રામદેવપીરના ભજનો

📖 રામદેવપીરના ભજનોનું વિવેચન

(૧)
પુછો પુરા પંડિતોને, પુછો શેષ સન્યાસીને,
આમા નીજના ગુરુ કોણ છે ? પુછો

(૨)
જમીન કેવી જાત કોણ ? આસમાન કેરો ઘાટ કોણ ?
ગગન બાટે મેઘ ગરજે, ઈ રે દેવતા કોણ છે ? પુછો

(૩)
ચાર મારગલી હાલ કોણ ? હાલ મારગલી ધીરજ કોણ ?
ધીરજના તમે માળા ફેરવો, ઈ રે દેવતા કોણ છે ? પુછો

(૪)
કતલવાલી કા સુતર કોણ ? વાણાળી કા પુતર કોણ ?
કતલવાલી તમે જુઠ ન બોલો, ઈ રે નુગરા કોણ છે ? પુછો

(૫)
ભવાની કી ભીંગ કોણ ? શીતજી કી લીંગ કોણ ?
લીંગમા એક અખંડ જ્યોતી બીરાજે, ઈ રે દેવતા કોણ છે ? પુછો

(૬)
ભણે રામો લખે નામો, સંતો તમે સાંભળો,
બોલ્યા પીર રામદેવ, ખોજીન હારા કોઈ સંત છે. પુછો

ભજનનું વિવેચન

(૧) પુછો પુરા પંડિતોને, પુછો શેષ સન્યાસીને,

આમા નીજના ગુરુ કોણ છે ?

રામદેવપીર તેના ભજનની પ્રથમ કડી દ્વારા પંડિતો શેષો અને સન્યાસીઓ વિષે કહે છે કે, જ્યારે પંડિતો, શેષો, અને સન્યાસીઓ ધર્મની વાત પોતાની સમજણ મુજબ લોકોને સમજાવીને સનાતન ધર્મને વિખેરી નાખવાના પ્રયત્નો કરતા હતા તે સમયે અનેક સંતોએ તેની સાથે વિરોધ કરીને ધર્મની સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. આ સમયે સંત રોહીદાસ, સંતકબીર, ધનાભગત, મીરાંબાઈ, ગોરખનાથ જેવા મહાન સંતો ધર્મની સાચી વાત સમજાવી રહ્યા હતા. આ સાચી વાત પંડિતો, શેષો, સન્યાસીઓને ગમતી ન હતી તેથી આવા સંતોના વિરોધી બની ગયા હતા.. પંડિતો કાલ્પનિક શાસ્ત્રો દ્વારા લોકોને પરમાત્માના ઘરની વાત સમજાવીને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતા હતા. જે દિવસમા પાંચવાર નમાજ પડતા હતા તેવા મોલવીઓ અને શેષો પણ મુસ્લિમ ધર્મની વાતો કરી લોકોને આ ધર્મમા લાવવા માટેનો પ્રયત્ન કરતા હતા. સન્યાસીઓ જેઓ ઘરબાર છોડીને ચાલ્યા ગયા અને પરમાત્માની શોધ ખોળમા પડી ગયા હતા અને લોકોને સન્યાસ લેવાની સલાહ આપતા હતા. આ સમયે ધર્મના નામે ધરારનારાં લોકો કોઈની વાત સાચી માનવી તેવી અવઢવમા ફસાઈ જવાથી ગમે તેની વાત માનીને ધર્મ અંગીકાર કરી લેતા હતા તેથી મૂળ સનાતન ધર્મમા લોકો રસ લેતા ઓછા થઈ ગયા હતા. આ સમયે લોકો સનાતન ધર્મ છોડી ધર્મ પરિવર્તન કરી બીજા ધર્મમા ચાલ્યા ન જાય તે માટે તે સમયના સંતો લોકોને સમજાવવાની કોશિશ કરતા હતા. રામદેવપીર આવા મહાન સંતો જેવા અને સન્યાસીઓને કહે છે કે હે, પંડિતો તમે પોતાના મન ઉપર હાથ રાખીને કે શાસ્ત્રો રૂપી લોકોને પરમાત્માના ઘરની વાત સમજાવી રહ્યા છો. હે, પંડિતો તમે પુરા જ્ઞાની છો અને પરમાત્માના ઘરની તમને જાણકારી છે તેવો દાવો કરી લોકોને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરો છો પણ હું તમને કહું છું કે આ નીજનો ગુરુ કોણ છે ? તેનો મને જવાબ આપો ? રામદેવપીર કહે છે કે હે, શેષો તમે પાંચ ટાઈમ નમાજ છો અને ખુદાને યાદ કરો છો, હે, સન્યાસીઓ તમે ઘરબાર છોડીને તપ કરવા નીકળી પડ્યા છો અને લોકોને સન્યાસ લઈ પરમાત્માને પામવાની વાતો કરી રહ્યા છો અને તમે પણ કહો છો કે નીજનો ગુરુ કોણ છે ? આ સમયે કોઈ તરફથી જવાબ મળ્યો ન હતો કારણ કે તેઓ જાણવા જેવી જે વાત છે તે વાત તેનાથી અજાણ હતા. જે જાણવા જેવી ન હતી તે વાત પકડીને જ ધર્મની વાતો કરી લોકોને પોતાના ધર્મમા ખેંચી જવાનો પ્રયત્ન કરતા હતા.

રામદેવપીર આ વાતનો જવાબ આપતા કહે છે કે પરમતત્વ છે જે સ્વયંભૂ ઉત્પન્ન થયેલ છે તેને પરમાત્માના નામે ઓળખવામાં આવે છે, તેને બ્રહ્મ પણ કહેવામાં આવે છે. નીજ એટલે પોતે અને પોતાનો ગુરુ કોણ છે તેવો પ્રશ્ન હોવાથી તમામ દેહોમાં આત્મા રહેલો છે અને તે આત્મા તેનો એક અંશ છે. આત્મા કે જીવને લીધી દેહ કામ કરી રહ્યો છે. આત્મા બ્રહ્મ સ્વરૂપ હોવાથી પોતે જ પોતાનો ગુરુ છે. આત્મા દેહમાં દાખલ થતા તેને દેહાધ્યાસનો રોગ લાગુ પડી જવાથી તે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે. જો આ જીવને પોતાનું મૂળ સ્વરૂપ ઓળખાય જાય તો પોતે જ બ્રહ્મ સ્વરૂપ છે તેવી તે પોતાનો ગુરુ છે તેવું સમજાવે છે.

(૨) જમીન કેવી જાત કોણ ? આસમાન કેરો ઘાટ કોણ ?
ગગન બાટે મેઘ ગરજે, ઈ રે દેવતા કોણ છે ?

રામદેવપીર તેના ભજનની બીજી કડી દ્વારા પંડિતો શેષો અને સન્યાસીઓને પ્રશ્ન કરે છે કે, જમીનની જાત કોણ છે ? આસમાન કેરો ઘાટ કોણ છે ? આ ગગન મંડળ માથી મેઘ બારેમાસ ગરજના કરી રહ્યો છે તે દેવતા કોણ છે ? આ તમામ પ્રશ્નોનો જવાબ મળતો નથી કારણ કે તેઓ મૂળ તત્વની શોધના રાહે ચાલતા ન હતા પણ પોતાનું જ્ઞાન જ લોકોને સમજાવતા હતા. રામદેવપીર પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે, માત પિતાના સમાગમથી અને રજ અને વીરજના આધારે ગર્ભનું બંધન બંધાય છે અને તે નવ માસ કે નવ માસ બાદ બહાર થાય છે તે દેહ છે તે જ જમીનની જાત છે. દેહ તે ભૂમિનું તત્વ છે અને દેહ પાંચ તત્વોનો બનેલો છે. જ્યારે દેહમાં જીવને રહેવાનો અવધી પૂરી થાય છે તે સમયે જીવ દેહ છોડીને ચાલ્યો જાય છે. આ સમયે ચાર તત્વો પોતાની મેળે જ્યાંથી આવ્યા છે તે સ્થળે જઈ તેમાં સમાય જાય છે તેથી પવન અગ્નિ વાયુ અને આકાશ નીકળી જાય છે પણ પાંચમું તત્વ કે જેને ભૂમિનું તત્વ કહેવામા આવે છે તે પોતાની મેળે પોતાના મૂળ સ્વરૂપે જઈ શકતું નથી કારણ કે દેહ માથી પ્રાણ કે જીવ નીકળી જતા તે પોતાનું મૂળ જડ સ્વરૂપમા આવી જતા તેને ભૂમિમાં ભેળવવા માટે તેને દફનાવી તેની અંતિમ ક્રિયા કરી તેને ભૂમિમા ભેળવી દેવામાં આવે છે.

જો આ દેહને દફનાવવામાં આવે તો તે ધૂળ બની જાય છે અને જો તેને અગ્નિ સંસ્કાર કરીને તેનો નિકાલ કરવામાં આવે તો તેની રાખ બની જતા તે પણ જમીનમાં ભળી જાય છે. જો કોઈ મનુષ્યને હિંસક પ્રાણી ખાય ગયું હોય તો તેની વિષ્ઠા થઈ જતા તે જમીન પર પડતા તે પણ જમીનમાં ભળી જાય છે. રામદેવપીર કહે છે કે જેમ જગતમાં અનેક ઘાટો આવેલા છે તેવો ઘાટ ઘટ ભીતરની અંદર પણ આવેલો છે અને તેને ત્રિવેણીનો ઘાટ કહેવામા આવે છે. મરતકમા જે બોલાળા છે તેને આસમાન કહેવામા આવે છે અને ત્રિવેણીનો ઘાટ છે તે તેનો ઘાટ છે. આકાશની જેમ વિશાળ છે તેથી વિશાળતા મસ્તકમા આવેલી છે. રામદેવપીર કહે છે કે પરમતત્વ કાયમને માટે હંકારા કરી રહ્યું છે પણ આપણને તે અવાજ આ ચંચળતા જ્ઞાન દ્વારા તે સાંભળી શકાતો નથી. જે કાયમને માટે શબ્દ ગરજી રહ્યો છે તે જ પરબ્રહ્મ છે તેવી આ અવાજ કરનારો કોઈ દેહ હોય તો તે બ્રહ્મ છે.

(૩) ચાર માયલી ચાર કોણ ? ચાર માયલી ધીરજ કોણ ?
ધીરજમા તમે માળા ફેરવો, ઈ રે દેવતા કોણ છે ?

રામદેવપીર તેના ભજનની ત્રીજી કડી દ્વારા પુરા પંડિતો, શેષો અને સન્યાસીઓને પ્રશ્ન કરીને કહે છે કે, ચાર માયલી ચાર કોણ ? ચાર માયલી ધીરજ કોણ ? અને ધીરજમા તમે માળા ફેરવી રહ્યા છો તે દેવતા કોણ છે ? આ પ્રશ્ન પૂછતા કોઈ જવાબ આપી શકતા નથી કારણ કે તેઓ ઘટ ભીતરની તમામ બાબતોથી અજાણ છે અને તેઓ ફક્ત બહારની વસ્તુઓ જોઈને જ લોકોને સમજાવતા હતા. આવા લોકોએ કોઈ દિવસ પોતાના ઘટ ભીતરમાં ઝાંખીને જોયું નથી તેથી જાણવા જેવી જે વાત છે તેનાથી તેઓ અજાણ છે તેથી આ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી.

રામદેવપીર આ વાતને સમજાવતા કહે છે કે, ગગન મંડળ માથી અમીધારાઓ વરસી રહી છે આ અમીધારા નાભિમા પડે છે. આ જળ કુંડલી માથી આવે છે અને ગગન મંડળમા એકઠુ થવાથી તેને બીજો કોઈ રસ્તો મળતો નથી તેથી તે ધોધ રૂપે આ જળ બ્રહ્મરંધ્રની પીઠા માં પડે છે અને આ સ્થળે એકઠું થાય છે. આ જળના ધોધની ઠાલ રૂપે બ્રહ્મરંધ્રની પીઠા છે અને આ પીઠા વિશાળ હોવાથી તે ભરાતી નથી. આ બ્રહ્મરંધ્રની પીઠાના તળિયેથી આ જળના ટીપા નાભી ઉપર પડે છે. આ જળને રોકીને એકઠું કરનાર બ્રહ્મરંધ્રની પીઠા હોવાથી તે ઠાલ રૂપે છે. જ્યારે અમીધારાનું પાણી બ્રહ્મરંધ્રની પીઠા માથી ટીપારૂપે નાભિમા પડવાથી તે પણ જળથી ભરેલી હોવાથી નાદ ઉત્પન્ન થાય છે તેને ગંગાનાદ કહેવાય છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે સમયે ભક્ત ધીરજ રાખી અને વિશ્વાસ રાખીને પરમાત્માનું નામ સ્મરણ ચાલુ રાખવામાં આવે તેને ધીરજ કહી છે. આ ધીરજ રાખીને આ ધીરજમા આપણે નામ સ્મરણ પરમાત્માની પરમ કરવાનું કહેવાય છે તેને સ્મરણ પરમતત્વનું હોવાથી ધીરજ માથી જેની માળા ફેરવવામાં આવે છે તે દેવતા બ્રહ્મરૂપ છે. નાભી પણ જળથી ભરેલી હોવાથી બંને પાણી વચ્ચે ઘર્ષણ થવાથી એક નાદ ઉત્પન્ન થાય છે તેને સંતોએ ગેબી નાદ કહ્યો છે. આ ઘર્ષણને લીધે એક ઉર્જા ઉત્પન્ન થાય છે તે આત્મરૂપ શક્તિ છે. આ જળ ગતિ કરીને ભૂમિ ચક્રમા આવે છે અને સુક્ષ્મજ્ઞાનના મુખમા દાખલ થાય છે. ઈંગલા પીંગલા અને સુષુમ્ણા નાડીઓ શરીરમા આવેલ બોતેર હજાર નાડીઓના મુખ્ય ગણાય છે. ઈંગલા અને પીંગલા નાડીઓ પવન વાહિની છે તેથી તેના આધારે શ્વાસ લેવાય છે અને ઉચ્છવાસ બહાર કાઢી શકાય છે. આ બે નાડીઓમા ચાલતી રહેલી પવનની ગતિ એક સરખી હોતી નથી તેથી સ્મરણના આધારે તેની ગતિ સરખી કરવામા આવે છે. આ પવન જ્યારે ભૂમિ તત્વની પાસે આવે છે તે સમયે તેને ઉલટાવીને સુષુમ્ણા તરફ વાળવામા આવે છે. આ સ્થળે આપણ નામનો વાયુ રોકેલી છે અને તેનો સુષુમ્ણા ગંથ છે અને તે બહારની બાજુએ ગતિ કરે છે.

જો ઈંગલા પીંગલાનો પ્રાણ કે પવનને ઉલટાવવામાં ન આવે તો તે અપાન વાયુ સાથે ભળી જવાથી બહાર નીકળી જાય છે તેથી સંતોએ પવનને ઉલટાવવાની વાત કરી છે. સુષુમ્ણાનું મુખ ભૂમિ તત્વના સ્થળે રહેલું છે. આ સ્થળે ગદા દ્વારા તેની પાસે બજરના મણકાનું છેલ્લું હાડક આવેલ છે તેની બાજુમાં ત્રિકોણાકારે એક માસનો ટુકડો આવેલો છે અને તેના પર એક માસની નળી સાડા ત્રણ આંટા વીટાળાયને રહેલી છે તેને કુંડલી કહેવામા આવે છે. આ કુંડલી ઉપર વીટાળેલી નળીનો અર્ધો આંટો નીચે તરફ નમેલો હોય છે તે કુંડલીનું મુખ છે. ભૂમિ ચક્રમા ગણેશનો વાસ છે અને અપાન નામનો વાયુ રહેલો છે. કુંડલી ચાર રીતે જાગૃત કરી શકાય છે તેમાં સ્મરણ કરીને કુંડલીને જાગૃત કરવાની રીત સરળ છે તેથી કુંડલી જાગૃત કરવા ગુરુ તરફથી ગુરુમંત્ર રૂપે સ્મરણના શબ્દો આપે છે તેને ચાવીઓ પણ કહેવામા આવે છે. જ્યારે કુંડલીનું જળ સુષુમ્ણા માથી દબાણ શરૂ કરીને આ જળ એક એક કરતા સાતમા ચક્રમા આવે છે તે સ્થળે સુષુમ્ણાનો છેડો રહેલ હોય છે તેના છેડે ગાંઠ છે. આ સ્થળે નીચેથી જળનું દબાણ થાય છે અને સુષુમ્ણાના છેલ્લા છેડે એક ગાંઠ આવેલ છે તે સુષુમ્ણાના જળને રોકવાનું કામ કરતી હોય છે પણ નીચેથી જળનું દબાણ વધી જતા સુષુમ્ણામાં જળનો જથ્થો વધી જાય છે અને સુષુમ્ણા નાડીની આગળ આવેલ ગાંઠ ખુલ્લી જાય છે અને જળ ગગન મંડળના ટોચ પર એકઠું થવા લાગે છે. જ્યારે આ જળને બીજો કોઈ માર્ગ મળતો ન હોવાથી તે ધોધ રૂપે ગગન મંડળમાં આવેલ બ્રહ્મરંધ્રની ખીણમાં એકઠું થાય થવા લાગે છે. જળ બ્રહ્મરંધ્રના તળિયેથી ટીપા રૂપે નાભી ઉપર પડે છે તેને અમૃત ધારાનો વરસાદ કહેવામા આવે છે.

(૪) કતલણવાલી કા સુતર કોણ ? વાણઝણી કા પુતર કોણ ?
કતલણવાલી તમે જુઠ ન બોલો, ઈ રે નુગરા કોણ છે ?

રામદેવપીર તેના ભજનની ચોથી કડી દ્વારા પુરા પંડિતો, શેષો અને સન્યાસીઓને પ્રશ્ન કરે છે કે, કતલણવાલી કા સુતર કોણ ? અને વાણઝણીકા પુતર કોણ ? આવો પ્રશ્ન પૂછતા કોઈ જવાબ મળતો નથી એટલે કે કોઈ જવાબ આપી શક્યું નથી. આ પ્રશ્નનો જવાબ આપતા રામદેવપીર કહે છે કે, ઈંગલા અને પીંગલાનો શ્વાસ અને ઉચ્છવાસ ચાલે છે તે કતલણ વાળી છે અને સુરતા તેના સહારે ગગન મંડળમાં પરમાત્મા સાથે દોર લગાડે છે તે તેનું સુતર કે દોરો છે. આ દેહમાં આશા તૃષ્ણાને વાણઝણી કહેવામા આવે છે. મમતા મરતી નથી તેથી તેને વાણઝણી કહેવામા આવે છે. આ આશા તૃષ્ણા રૂપી વાણઝણી છે તેને પુત્રો કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ છે. પવનરૂપી રેંટિયા સાથે ફરીને ગગન મંડળ સુધી દોર સાધનાથી તેને ખોળે બોલશો નહીં, તો આમા નુગરા કોણ છે ? સુરતા જવાબ આપે છે કે કામ, ક્રોધ, મોહ , રાગ અને અભિમાન છે તે નુગરા છે.

(૫) ભવાની કી ભીંગ કોણ ? શીવજી કી લીંગ કોણ ?
લીંગમા એક અખંડ જ્યોતી બીરાજે, ઈ રે દેવતા કોણ છે ?

રામદેવપીર તેના ભજનની પાંચમી કડી દ્વારા પંડિતો શેષો અને સન્યાસીઓને પ્રશ્ન કરે છે કે ભવાની કી ભીંગ કોણ ? શીવજી કી લીંગ કોણ ? લીંગ(દેહ)મા જ્યોતી બીરાજે ઈ રે દેવતા કોણ છે ? આવો પ્રશ્ન તેઓને પૂછવામા આવતા કોઈ જવાબ આપી શક્યા ન હતા કારણ કે આ દેહની વાત છે અને આત્મજ્ઞાનની અગમ વાત છે તેથી તેઓ જાણતા ન હતા. પંડિતો શેષો અને સન્યાસીઓ તો ફક્ત બહારની દુનિયાને નિહાળીને લોકોને તેના આધારે ધર્મની વાતો સમજાવતા હતા પણ કોઈએ ઘટભીતરમાં આંખીને જોયું નથી કે મનોમંથન કરેલ ન હોવાથી આ અગમ વાત સમજ શક્યા નથી.

રામદેવપીર તેનો જવાબ આપી સમજાવતા કહે છે કે, અહીયા સ્ત્રી અને પુરુષની વાત કરવામાં આવી છે. ભવાની એટલે કે સ્ત્રી અને શીવ એટલે કે પુરુષ તરીકે વાત કરી છે. રામદેવપીર સમજાવે છે કે, ભીંગ અને લીંગના લીધે સ્ત્રી અને પુરુષમા ભેદ ઉભો થયો છે બાકી નારી અને નરમા જે ધમધમ કરી રહેલું તત્વ તો એક જ છે. એવું કહેવામા આવે છે કે, પુરુષનું જમણું પડખું કે અંગ છે તે પુરુષનો ભાગ કહેવાય છે અને પુરુષનું ડાબું પડખું કે અંગ છે તે નારીનું છે. રજ અને વિરજના મિશ્રણથી ગર્ભ બંધાય છે તેમા સ્ત્રીનો અર્ધો ભાગ અને અર્ધો ભાગ પુરુષનો ભળીને એક દેહ બંધાય છે. સ્ત્રીમા પુરુષનો ભાગ પણ છે અને પુરુષમા અર્ધો ભાગ સ્ત્રીનો પણ આવેલો છે તે વાત સમજાવવા ભવાની અને શીવની વાત કરવામાં આવી છે. એક ભજન માથી એવું જાણવા મળ્યુ છે કે પ્યાસ કરોડમા પાણી છે. પચાસ પુરુષની પ્રકૃતિ અને પચાસ સ્ત્રીની પ્રકૃતિઓ મળીને દેહ બંધાય છે તેને પચાસ કરોડમા પાણી કહ્યું છે આ દેહ છે તે પચાસ કરોડ પાણીનો પ્યાલો છે. કરોડનો અર્થ એક જાતના કે એક પ્રકારના તેવો થાય છે તેથી આ પ્રકારનું પાણી એકઠુ થવાથી દેહ બંધાયો છે અને પુરુષનું વીર્ય અને સ્ત્રીના વિરજ જ્યારે એકઠા થાય છે તેમાથી ગર્ભનું બંધન બંધાય છે અને ધીમે ધીમે આ ગર્ભ સ્ત્રી કે પુરુષના રૂપમા પ્રગટ થાય છે.

આ લીંગ(અંગ)મા અખંડમા જ્યોતી બીરાજે ઈ રે દેવતા કોણ છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતા રામદેવપીર સમજાવે છે કે, લીંગ એટલે કે દેહમા આત્મા રૂપી જ્યોતી ઝગમગી રહી છે તે જ બ્રહ્મ કે પરમતત્વ જ્યોતી રૂપે પ્રકાશી રહ્યો છે. જગતનું સર્જન કરનારું મૂળ તત્વ એટલે કે પ્રાણ અને પ્રકૃતિના મીલનથી થયું છે તે જ દેહ છે અને તેમા જ્યોતી રૂપે પરમતત્વ ગગન મંડળમા બીરાજમાન છે તેનો દેવતા તે બ્રહ્મ પોતે જ છે.

(૬) ભણે રામો લખે નામો, સંતો તમે સાંભળો,
બોલ્યા પીર રામદેવ, ખોજીન હારા કોઈ સંત છે.

રામદેવપીર તેના ભજનની છઠી કડી દ્વારા સમજાવતા કહે છે કે, હું ભણું છું એટલે કે હું બોલું છું અને લખનારો પણ હું પોતે જ છું. રામદેવપીર કહે છે કે, મારા ગુરુ બાવા બાલાનાથની કૃપાથી પરમાત્માના ઘરની અગમ વાત મને

જાણવા મળી છે. આ વાતનું મેં મનોમંથન કરીને જાણવાની કોશિશ કરી છે અને આ વાત મને સમજાય જતા હું બોલીને લખી બતાવું છું. રામદેવપીર કહે છે કે, હે, સંતો તમે આ વાત સાંભળી લો અને સમજી લો કે આ પરમતત્વની ખોજ જેણે કરી છે અને તેના અનુભવના આધારે જેને અનુભૂતિ થઈ છે તેવા તેની ખોજ કરનારા લાખો કરોડોમાં કોઈક સંતો છે. આવા સંતોએ આ મૂળ તત્વને જાણી લીધુ તેના નામ અમર થઈ ગયા છે અને તેવા લાખોમાં કોઈક સંતોના આવા ગમનના ફેરા ટળી ગયા છે.

જય અલખધણી.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો

🌿