સંત અક્કલદાસ

સંત અક્કલદાસ ટૂંકી જીવનગાથા

અકકલદાસ (ગુરુ ભીમસાહેબ)

અકકલદાસની ટૂંકી જીવન ગાથા

ચોટીલા ડુંગરથી ઉત્તર દિશામાં આશરે ૨૦ કી.મી. દૂર થાનગઢ નામનું ગામ આવેલ છે. આ થાનગઢમાં વાસુકી સ્થાનક આવેલ છે તે સારી ખ્યાતિ ધરાવે છે. થાનગઢ ગામે સંત કબીર ધારાના સંત અકકલદાસની જગ્યા આવેલ છે. અકકલદાસના દાદા રૂડાબાપા કચ્છના રાપર તાલુકામાં આવેલ ગેડી ગામથી પોતાના કુટુંબ સાથે ધંધાર્થે કે કોઈ પણ કારણોસર પોતાનું વતન છોડીને વઢિયાર વિસ્તાર કે જેને મોરબી ધ્રાગધ્રા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે તે વિસ્તારમાં પોતાના કુટુંબ સાથે રહેવા આવી ગયેલા. આ વઢિયાર વિસ્તારમાં થોડા વર્ષો રોકાયા તે પછી તેઓ તેના કુટુંબ સાથે પાંચાળ વિસ્તારમાં આવેલ થાનગઢ ગામે રહેવા આવી ગયા હતા. રૂડાબાપાને ઘેર એક પુત્રનો જન્મ થયો હતો તેનું નામ ડોસા મહારાજ રાખવામાં આવ્યું હતું. ડોસા મહારાજની ઉંમર લગ્નને લાયક થતા તેના લગ્ન કમીબા સાથે કરવામાં આવ્યા હતા. ડોસા મહારાજ ધાર્મિક વૃત્તિવાળા હોવાથી પોતાના આંગણે આવતા સાધુ સંતોની સેવા કરવામાં પોતાનો સમય પસાર કરતા હતા અને પોતાને આંગણે આવેલ મહેમાનો અને સાધુ સંતોને પોતાના ઘરમાં જે હોય તે જમાડીને આનંદ અનુભવતા હતા. ડોસા મહારાજે ત્રિકમસાહેબ પાસેથી દીક્ષા લઈ તેના શિષ્ય થયા હતા. ડોસા મહારાજના લગ્ન થયા બાદ ઘણો સમય પસાર થઈ ગયો હતો તેમ છતાં તેના વારસામાં કોઈ પુત્ર કે પુત્રીનો જન્મ થયો ન હતો.

ડોસા મહારાજે વડીલોની સલાહ મુજબ પોતાના ગુરુ ત્રિકમસાહેબ આગળ અરજ કરી કે ગુરુદેવ સંતાન વગર હવે સમય પસાર કરવો ઘણો અધરો છે અને આપ મારા ગુરુ પરમાત્મા સમાન જ છો તેથી આપ તેનો ઉકેલ લાવી શકશો. ત્રિકમસાહેબ ડોસા મહારાજની વાત સાંભળી અને થોડો સમય પસાર થયા બાદ ત્રિકમસાહેબે તેના શિષ્ય ભીમસાહેબને પોતાની પાસે બોલાવ્યા. ભીમસાહેબને બોલાવીને એક પવિત્ર સામગ્રીની ઝોળી આપી કહ્યું કે આ ઝોળી ડોસા મહારાજને ઘરે જઈને આપજો અને કહેજો કે એક દિવસ તમારે ઘેર આ પવિત્ર સામગ્રીની ઝોળીનો ખોલનારો તમારે ઘેર જરૂર આવશે, તેના સિવાય આ ઝોળી કોઈ ખોલશો નહીં. ભીમસાહેબે પોતાના ગુરુનો આદેશ સ્વીકારી ડોસા મહારાજને ઘેર આવ્યા. ડોસા મહારાજ તથા કમીબાને કહ્યું કે ગુરુનો આદેશ છે અને આ પવિત્ર સામગ્રીની ઝોળી આપી છે તેથી આ પવિત્ર ઝોળીને ખોલનારો તમારે ઘેર પુત્ર જન્મ લેશે તેથી આ ઝોળીની સેવા પૂજા કરજો પણ ખોલશો નહીં. આ વાત સાંભળી ડોસા મહારાજ તથા કમીબા ખુશ થઈ ગયા. કમીબાએ અઢાર માસ અને છ દિવસે ઈ.સ. ૧૮૩૨ મહાસુદ પૂનમને દિવસે એક સુંદર મુખારવિંદવાળા પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઉકો રાખવામાં આવ્યું.

એકવાર ભીમસાહેબ તથા ત્રિકમસાહેબ ચિત્રોડથી થાનગઢ જવા રવાના થયા અને થાનગઢ ડોસા મહારાજને ઘેર આવી ગયા. ત્રિકમસાહેબના આદેશથી ભીમસાહેબે ઉકાને ગુરુમંત્ર આપ્યો અને તેને પ્રમોદીને શિષ્ય બનાવ્યો અને વિશાળ સમુદાયને બોલાવીને ગુરુ ગાદીની સ્થાપના કરી. ત્રિકમસાહેબે ભક્તિ, પરમાર્થ અને સતનામ સદાવ્રતનો રાહ બતાવ્યો. આ સમયે ઉકાનું નામ બદલીને અકકલદાસ રાખવામાં આવ્યું. નામદાન દીધા પછી ઉકો નહીં પણ અકકલદાસના નામથી લોકો તને ઓળખશે તેવું કહેવામાં આવ્યું. ત્રિકમસાહેબે ભેખ આપ્યો હતો તેથી તે ભેખગુરુ હતા અને ભીમસાહેબે તેને બોધ આપ્યો હતો તેથી તે બોધગુરુ કહેવાતા હતા. ત્રિકમસાહેબની જગ્યામાં ભેખ આપવામાં આવે છે તે પરંપરા ચાલુ છે.

અકકલદાસે ઘણા શિષ્યોને પ્રમોદીને ભક્તિના રાહે ચાલતા કર્યા છે. અકકલદાસે ત્રિકમસાહેબની ગુરુ-શિષ્ય પરંપરા જાળવી રાખી છે.

જો ગુરુ-શિષ્ય પરંપરાની વાત કરવામાં આવે તો ભાણસાહેબના શિષ્ય તેમના પુત્ર ખીમસાહેબ હતા. ખીમસાહેબના શિષ્ય ત્રિકમસાહેબ હતા જેમણે ખીમસાહેબની સમાધિની બાજુમાં જીવતા સમાધિ રાપર મુકામે દરિયાલાલ મંદિરમાં લીધી હતી. ત્રિકમસાહેબે આમરણના ભીમસાહેબને દીક્ષા આપી શિષ્ય બનાવ્યા હતા અને આમરણ ગામે ભીમસાહેબે જીવતા સમાધિ લીધી હતી. ભીમસાહેબે ધોધાવદર નિવાસી દાસી જીવણને પ્રમોદીને પોતાના શિષ્ય બનાવ્યા હતા અને ધોધાવદર ગામે જીવણસાહેબે જીવતા સમાધિ લીધી હતી. અકકલદાસે થાનગઢ મુકામે આશ્રમની સ્થાપના કરી હતી અને આ સ્થળે તેમણે જીવતા સમાધિ લીધી હતી તેથી આ સ્થળે અનેક લોકો માથું ટેકાવી આનંદ માણી રહ્યા છે. અકકલદાસે ઘણાં ભજનોની રચના કરી તેમાં ગુરુગમની વાત મૂકતા ગયા છે તેથી હાલના ભક્તો આ ગુરુગમની વાતનો આનંદ મેળવી રહ્યા છે. થાનગઢ મુકામે રહેવા તથા જમવાની સગવડ મળી રહે છે.

અકકલદાસનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿