માણંદ ભગત

માણંદ ભગતની ટૂંકી જીવનગાથા

માણંદભગત (ગુરુ બાલક સાહેબ)

માણંદભગતનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કામરોળ ગામે મેઘવાળ ચમાર જ્ઞાતિમાં થયો હતો. માણંદ ભગત પ્રથમથી ભક્તિ ભાવમાં રસ ધરાવતા હતા અને સત્સંગમાં જવાથી ભક્તિ તરફ સારો ભાવ જાગ્યો હતો. નથુરામના શિષ્ય બાલકસાહેબ અવાર નવાર આજુ બાજુના ગામડે આવીને લોકોને પરમાત્માના ઘરની વાત સમજાવતા હતા. બાલકસાહેબ તરફ ભાવ જાગતા એકવાર માણંદભગત બાલક સાહેબને વિનંતી કરીને કહ્યું કે મને તમારો શિષ્ય બનાવી મને બોધ આપો? બાલકસાહેબને માણંદભગતમાં ભક્તિનો ભાવ જોવા મળતા તેને શિષ્ય તરીકે પ્રમોદીને તેને દીક્ષા આપી હતી. બાલકસાહેબનો સમય વિ.સ. ૧૮૫૭ થી ૧૯૬૨ માનવામાં આવે છે તેથી માણંદભગતનો જન્મ ૧૯મી સદીમાં થયો હોય તેવું માનવામાં આવે છે. માણંદભગતના જન્મ વિશે કોઈ જાણકારી મળતી નથી તેથી તેના ગુરુના સમયના આધારે આ સદીમાં તેનો જન્મ થયો હશે તેવું અનુમાન બાંધવામાં આવે છે.

માણંદભગત બાલકસાહેબના શિષ્ય થયા પછી તે તેના સદગુરુ ઉપર અપાર વિશ્વાસ રાખતા હતા અને પરમાત્માની જેમ પૂજતા હતા. એક વખત મહેસાણા તરફથી મોતીરામ નામના સાધુ કામરોળ ગામે આવેલા તે સમયે માણંદભગત તેમને મળેલા. મોતીરામને માણંદભગત મળતા મોતીરામે કહ્યું કે ભગત હું પ્રત્યક્ષ પરમાત્માના દર્શન તમને કરાવી શકું તેમ છું. મોતીરામે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરાવી આપવાની વાત કરતા માણંદભગત સ્વભાવે ભોળા હતા અને આવો પ્રશ્ન ઉભો થતા તેઓ વિચારવા લાગ્યા. માણંદભગત મનમાં વિચારવા લાગ્યા કે જો મોતીરામ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરાવી આપે તેમ હોય તો હું મોતીરામને મારા ગુરુ બનાવીને પરમાત્માના દર્શનનો લાભ લઈ શકું. આ વખતે કામરોળ ગામની નજીક આવેલા સંગાણા ગામે બાલકસાહેબ પણ તેના શિષ્યને ઘેર આવ્યા હતા. મોતીરામે પ્રત્યક્ષ પરમાત્માના દર્શન કરાવી આપવાની જે વાત માણંદભગત કહેવામાં આવી હતી તે તમામ વાતની જાણકારી બાલકસાહેબને મળી ગયેલી.

બાલકસાહેબે એવા સમાચાર મોકલાવેલા કે મોતીરામ ભલે માણંદભગતને પોતાનો શિષ્ય બનાવે તેમાં મને વાંધો નથી પણ માણંદભગત મારો શિષ્ય છે તેથી હું મારું ગુરુપદ પરત લઈ લઉં પછી તે મોતીરામના શિષ્ય થાય તો મને વાંધો નથી. બાલકસાહેબ તરફથી આવા સમાચાર મળતા માણંદ ભગતે બાલક સાહેબને કામરોળ ગામે આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. માણંદભગતના ઘેર પાટનું આયોજન કરવામાં આવ્યું અને પાટના સ્થળે માણંદભગત, મોતીરામ તથા બાલકસાહેબ બેઠા હતા. આ સમયે બાલકસાહેબે પોતાનો અંગુઠો ઝૂંપથી માણંદભગતના માથા ઉપર નાખીને ઝૂંપથી ખેંચી લીધો. આ અંગુઠો ખેંચી લેતા માણંદભગતના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. આ સમયે બાલકસાહેબ કહે છે કે હે, માણંદભગત જે થોડી ક્ષણો અને પળોમાં ઈશ્વર બતાવે છે તે એક જાતની ભ્રમણા છે અને તે ક્ષણિક હોય છે પણ સત્ય હોતી નથી. જો ઈશ્વરના દર્શન કરવા હોય તો દેહમાં જ તેના દર્શન કરી શકાય છે પણ તેમાં કોઈ બીજાની તાકાત કામ આવતી નથી. માનવીએ પોતે સ્વ પ્રયત્ન કરવાથી જ દેહમાં પરમાત્માના દર્શન કરી શકાય છે. માણંદભગતના કાનમાંથી લોહી નીકળતા માણંદભગતને સાંભળવાનું બંધ થઈ થઈ જાય છે એટલે કે બહેરા થઈ જાય છે. માણંદભગતને સારી વાત સમજાય જતા અને પોતે ઉતાવળ કરીને ભૂલ કરી છે તેથી ગુરુની માફી માંગે છે.

બાલકસાહેબ કહે છે કે માણંદભગત તારી એક આ ભૂલને લીધે તારી દરેક એક પેઢીએ એક બહેરો માણસ હશે. માણંદભગતનું કુટુંબ હાલ સુરતમાં મુરલી સાહેબના ડેલામાં વસવાટ કરે છે. માણંદભગતની પેઢી પછી કાળો, ગોવિંદ, નાનકો તેમ તેની પેઢીના માણસો બહેરા જોવા મળે છે. આગળના સમયના ગુરુઓ પણ એવા હતા કે પોતાના શિષ્યો જો કોઈ ભૂલ કરે અને તેને જાણકારી મળે તો આવા શિષ્યોને બોલાવીને ઠપકો આપીને કહેતા હતા કે એકવાર કરેલ ભૂલ માફ કરવામાં આવશે પણ જો બીજીવાર ભૂલ થશે તો ગુરુપદ લઈ લેવામાં આવશે તેવી વાત કરીને શિષ્યોને સાચા રાહે લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. હાલના સમયની જો વાત કરવામાં આવે તો મોટા ભાગના ગુરુઓને પોતાના શિષ્યોની ફરિયાદો મળે કે કોઈ ઠપકો આપે તો ગુરુ તરફથી એવો જવાબ આપવામાં આવે છે કે મારો શિષ્ય કોઈ દિવસ મર્યાદા ન ચૂકે તેવું કહીને વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે. ગુરુ આવી વાતોને મહત્વ આપીને પોતાના શિષ્યે કરેલી ભૂલનો ઠપકો પણ આપવાની હિંમત કરતા નથી. હાલના સમયમાં ભક્તિ એટલે એક દેખાદેખા જેવું થઈ ગયું છે પણ તેની ગંભીરતા કે તેના મહત્વ તરફ ધ્યાન આપવામાં આવતું નથી તેથી જ ભક્તિમાં લોકો નિષ્ફળ જાય છે.

માણંદ ભગતનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿