રાજા ગોપીચંદ ટૂંકી જીવનગાથા
રાજા ગોપીચંદ (ગુરુ જાલંધરનાથ)
એક રાજ્યમાં ત્રિલોક્ય નામના રાજા રાજ્ય વહીવટ ચલાવતા હતા અને તેના લગ્ન મેનાવતી નામની કન્યા સાથે થયા હતા. મેનાવતીએ એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ ગોપીચંદ રાખવામાં આવ્યું હતું. ગોપીચંદ જ્યારે યુવાન વયે પહોંચીને ગયા ત્યારે તેમના લગ્ન એક ઉમાવતી નામની કન્યા સાથે કરવામાં આવ્યા હતા. રાજા ગોપીચંદ બદ્રીકાશ્રમમાં બાર વર્ષ સુધી ધ્યાન સાધના કરી હતી. રાજા ગોપીચંદ તેના મામા રાજાભરથરી સાથે પણ ગોરખનાથ ગુરુમાં સાથે મળીને સાધના કરી હતી તેવું પણ જાણવા મળે છે. રાજા ગોપીચંદની માતા મેનાવતી પોતાનો પુત્ર ગોપીચંદ સાધુ થઈને મહાન સંત થઈ પોતાનું નામ અમર કરે તેવી ઈચ્છા ધરાવતા હતા.
એકવાર એક સાધુ નગરમાં દાખલ થાય છે અને આ સાધુને રાજરાણીની દાસી કનકલતા તેને જોઈ જાય છે. આ સાધુના માથા ઉપર ઘાસની ગાંસડી હોય છે અને તે તેના માથાથી એક ફૂટની ઊંચાઈએ રહેતી હોય છે. આ સાધુ ગામને ઝાંપે એક ઝૂંપડી બાંધીને આ સ્થળે રોકાય જાય છે. આ ઘટના નિહાળતા ગામ લોકોને નવાઈ લાગે છે અને આ વાત દાસી કનકલતા ગોપીચંદ રાજાની માતા મેનાવતીને કરે છે. મેનાવતી અને તેની દાસી આ ગામને ઝાંપે આવેલ સાધુની ઝૂંપડીએ રાત્રીના સમયે તેમને મળવા જાય છે. આ સાધુનું નામ જાલંધરનાથ છે તેથી રાત્રીના સમયે આ બંને સ્ત્રીઓને રાત્રીના સમયે આવવાનું કારણ પૂછે છે. જાલંધરનાથને જવાબ આપતા મેનાવતી કહે છે કે, મહારાજ હું આ રાજ્યના રાજા ગોપીચંદની માતા છું અને મારી સાથે જે બીજી સ્ત્રી આવેલ છે તે મારી દાસી છે અને તેનું નામ કનકલતા છે. હું વિધવા હોવાથી દિવસના સમયે બહાર નીકળી શકતી નથી તેથી રાત્રીના સમયે હું અને મારી દાસી આપના દર્શન કરવા અહીંયા આવ્યા છીએ. જાલંધરનાથ જવાબ આપતા કહ્યું કે, માતા રાત્રીના સમયે કોઈ સ્ત્રીએ કોઈના ઘેર કે કોઈ સ્થળે જવું તે સ્ત્રી માટે કલંકની નિશાની માનવામાં આવે છે. મેનાવતી આ સમયે પોતાના દીકરા ગોપીચંદને સંસારના મોહ માંથી મુક્ત કરવાની વાત કરે છે અને પોતાને તેના શિષ્ય તરીકે સ્વીકારી બોધ આપવા વિનંતી કરે છે. આ વાત સાંભળી જાલંધરનાથ ના પાડે છે. રાત્રીના સમયે મેનાવતી તેની દાસી સાથે કોઈ સાધુને મળવા જાય છે તેવી વાત ગોપીચંદની પત્નિ રાજા ગોપીચંદને કરે છે અને રાત્રીના સમયે સ્ત્રીઓએ બહાર જવું તે વ્યાજબી નથી અને જો લોકોને ખ્યાલ આવશે તો તમારી નીંદા થશે તેથી તેમને અટકાવવા જોઈએ. એકવાર રાજા ગોપીચંદ આ વાતની ખાત્રી કરવા તેની પાછળ પાછળ જાય છે અને વાતની ખાત્રી થઈ જાય છે કે તેની માતા રાત્રીના સમયે સાધુને મળવા જાય છે. રાજા ગોપીચંદ આ સાધુને ગામની બહાર કાઢવાનો વિચાર કરે છે. રાજા ગોપીચંદ વિચારવા લાગે છે કે આવું કામ કરવું વ્યાજબી નથી અને જો લોકોને ખબર પડશે તો તેઓ મારી નીંદા કરશે તેથી સાધુનો કોઈ પણ રીતે નિકાલ કરવા મનમાં નક્કી કરે છે.
એકવાર રાજા ગોપીચંદ મંત્રીને બોલાવીને કહ્યું કે સાધુને ખાડો ગાળી તેમાં દફનાવી આપો તેથી જાલંધરનાથને ખાડામાં દફનાવી દેવામાં આવ્યા હતા. મેનાવતીને સાધુના દર્શન થતા નથી તેથી એવું વિચારે છે કે સાધુ ગામ છોડીને ચાલ્યા ગયા છે પણ રાજા ગોપીચંદે તેને ખાડામાં દફનાવી દીધા છે તે વાતની જાણકારી તેમને ન હતી. ગોરખનાથ એક વાર ગોપીચંદરાજાના રાજ્યની હદ માંથી પસાર થઈ રહ્યા છે તે સમયે તેમને જમીન માંથી અવાજ સંભળાય છે કે મને કોઈ બહાર કાઢો? ગોરખનાથ આ અવાજ સાંભળી જતા અને અવાજના સ્થળે આવતા જાલંધરનાથને ખ્યાલ આવી જતા કહે છે કે ગોરખનાથ તમે મારા શિષ્યને સમાચાર આપો કે તારા ગુરુને જમીનમાં દફનાવી દીધા છે તેથી તેમને બહાર કાઢવા માટે આવે. અને તમે પણ તેમની સાથે આવી મને મુશ્કેલી માંથી દૂર કરશો.
એક સમયે જાલંધરનાથના શિષ્યની સાથે ગોરખનાથની ભેટો થાય છે અને એક બીજા ગુરુનું નામ જાણાવતા ગોરખનાથ કહે છે કે મારા ગુરુ મત્સ્યેન્દ્રનાથ છે અને જાલંધરનાથના શિષ્ય કહે છે કે મારા ગુરુ જાલંધર નાથ છે. જાલંધરનાથના શિષ્ય ગોરખનાથને કહે છે કે તમે શા માટે અહીંયા આવ્યા છો? ગોરખનાથ કહે છે મને મારા ગુરુ મળતા નથી તેથી તેની શોધમાં નીકળ્યો છું. જાલંધરનાથના શિષ્ય કહે છે કે તમારા ગુરુને ત્રિયા રાજ્યમાં ઘર સંસાર માંડીને બેઠા છે. આ સમયે ગોરખનાથ પણ કહે છે કે તમારા ગુરુને કોઈએ જમીનમાં દફનાવી દીધા છે તેથી તેને બહાર કાઢવા માટે સમાચાર આપવાની ભલામણ કરી છે. ગોરખનાથ અને જાલંધરનાથના શિષ્ય ગોપીચંદ રાજાના રાજ્યમાં આવી ગુરુને બહાર કાઢે છે અને ગોપીચંદ જાલંધરનાથ પાસેથી દીક્ષા ગ્રહણ કરી જાલંધરનાથ સાથે ચાલ્યા જાય છે.
રાજા ગોપીચંદનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
