વીરમેઘમાયા

વીરમેઘમાયા દાદા ટૂંકી જીવનગાથા

વીર મેઘમાયો સમાજ સેવક

રાજા જયસિંહ સોલંકીએ પોતાના રાજ્યમાં પાણીની તંગી પડતા ભલાવની ખોદાણ કામ કરવાનું વિચારે છે. આ કામ કરવા તમામ મજૂરોને બોલાવવામાં આવે છે. ખોદાણ કામ કરનારા મજૂરોમાં એક જસમા ઓડણ નામનું કુટુંબ પણ આ કામે આવ્યા હતા. આ કામ શરૂ થતા કામના સ્થળે રાજા જયસિંહ સોલંકી કામના સ્થળે અવાર નવાર આવીને કામનું નિરીક્ષણ કરવા લાગ્યા હતા. જસમા સ્વરૂપવાન હોવાથી તેના મોહમાં રાજા સપડાઈ જાય છે. રાજા પોતાના મંત્રીને હુકમ કરીને કહે છે કે, જસમાના પરિવારને રાજમહેલમાં રહેવાની સગવડ કરી આપો અને જસમાને દાસીની કામગીરી સોંપો? રાજાના મંત્રી રાજાના કહેવા મુજબ જસમાને વાત કરે છે અને જસમા મહેલમાં રહેવા આવવાની ના પાડે છે. રાજા જસમાને મળીને કહે છે કે હું તને રાજાની રાણી બનાવીશ માટે તું શા માટે ના પાડે છે? આ સમયે પણ જસમા ના પાડે છે અને આ વાત કામ કરતા તમામ મજૂરો આગળ રજૂ કરે છે. આ વાત સાંભળતા તમામ મજૂરો કામ છોડીને વહેલી સવારે તમામ ભાગી ગયા. રાજા જયસિંહને આ વાતની જાણ થતાં તેઓ પોતાના લશ્કરને તેની પાછળ મોકલાવે છે અને પાછા લઈ આવવાનો હુકમ કરે છે. લશ્કર મજૂરો પાછળ જતા મજૂરો સાથે ઝઘડો થયો અને તેમાં જસમાના પતિ તેમજ તેના પુત્રનું મરણ થયું. આ સમયે જસમા શ્રાપ આપીને કહે છે કે હે, રાજા તારા રાજ્યમાં પાણીની મુશ્કેલી કાયમને માટે રહેશે. થોડો સમય પસાર થયા પછી રાજા ઘણા કૂવાઓ ગળાવે છે પણ કોઈ કૂવામાં પાણી આવતું નથી તેથી પાણીની તંગી ઊભી થતાં ફરીવાર તળાવનું કામ શરૂ કરવાનો વિચાર કરે છે. આ માટે પંડિતોને બોલાવવામાં આવતા તેમના એક પંડિત કહે છે કે બત્રીશ લક્ષણા કોઈ પુરુષની આહુતિ આપવામાં આવશે તો જ તળાવમાં પાણી થશે તેવી રાજા આવા નરની શોધમાં પડી ગયા.

રાજાએ બત્રીશ લક્ષણા નરને શોધવાની તપાસ કરવાના હુકમો કરીને તેના હસ્તકના વિસ્તારમાં કામ કરતા સુબાઓને હુકમ કરે છે. સુબાએ રાજાના હુકમનું પાલન કરવા અને રાજાના હુકમને માન આપવા ધોળકા ગામમાં ઢંઢેરો પીટાવી નગરના લોકોને આ જાણ કરવાનું શરૂ કરી દીધું. સુબો પાણી બાબતની વાત કરે છે અને કહે છે કે આ તળાવમાં એક બત્રીશ લક્ષણા નરની જરૂર છે તેવી જાહેરાત કરે છે. સૌરાષ્ટ્રમાં આવેલ ધોળકા શહેર તે અગાઉના સમયે વિરાટ નગર તરીકે ઓળખાતું હતું. સૌરાષ્ટ્રનો ભાગ એટલે કે ધોળકા શહેરના આજુ બાજુના ગામોના વિસ્તારનો ઉત્તર બાજુનો ભાગ જયરાજસિંહના વહીવટી તાબા હેઠળ આવતો હતો. ધોળકા પાસે આવેલ રનોડા ગામે આ સમયે થોડા વણકર સમાજના કુટુંબો વસવાટ કરતા હતા અને વણાટ કામ કરી પોતાના કુટુંબોનું ભરણ પોષણ કરતા હતા.

આ વણકર કુટુંબોમાં ધરમશીભાઈ અને ખેમીબહેન નામનું એક વણકર કુટુંબ પણ આ ગામે વસવાટ કરતું હતું. ખેમીબાઈએ સંવત ૧૧૮૪ મા એક પુત્રને જન્મ આપ્યો હતો તેનું નામ માયો રાખવામાં આવ્યું હતું. માયો બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતો હતો અને પોતાના સમાજ તરફ અતિ ભાવ રાખતો હતો. માયાને આ વાતની જાણ થતા પાણીની મુશ્કેલી નિવારવાનો વિચાર કરે છે અને રાજ્યનો સુબો માયાને લઈને પાટણ આવી જાય છે. માયો એવું વિચારે છે કે મારા સમાજને પડતી મુશ્કેલીનો અંત લાવવાની હું રાજા પાસે માંગણી કરીશ અને જો રાજા આ માંગણી માન્ય રાખશે તો સમાજ માટે આહુતિ આપવામાં મને કોઈ વાંધો નથી. જો હું ના પાડીશ તો પણ રાજા મને છોડશે નહીં તેથી મારા સમાજ માટે મારે કંઈક કરવું જોઈએ. રાજા આગળ માયો પોતાના સમાજની મુશ્કેલીની વાત રજૂ કરે છે અને મુશ્કેલી નિવારવાની વાત કરે છે અને શરતો મૂકે છે તે તમામ શરતો રાજા માન્ય રાખે છે અને તળાવમાં પોતાની આહુતિ આપી દે છે.

આ ઘટના ઘટી તે બાબતે એવું અનુમાન બાંધી શકાય છે કે સ્વર્ણ સમાજના લોકો આ સમાજથી દૂર ભાગતા હતા પણ કોઈ આહુતિ આપવા માંગતા ન હતા. બ્રાહ્મણો જાણતા હતા કે ધોળકામાં એક મહાન માણસ છે તેનો કાંટો કાઢી નાખવો જોઈએ તેથી તેનું નામ આપવામાં આવેલ અને વણકર સમાજના એક નિર્દોષ યુવાનની એક પાણીના નામે હત્યા કરવામાં આવી છે. જો માયો ના પાડે તો પણ તેની વાત કોઈ સાંભળી શકે તેમ ન હતું કારણ કે રાજાના હુકમ સામે કોઈ બોલી શકે તેમ ન હતું. આ વાત માયો જાણતો હતો તેથી ન છૂટકે આહુતિ આપવી પડી હશે. આ બાબતે માયો વિચારતો હતો કે મારો સમાજ દુઃખી છે પણ અન્ય સ્વાર્થી સમાજ તેમને મદદ કરશે નહીં તેથી જો આ કામથી મારા સમાજની મુશ્કેલી દૂર થઈ શકે તેમ હોય તો મારે દેહ ત્યાગ કરવા માટે ના પાડવી જોઈએ નહીં તેવો ઉત્તમ આશય રાખીને માયાને પોતાનું બલિદાન આપીને સમાજને મુશ્કેલીમાંથી બહાર કાઢવાની કોશિશ પણ કરી હોય તેવું જણાય આવે છે.

વીર મેઘમાયાનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿