન મનાવી લેતા. એકવાર નામદેવ વિઠોબાના દર્શન કરવા પંઢરપુર પધારેલા તે સમયે ચોખામેળા તેમના દર્શન કરવા માંગતા હતા પણ લોકોએ તેમની પાસે જવા દીધા ન હતા તેથી તેમણે દૂરથી દર્શન કરીને નામદેવને પોતાના ગુરુ માની લીધા હતા. સંત ચોખામેળા એક પવિત્ર આત્મા હતો અને પંઢરપુરના વિઠોબાએ ચોખામેળાનો પોતાના તરફનો સાચો ભાવ અને પૂર્ણ ભાવ જોઈને તેઓ મનુષ્ય રૂપ ધારણ કરી મંદિર આગળ આવીને ઊભા રહ્યા. ચોખામેળા તો રોજ મંદિરથી દૂર ઊભા રહીને દર્શન કરતા હતા પણ આ વખતે વિઠોબા તેમનો હાથ પકડીને મંદિરની અંદર લઈ ગયા અને કહ્યું કે તારા મીઠાસૂરના ભજનો મેં ઘણા સમયથી સાંભળ્યા નથી તો મને સંભળાવો? અને વિઠોબાએ કહ્યું કે તમે દરરોજ મંદિરમાં આવીને મારી મૂર્તિ પાસે બેસીને ભજન મને સંભળાવજો તેવું કહેવાથી તેઓ મંદિરમાં બેસીને ભજન કરતા હતા. આ સમયે લોકોએ તેમને અનેકવાર માર માર્યો હતો અને તેને મંદિર બહાર કાઢી મૂક્યા હતા. લોકોએ ચોખામેળા વિરુદ્ધમાં બાદશાહ આગળ ફરિયાદ કરતા તેને દેહાંત દંડની સજા ફરમાવવામાં આવી હતી પણ પ્રભુએ તેમને બચાવી લીધા હતા.
ચોખામેળા મંદિરની અંદર જ્યારે ભજન ગાય રહ્યા હતા તે જોતા લોકોને ન ગમતા મંદિરે આવેલા આ તમામ લોકો લાકડી વડે ચોખામેળાને માર મારવા લાગ્યા. થોડીવાર પછી એવી ઘટના ઘટી કે ચોખામેળાને લાકડીના મારથી તેને લોહી નીકળવું જોઈએ તેના બદલે મૂર્તિમાંથી લોહી નીકળવા લાગ્યું. આ ઘટના જોઈને તમામને નવાઈ લાગી પણ ચોખામેળાને માર મારીને મંદિરની બહાર ફેંકી દીધા. ચોખામેળા અમુક સમય બાદ પંઢરપુર મંદિર છોડીને ચાલ્યા ગયા. લોકોએ મંદિરમાં તપાસ કરી તો વિઠોબાની મૂર્તિ મંદિરમાં જોવા ન મળી તેથી ચોખામેળા ઉપર શંકા જાગતા તેની તપાસ કરીને માર મારીને કહ્યું કે મૂર્તિ ક્યાં છુપાવી છે? ચોખામેળાએ જવાબ આપતા કહ્યું કે મૂર્તિ મંદિરમાં જ છે તમે તપાસ કરો. આ લોકોએ તપાસ કરી તો મૂર્તિ મંદિરમાં જ હતી તેથી તમામ તેમની પાસે માફી માંગવા આવ્યા અને કહ્યું કે અમને માફ કરો. ચોખામેળાએ કહ્યું કે તમે જે માર માર્યો છે તે મારા વિઠોબાને વાગ્યો છે તેથી તમારે જો માફી માંગવી હોય તો તેમની આગળ જઈને તેમની માફી માંગો? પણ મારી આગળ આવીને માફી માંગવાની જરૂર નથી. ચોખામેળા પાસેથી આવો જવાબ મળતા તમામ લોકો નવાઈ પામી ગયા અને વિચારવા લાગ્યા કે આપણે તેમના ઉપર અન્યાય કર્યો છે તેથી પરમાત્મા પણ આપણને માફ કરશે નહીં. ગામ લોકોના વિચારોમાં પરિવર્તન આવી ગયું અને ચોખામેળાને સમજાવીને મંદિરે લાવ્યા. આ સમયે અમુક લોકોએ ચોખામેળાને કહ્યું કે તમે રોજ મંદિરની બહાર ઊભા રહીને દર્શન કરતા હતા પણ તમે મંદિરમાં દાખલ થઈ કેમ ભજન ગાતા હતા તેનો અમને ખુલાસો કરો? ચોખામેળાએ કહ્યું કે ખુદ વિઠોબાએ આવીને તેની મૂર્તિ આગળ બેસીને ભજન સંભળાવવાનું કહ્યું હતું તેથી હું અંદર આવીને ભજનો ગાતો હતો. આ વાત સાંભળી લોકો વિચારવા લાગ્યા કે ખરેખર વિઠોબાએ તેમને દર્શન આપ્યા છે તેથી પરમાત્માને માર પડ્યો છે. ગામ લોકો ચોખામેળા સાથે સારો ભાવ રાખી એક પવિત્ર સંત માની તેનો આદર સત્કાર કરવા લાગ્યા.
ચોખામેળાનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
