લક્ષ્મીરામ સાહેબ ટૂંકી જીવનગાથા
લક્ષ્મીસાહેબ (ગુરુ ત્રિકમસાહેબ)
લક્ષ્મીસાહેબની ટૂંકી જીવન ગાથા
આપણા ભારત દેશમાં ઘણા રાજ્યોમાં મેઘવાળ સંતો થયા છે અને આ સંતોએ રાજા મહારાજાઓને પણ બોધ આપીને ધર્મના રાહે ચાલતા કરેલા છે. ગુજરાતમાં અનેક સંતો થયા છે તેમાં કચ્છ-ભુજમાં પણ ઘણા મેઘવાળ સંતોએ ધર્મની ધજા ફરકાવીને ધર્મને આગળ ચલાવી સામાજિક સુધારણા કરીને લોકોને ગેરમાર્ગે જતા અટકાવીને ધર્મના રાહે ચાલતા કર્યા છે. આ સંતો પૈકી લક્ષ્મીસાહેબનો જન્મ પણ કચ્છ-ભુજમાં મેઘવાળ બ્રાહ્મણને ઘેર થયો હતો. લક્ષ્મીસાહેબ ત્રિકમસાહેબના ભત્રીજા થતા હતા અને તેમણે ત્રિકમસાહેબ પાસેથી દીક્ષા મેળવી તેમના શિષ્ય થયા હતા. લક્ષ્મીસાહેબના ગુરુ અને કાકા એવા ત્રિકમસાહેબનો જન્મ રાપર તાલુકાના રામવાવ નામના ગામમાં મેઘવાળ બ્રાહ્મણને ઘેર થયો હતો. ખીમસાહેબ જ્યારે કચ્છ-ભુજના રાપર ગામે ગાદી સંભાળી રહ્યા હતા તે સમયે ત્રિકમસાહેબે તેમની પાસેથી બોધ લઈ ઘણો સમય રાપર રોકાયા હતા અને ગુરુના આદેશથી તેઓ રાપરથી સામખીયાળી તરફ જતા રસ્તા પર રાપરથી આશરે વીસ કિ.મી. દૂર સિતોડ ગામે આશ્રમ બાંધીને ધર્મનો ઉપદેશ આપી લોકોની સેવા કરતા હતા. ખીમસાહેબ લુહાણા જ્ઞાતિના હતા અને ત્રિકમસાહેબ મેઘવાળ જ્ઞાતિના હોવાથી ખીમસાહેબના ઘણા શિષ્યોએ વિરોધ કર્યો હતો તેમ છતાં ખીમસાહેબે કહ્યું કે તમામ પરમાત્માના બાળકો છે તેથી તમામમાં મને પરમાત્માના દર્શન થાય છે. તેથી જે શિષ્યોને આ બાબતે વાંધો હોય તો તે મારા શિષ્ય તરીકે ન રહે તો મને વાંધો નથી, પણ ત્રિકમ તો મારો શિષ્ય રહેશે તેથી શિષ્યો વિરોધ કરતા અટકી ગયા હતા. ત્રિકમસાહેબે તેમના ગુરુ ખીમસાહેબની સમાધી પાસે રાપર મુકામે સમાધી લીધી હતી. આ સમયે ખીમસાહેબની સમાધી પાસે એક આંબલી હતી તેથી તેને વિનંતી કરવામાં આવતા તે ખસી જઈ જગ્યા આપી હતી અને આ સ્થળે ત્રિકમસાહેબે સમાધી લીધી હતી. હાલ સમયે આ આંબલી આવેલી છે અને તેને ત્રિકમ આંબલીના નામથી ઓળખવામાં આવે છે.
લક્ષ્મીસાહેબ મૂળ તંત્ર માર્ગના ઉપાસક હતા તેથી ભૈરવની સાધના કરતા હતા. પછી તેઓ ત્રિકમસાહેબના ઉપદેશથી સંતધારામાં આવ્યા હતા. ત્રિકમસાહેબે સમાધી લીધા બાદ લક્ષ્મીસાહેબે સિત્રોડની ગાદી સંભાળી હતી અને સમાજ સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું. લક્ષ્મીસાહેબને ઘણા શિષ્યો હતા તેથી ગુરુ-શિષ્ય પરંપરા આ મુજબ છે: (૧) ખમીયાસાહેબ (૨) હરિદાસજી (૩) વસનસાહેબ (૪) ખાનસાહેબ (૫) પ્રેમહંસસાહેબ (૬) મૂળહંસસાહેબ સુધી ચાલી આવી છે. ત્રિકમસાહેબે ભીમસાહેબને બોધ આપી શિષ્ય બનાવ્યા હતા અને ભીમસાહેબે આમરણ ગામે આશ્રમ બાંધી લોકોની સેવા કરતા હતા. ભીમસાહેબે અનેક ભજનોની રચના કરી છે. ભીમસાહેબે ધોધાવદરના દાસી જીવણસાહેબને બોધ આપીને દીક્ષા આપી હતી. જીવણસાહેબે ધોધાવદરમા આશ્રમ સ્થાપી લોકોની સેવા કરતા હતા.
દાસી જીવણે અનેક શિષ્યોને બોધ આપીને ભક્તિના રાહે ચાલતા કર્યા છે તેમાં તેમના શિષ્યોમાં પ્રેમસાહેબ તથા અરજણભગત હતા. પ્રેમસાહેબે વશરામસાહેબને બોધ આપી શિષ્ય બનાવ્યા હતા. વશરામસાહેબે માધવસાહેબને દીક્ષા આપી શિષ્ય બનાવ્યા હતા. માધવસાહેબે તેમના પુત્ર પુરુષોતમદાસને બોધ આપી શિષ્ય બનાવ્યા હતા. દાસી જીવણસાહેબે આ સિવાય ઘણા શિષ્યોને બોધ આપીને ભક્તિના રાહે ચાલતા કર્યા છે. જીવણસાહેબે ધોધાવદરમા આશ્રમ સ્થાપી સમાજ સેવા કરતા હતા. જીવણસાહેબે ધોધાવદર મુકામે જીવતા સમાધી લીધી હતી તેથી હાલ લોકો આ સ્થળે જઈ સમાધીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. હાલ ધોધાવદર ગામે શામળદાસ બાપુ તેમજ વાસના લોકો આ સ્થળની વ્યવસ્થા જાળવી રહ્યા છે અને લોકોને ભોજન તેમજ રહેવાની સગવડ પણ પૂરી પાડી રહ્યા છે. લોકો તરફથી એવું જાણવા મળે છે કે દાસી જીવણે ત્રણસો ભજનોની રચના કરી છે પણ આ તમામ ભજનો મળતા નથી. હાલ મારા દ્વારા એકસો પચાસ ભજનો એકઠા થતા દાસી જીવણની જીવન ગાથા નામના પુસ્તકમાં તેનું વિવરણ કરી રજૂ કરવામાં આવ્યા છે. દાસી જીવણને ગોંડલના ભા કુંભાજીએ તેમના પિતાના બાકી લેણા માટે પંડિતોની ભલામણથી જેલમાં પુરાવવામાં આવ્યા હતા. આ સમયે કોઈ શેઠ આવીને સસો કોરી જમા કરાવી આપતા તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. દાસી જીવણ પાસે ફક્ત સાઈઠ કોરી જ વસૂલ લેવાની હતી તેથી પાનસો ચાલીશ કોરી ભા કુંભાજીએ જીવણસાહેબને આપતા હતા તે સમયે દાસી જીવણે ના પાડી હતી. આ વધારાની કોરી હાલ ગોંડલ મુકામે રાજદરબાર કચેરીમાં રાખવામાં આવી છે અને રોજ તેની સેવા પૂજા કરવામાં આવે છે તેવું લોકોના મુખેથી સાંભળવા મળે છે. એવું પણ જાણવા મળેલ છે કે જો કોઈને શરીરમાં ગાંઠ થાય તો ફક્ત એક સોપારીની માનતા માનવાથી તે મટી જાય છે.
લક્ષ્મીસાહેબનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
