📖 લાખા લોયણના ભજનોનું વિવરણ
લાખાને સદગુરુ દાદા ઉગમશી મળી જતા તે ભક્તિ ભાવમા રહેવા લાગે છે અને લોયણ તેને પોતાના ભજનો દ્વારા લાખાને ઉપદેશ આપીને સમજાવે છે. લોયણ લાખાને ઉપદેશ આપી કહે છે કે હે, લાખા જો તમારે આ ભવસાગર માથી તરી જવું હોય અને આવા ગમનના ફેરા મટાડી મોક્ષ મેળવવો હોય તો હું તમને મારા સદગુરુ સંત શેલણજીની કૃપાથી મને જે મારા ગુરુએ સમજણા આપેલ છે અને તેની અનુભૂતિ દ્વારા મારામાં જે જ્ઞાનની જાગૃતિ થયેલ છે તેના આધારે હું મારી ભજન વાણી દ્વારા ઉપદેશ આપું છું તો આ વાત ઉપર ધ્યાન આપીને સમજ લેવામાં આવશે તો તમારામાં રહેલ અજ્ઞાન રૂપી વાદળો આપો આપ વિખેરાય જશે અને તમારામાં જ્ઞાનનો સૂર્ય નો ઉદય થતા તમારામાં રહેલ ચેતન તત્વની પરમ થઈ જતા તમને મૂળ વાત સમજાય જશે. આ વાત કરી પોતે ભજનની રચના કરીને લાખાને આ ભજન દ્વારા ઉપદેશ આપી સમજાવે છે.
(૧) ગુરુ મારા દાસીને તેડી જાજો તમારા દેશમાં.
(૧) જી રે લાખા ધ્યાનમા બેસીને, તમે ધણીને આરાધો જી,
તમે મન અને પવનને બાંધો રે હા..હા. જી રે
(૨) જી રે લાખા નૂરતે નીરખો, અને સુરતે પરખો રે જી,
તમે સુરતા શૂન્યમા સાધો રે હા..હા. જી રે
(૩) જી રે લાખા નાદ અને બુંદની, તમે ગુઢ રે બાંધો રે જી,
મૂળ વચને પવન થંભાવો રે હા..હા. જી રે
(૪) જી રે લાખા ઉલટા પવનને, તમે સુલટમા સમાવો રે જી,
એવી રીતે એક ઘરમા લાવો રે હા..હા. જી રે
(૫) જી રે લાખા, ઈંગલા પીંગલા અને સુષુમ્ણાને સાધો રે જી,
ચંદ્ર સૂર્ય એક ઘરમા લાવો રે હા..હા. જી રે
(૬) જી રે લાખા, ત્રીવેણી મેળામા, તમે જુલોને તપાસો રે જી,
પછી જ્યોતમા જ્યોત મિલાવો રે હા..હા. જી રે
(૭) જી રે લાખા અનહદ પદને, ઓળખવાને માટે રે જી,
તમે જ્યોત ઓંગળી આધા ચાલો રે હા..હા. જી રે
(૮) જી રે લાખા, શેલણની ચેલી, સતી લોયણ બોલ્યા રે
તો એકતાના ઘરમા મહાલી રે હા..હા. જી રે
ભજનનું વિવરણ
(૧) જી રે લાખા ધ્યાનમા બેસીને, તમે ધણીને આરાધો જી,
તમે મન અને પવનને બાંધો રે હા..હા.
લોયણ તેના ભજનની પ્રથમ કડી દ્વારા લાખાને ઉપદેશ આપતા સમજાવે છે કે હે, લાખા તમે ધ્યાનમા બેસીને ગુરુનો આરાધ કરો. ગુરુનો આરાધ એટલે માટે પ્રથમ કરવામા આવે છે કે ગુરુની મૂર્તિ સાકાર રૂપ છે એટલે કે તેને આકાર, નામ અને રૂપ છે તેથી આ સાકાર રૂપ મૂર્તિને તમારા હૃદયમા બેસાડીને તમે આરાધ કરશો તો આ સાકાર રૂપ મૂર્તિ જ તમને નિરાકાર રૂપ એટલે કે જેને આપણે આત્મા કે પરમાત્મા તરીકે ઓળખીએ છીએ તેની અનુભૂતિ કરાવી શકશે તેથી પ્રથમ તમારે સાકાર રૂપ ગુરુ મૂર્તિમા પરમાત્માના દર્શન કરવા પડશે. ગુરુ પરમાત્મા રૂપ છે તેવો વિશ્વાસ કેળવવો પડશે. હે, લાખા તમે તમારા ગુરુમા વિશ્વાસ નહીં રાખો અને તેના વ્યવહારને નીહાળીને તેની નીંદા કરતા રહેશો તો તમારે જે લક્ષે પહોંચવું હશે તે લક્ષે તમે પહોંચી શકશો નહીં. તેથી પ્રથમ તમારા હૃદયમા ગુરુ મૂર્તિને સ્થાન આપો.
(૨) જી રે લાખા નૂરતે નીરખો, અને સુરતે પરખો રે જી,
તમે સુરતા શૂન્યમા સાધો રે હા..હા.
લોયણ તેના ભજનની બીજી કડી દ્વારા ઉપદેશ આપી સમજાવે છે કે હે, લાખા તમે પ્રથમ તમારી નૂરત એટલે
આંતર ચક્ષુ દ્વારા તેને નીહાળો અને તેને નીહાળીને તેના તરફ ભાવ જાગૃત કરીને તમારી સુરતાને ત્યાં પહોંચાડી તેની ઓળખાણ કરો. લાખા તમારી સુરતાને શૂન્યમા સાધવાથી તમારો દેહ બાદ થઈ જશે. શૂન્યમા જવું એટલે દેહના વળગણોથી મુક્ત થવું તેવો અર્થ થાય છે. હે, લાખા જ્યાં સુધી દેહના વળગણો તમારામા હશે ત્યાં સુધી તમારું મન તમારી દેહની ઇન્દ્રિયો દ્વારા અવનવા ખેલ કરાવ્યા કરશે અને તમને સાચો માર્ગ ભૂલાવી ગેર માર્ગે વાળી દેશે. જો તમે શૂન્ય અવસ્થામા તમે પહોંચશો ત્યારે તમારા માથી દેહના વળગણો નીકળી ગયા હશે અને દેહથી જ પરમ તત્વની પરખ થઈ શકતી નથી પણ દેહનો ફક્ત સહારો લેવામાં આવે છે. દેહ બાદ કરવા તમે તમારી સુરતાને શૂન્યમા સાધશો અથવા લગાડશો તો પરમાત્માના ઘરની ઓળખાણ થઈ શકે તેમ છે તેથી દેહ બાદ કરવો જરૂરી છે.
(૩) જી રે લાખા નાદ અને બુંદની, તમે ગુઢ રે બાંધો રે જી,
મૂળ વચને પવન થંભાવો રે હા..હા.
લોયણ તેના ભજનની ત્રીજી કડી દ્વારા લાખાને ઉપદેશ આપી સમજાવે છે કે હે, લાખા માનવ દેહ સિવાય દેહ
ધારી જીવાત્માને શબ્દનો ભેટ મળેલ નથી તેમજ સારો સંગત કયા મળતી નથી. માનવ દેહ સિવાયના અન્ય દેહો ધારી જીવાત્મા પાસે ફક્ત નાદ જ હોવાથી તે શબ્દની પરખ કરી શકતો નથી એટલે કે શબ્દના અભાવે પરમાત્માની પરખ થઈ શકતી નથી કારણ કે વચન તે પરમાત્મા રૂપ છે અને તે શબ્દ રૂપ હોવાથી શબ્દ દ્વારા શબ્દને ઓળખી શકાય છે. હે, લાખા શબ્દ ફક્ત પરમાત્મા સિવાય કોઈ શબ્દનાદ કરી શકતું ન હોવાથી શબ્દ એટલે કે વચન. આ વચન સાથે પડેલ શબ્દ રૂપ વચનની પરખ કરી શકે છે. માનવ દેહને મોંસું દ્વારા કહેવામા આવે છે અને માનવ દેહ સિવાય કોઈ દેહથી મોંસું મેળવી શકાતો નથી. એટલે પરમાત્માની પરખ કરી શકાતી નથી. લાખા તમને તમારા ગુરુએ વચનની વાત કરી વચનનો મર્મ સમજાવેલ છે તે મૂળ વચન સમજીને વચનના આધારે તમે તમારામા ગતિ કરતા પવનને થંભાવી શકશો. હે, લાખા જ્યાં સુધી તમારામા રહેલ પાંચ પ્રકારના પવનો કે જે અલગ અલગ જગ્યાએ રહીને તેની કામગીરી બજાવી રહ્યા છે તેના માર્ગો
પણ અલગ અલગ છે તેથી આ પાંચ પવનને એક ઘેર લાવવા પડશે તો જ તમે તમારા તમામ પવનને થંભાવી શકશો અને તે ભક્તિના માર્ગમા પરમાત્માની પરખ કરવા માટે ખાસ જરૂરી છે.
(૪) જી રે લાખા ઉલટા પવનને, તમે સુલટમા સમાવો રે જી,
એવી રીતે એક ઘરમા લાવો રે હા..હા.
લોયણ તેના ભજનની ચોથી કડી દ્વારા લાખાને ઉપદેશ આપી સમજાવે છે કે હે, લાખા આ દેહમા પવન ગતિ કરી રહ્યો છે તે પવનને અલગ અલગ માર્ગ ગતિ કરે છે તેનો એક માર્ગ નથી તેથી આ ઉલટા પવનને સુલટમા ફેરવો એટલે કે તેની ગતિ ફેરવી તેનો માર્ગ બદલાવી તમારી સુરતાને તેની સાથે એકાગ્ર કરી તેમા બાંધી રાખો. લાખા આવી રીતે પાંચ પવનને એક ઘેરે લાવી તેને સ્થિર કરીને તેને થંભાવી તેમા તમારી સુરતાને લગાડી દેશો તો જ તમને તમારી સુરતા અલખના ઘરની ઓળખાણ કરવા તેના ઘર સુધી શબ્દરૂપ વચનને પહોંચાડી આપશે. આ સુરતાને સંતોએ આંધળી કહી છે. આ સુરતા આંધળી એટલા માટે કહેવામા આવી છે કે આપણી સુરતા અનેકવાર આ પરમાત્માના દ્વાર સુધી જતા હોય છે પણ પરમાત્માના ઘરની ઓળખાણ કે જાણકારી ન હોવાથી તે પાછી ફરી જાય છે. ગુરુ ધારણ કર્યા પછી સાચા નિશાન અને વચન મળતા વચન એટલે શબ્દને શબ્દની ઓળખાણ હોવાથી તમારા ગુરુ દ્વારા સ્મરણમા આપેલ શબ્દને સુરતા પરમાત્માના ઘેર જતા શબ્દ જ શબ્દની પરખ કરી શકતો હોવાથી આપમા જ્ઞાનની પરખ થતા સુરતા આ સ્થળે પહોંચતા
શબ્દ તેને અટકાવી આપતા સુરતાને પરમાત્માના ઘરની ઓળખાણ થાય છે.
(૫) જી રે લાખા, ઈંગલા પીંગલા અને સુષુમ્ણાને સાધો રે જી,
ચંદ્ર સૂર્ય એક ઘરમા લાવો રે હા..હા.
લોયણ તેના ભજનની પાંચમી કડી દ્વારા લાખાને ઉપદેશ આપી સમજાવતા કહે છે કે હે, લાખા મનને કાબુમા
રાખવું હોય અને સુરતાને શ્વાસ ઉચ્છવાસમા એકાગ્ર કરવી હોય તો શ્વાસ ઉચ્છવાસની ક્રિયા દ્વારા આ કાર્યમા સિદ્ધિ મેળવી શકાય છે. જમણી બાજુના નાકના નસકોરાને ઈંગલા અને ડાબી બાજુના નાકના નસકોરાને પીંગલા કહેવામા આવે છે. આ બંને નાકના નસકોરા દ્વારા શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા થાય છે અને આ બંને નસકોરાની વચ્ચે કપાળમા સુષુમ્ણા નામની નસ પસાર થાય છે તેથી તેના ઉપર કાબુ મેળવીને તેમા સુરતાને એકાગ્ર કરવાથી શૂન્યમા જઈ શકાય છે. જમણા ભાગના નાકના નસકોરામા આવેલ નાડી ને સૂર્ય નાડી તેમજ ડાબી બાજુના નાકના નસકોરામા આવેલ નાડીને ચંદ્ર નાડી પણ કહેવામા આવે છે. આ બંને નાડીઓ અલગ અલગ સમયે કામ કરતી હોય છે તેથી તેને એક ઘેર લાવો એટલે કે બંને એક બીજા સાથે ભેળવીને તેનો એક જ વ્યવહાર કરી નાભીમાથી શ્વાસ અને ઉચ્છવાસ ઉપર કાબુ મળી ગયો છે તેમ કહેવામા આવે છે. લાખા શ્વાસ અને ઉચ્છવાસ ઉપર કાબુ આવી જતા સુરતા તેના આધારે પરમાત્માને ઘેર જઈ શકે છે.
(૬) જી રે લાખા, ત્રીવેણી મેળામા, તમે જુલોને તપાસો રે જી,
પછી જ્યોતમા જ્યોત મિલાવો રે હા..હા.
લોયણ તેના ભજનની છઠ્ઠી કડી દ્વારા લાખાને ઉપદેશ આપી સમજાવે છે કે હે, લાખા ઈંગલા નાડીને ગંગા અને પીંગલા નાડીને જમના નદીના નામની ઉપમા આપીને સમજાવેલ છે. લાખા જ્યારે શ્વાસ અને ઉચ્છવાસ બંને કુંભ સ્થાનને અથડાય છે તે વખતે નાદ ઉત્પન્ન થાય છે અને નાદનો શબ્દમા રૂપાંતર થાય છે અને શબ્દને સરસ્વતીનું નામ આપવામા આવેલ છે. આ ત્રણેય કણાળાના સ્થળે એકઠા થાય છે તેને ત્રિવેણી સંગમ તેવું કહેવામા આવ્યું છે. લાખા જેમ ગંગા જમના અને સરસ્વતી તેમ ત્રણ નદીઓનો પ્રવાહ એક સ્થળે ભેગો થાય છે તેને ત્રિવેણી સંગમ કહી શકાય છે. આ ત્રણ નદીઓનો પ્રવાહ એક સાથે એક બીજામા ભળી જાય છે તેને મેળાનું નામ આપીને કહેવામા આવે છે કે આ ક્રિયાને તમે તપાસી જુઓ. હે, લાખા આ સમયે તમને તમારા અનુભવની અનુભૂતિ થતા અલખ ધણીની ઓળખાણ થઈ જશે.
(૭) જી રે લાખા અનહદ પદને, ઓળખવાને માટે રે જી,
તમે જ્યોત ઓંગળી આધા ચાલો રે હા..હા.
લોયણ તેના ભજનની સાતમી કડી દ્વારા ઉપદેશ આપી લાખાને સમજાવે છે કે હે, લાખા અનહદ પદ જ્યોત કરતા પણ આગળ છે તેથી જો તમારે તેની ખાતરી કરવી હોય તો તમારે આ જ્યોતને ઓળંગીને આગળ જવું પડશે ત્યાં અલખ ધણી બીરાજી રહ્યા છે તેની તમને અનુભૂતિ દ્વારા ઓળખાણ થઈ જશે.
(૮) જી રે લાખા, શેલણની ચેલી, સતી લોયણ બોલ્યા રે
તો એકતાના ઘરમા મહાલી રે હા..હા.
લોયણ તેના ભજનની આઠમી કડી દ્વારા ઉપદેશ આપી સમજાવે છે કે હે, લાખા મને જે આ વાતની જાણકારી
થયેલ છે તે મારા ગુરુ શેલણની કૃપાથી થયેલ છે અને હું આ વાત તમને તેની તાકાતથી સમજાવી રહી છું. ચેતન તત્વને આત્મા કે પરમાત્માના નામથી ઓળખવામા આવે છે તેથી આ ચેતન શક્તિ દ્વારા આપણા દેહની ઇન્દ્રિયો કામ કરે છે તેથી તે કર્તા રૂપ માનવામા આવે છે પણ મન આત્માથી વિમુખ થયેલ હોવાથી તે તેના હુકમ મુજબ તે સંકલ્પો વિકલ્પો સર્જીને આત્માની વિરુદ્ધમા જઈને તેને ગમે તેવું કામ દેહના ઇન્દ્રિયો મારફત કરાવતું હોવાથી આત્મા એટલે કે ચેતન તત્વ આ કામ કરતું ન હોવાથી તે કર્તા હોવા છતાં અકર્તા માનવામા આવે છે.
લાખા લોયણનો જય
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
