લાખાભગત

લાખાભગત દાદા ટૂંકી જીવનગાથા

લાખાભગત જૂનાગઢ (ગીરસોમનાથ) જિલ્લાના ઉના તાલુકાના દુધાળા ગામના વતની હતા. વર્તમાન સમયમાં આ જિલ્લો ગીરસોમનાથના નામથી ઓળખાય છે. લાખાભગતનો જન્મ ઈ.સ. ૧૭૮૦મા થયો હતો તેવું તેમના લેખો પરથી જાણવા મળે છે. લાખાભગતનો જન્મ વણકર સમાજના પરિવારમાં થયો હતો અને તેમની અટક પારધી (પરમાર) હતી. આ ગામે હાલ પણ પારધી અટકવાળા વણકર સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. લાખાભગતના પિતા કરશનભગત તેના કુટુંબ સાથે સાવરકુંડલા ગયા હતા કે લાખાભગત તેના પરિવાર સાથે સાવરકુંડલા ગયા હતા તે ચોક્કસ માહિતી જાણવા મળતી ન હોવાથી લાખાભગતની જન્મ ભૂમિ દુધાળા છે કે સાવરકુંડલા તે નક્કી થઈ શકતું નથી. પરંતુ તેના જીવનના છેલ્લા સમય સુધી સાવરકુંડલા હતા તેથી તેની કર્મ ભૂમિ સાવરકુંડલા માનવામાં આવતી હોવાથી સાવરકુંડલાના લાખાભગત તેવા નામથી ઓળખાય છે.

લાખાભગત તેના તમામ કામો સાચા દિલથી કરતા હતા અને બીજાને પણ મદદ કરવાનો ભાવ ધરાવતા હતા. લાખાભગતના પિતાનો વ્યવસાય વણાટ કામનો હતો તેથી આ ધંધો પોતે સંભાળી લીધેલ હોવાથી વણાટ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લાખાભગત સાવરકુંડલાના એક શેઠ પાસેથી પાણકોરા (ધાબળા) વણવા માટેનો કાચો માલ લાવતા હતા અને ધાબળા વણીને શેઠને આપી તેની મળતી મજૂરીથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. એકવાર લાખાભગત ધાબળા વણીને શેઠને આપવા માટે જતા હતા તે સમયે નાવલી નદીના કાંઠે આવતા ચાર પાંચ સાધુઓ એક ઝાડની નીચે બેઠેલા જોયા હતા. આ સમયે લાખાભગતને જોઈ ધાબળાની માંગણી કરતા તમામ ધાબળા તેને ભેટ આપી દીધા હતા. આ તમામ ધાબળાઓ શેઠને ઘેર આપવા લાખાભગતના રૂપે પરમાત્મા શેઠને ઘેર પહોંચી ગયા અને શેઠે મજૂરીના પૈસા દેવાનું કહ્યું તો જવાબ આપ્યો કે હું કાલ લઈ જઈશ હાલ મારે થોડું કામ છે તેમ કહીને નીકળી ગયા. બીજો દિવસ થયો શેઠ લાખાભગતની રાહ જોઈને બેઠા હતા. લાખાભગત ન આવતા પોતે ધાબળાની મજૂરી આપવા લાખાભગતને ઘેર આવ્યા અને સાદ પાડ્યો તો લાખાભગત વિચારવા લાગ્યા કે શેઠને માલ પહોંચ્યો નથી તેથી ઠપકો આપવા આવ્યા છે પણ જે કહે તે મારે સાંભળી લેવું પડશે તેમ વિચારીને બહાર નીકળ્યા. શેઠ લાખાભગતને કહ્યું કે ભલા માણસ તમે ધાબળા આપી ગયા પણ મજૂરીની રકમ લેવાનું મેં તમને કહેતા તમે ઉતાવળે મજૂરી લીધા વગર ચાલ્યા ગયા તેથી મારે તમારે ઘેર આવવું પડ્યું છે.

ભાવનગરના રાજા લાખાભગતની ભક્તિના વખાણ સાંભળીને તેમના ઘેર આવેલા અને ભાવનગર પધારવા માટે આમંત્રણ પણ આપેલું. લાખાભગત જાફરાબાદ મુકામે જતા તે સમયે જાફાના જીવાભરવાડના પુત્રનું મરણ થયેલ છે તેવા સમાચાર મળતા તે સમયે તેને જીવતદાન આપી તેને જીવતો કરેલો. લાખાભગતને જાફરાબાદના તેના શિષ્ય કલાભગતનું આમંત્રણ મળતા સાવરકુંડલાથી જાફરાબાદ આવેલા તે સમયે મરેલા બળદને જીવતો કરેલો તેમજ ખારા પાણીવાળા કૂવાનું પાણી મીઠું કર્યું હતું તે વાવ હાલ હૈયાતી ધરાવે છે અને તે મીઠી વાવ તરીકે ઓળખાય છે.

જાફરાબાદના કુંભાર વાસમાં હનુમાન મંદિરમાં હનુમાનની મૂર્તિની સ્થાપના તેમના હાથે કરવામાં આવેલી તે મંદિર હાલ કુંભારવાડામાં હૈયાતી ધરાવે છે. આ મંદિરમાં લાખાભગતના પગલા પણ પધરાવવામાં આવેલ છે. આ મંદિરમાં જ્યારે આરતી પૂજા થાય છે તે સમયે લાખાભગતની પણ જે બોલાવવામાં આવે છે. લાખાભગતે અનેક પ્રમાણો આપીને નામના મેળવી છે તેથી લોકો તેને યાદ કરે છે. લાખાભગતે રામમંદિરની સ્થાપના સાવરકુંડલા ગામે કરેલી તે મંદિર પણ સાવરકુંડલા ગામે હૈયાતી ધરાવે છે. લાખાભગતની જગ્યા સાવર કુંડલા મુકામે નાવલી નદીના કાંઠે આવેલ વેગડા વાસમાં આવેલ છે. લાખાભગતે આ સ્થળે સમાધિ લીધી હતી તેવું જાણવા મળે છે. લાખાભગતની સમાધિના દર્શન કરવા હાલ લાખો લોકો આવે છે અને દર્શન કરી પોતે ધન્યતા અનુભવે છે. લાખાભગતે ગુરુ બોધ લીધો હતો કે નહીં તે વિગત જાણવા મળતી નથી કારણ કે લાખા ભગતના ગુરુ કોણ હતા? તેની જાણકારી મળતી ન હોવાથી ખાતરી થતી નથી. લાખાભગતની જગ્યાએ હાલ તેમની મરણ તિથિ ઉજવાય છે અને આ સમયે અનેક લોકો આવીને આ પ્રસંગની શોભા વધારીને આનંદ માણે છે. આ સ્થળે રહેવા તથા જમવાની વ્યવસ્થા આ મંદિરે આવતા લોકો માટે આ મંદિરની સેવાપૂજા કરનારા કરે છે. લાખાભગતને લોકો હાલના સમયમાં યાદ કરી રહ્યા છે અને મેઘવાળ સમાજમાં એક મહાન સંત થઈ ગયા તે વાત માટે મેઘવાળ સમાજને તેનું ગૌરવ છે.

લાખાભગતનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿