મત્સ્યેન્દ્રનાથ ટૂંકી જીવનગાથા
મત્સ્યેન્દ્રનાથ (ગુરુ ગુરુ દત્તાત્રેય)
આપણા શાસ્ત્રો માંથી એવું જાણવા મળે છે કે શીવ અને શક્તિ (ઉમિયાજી) એકવાર અનુરાગ કરવા નીકળેલા અને તેઓ ક્ષીરસાગર કિનારે આવી ગયા. આ સમયે ઉમિયાજીએ શીવજીને પ્રશ્ન કરેલ કે હે, નાથ મારે દરેક અવતારમાં જન્મવું પડે છે અને જેનો જન્મ થાય છે તેનું મરણ નક્કી હોવાથી મારે પણ મરણ પામવું પડે છે. ઉમિયાજી કહે છે કે હે, નાથ આપતો અજર અમર છો તેથી તમારે જન્મવું કે મરવું પડતું નથી. હે, નાથ આપતો મહાજ્ઞાની છો તેથી મને જ્ઞાન વિધા સમજાવી મને જ્ઞાન સમજાવો તેવી વિનંતી કરે છે. ક્ષીરસાગરના કિનારે શીવ અને ઉમિયાજી સિવાય કોઈ ન હતું તેથી એકાંતનો લાભ લઈ શીવજીએ ઉમિયાજીને અમોઘ જ્ઞાન સંભળાવવાની શરૂઆત કરી. આ વાત સાંભળતા ઉમિયાજીને ઊંઘ આવી જાય છે અને જ્ઞાનની વાત સાંભળવા વિષ્ણુ ક્ષીરસાગરમાં રહેલી એક માછલીના ઉદરમાં દાખલ થઈ જ્ઞાન સાંભળી જાય છે. વિષ્ણુ ભગવાનની લીલાથી શીવ ખુશ થાય છે અને વિષ્ણુ ભગવાન એક બાળક રૂપે શીવજીની સામે પ્રગટ થાય છે અને તેનું નામ મત્સ્યેન્દ્રનાથ રાખવામાં આવ્યું હતું.
મત્સ્યેન્દ્રનાથ ચાલતા ચાલતા એક ગામમાં આવ્યા અને આ ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા ગયા. મત્સ્યેન્દ્રનાથ એક ઘેર જઈ અલખ નિરંજન ભિક્ષાન દેહી મૈયા જેવો સવાલ નાખીને ઊભા રહ્યા. આ ઘર માંથી એક સ્ત્રી બહાર આવીને ભિક્ષા પાત્રમાં ભિક્ષા નાખી તે સમયે મત્સ્યેન્દ્રનાથે તેમના ઉપર નજર કરતા તે દુઃખી છે તેવું જાણવા મળેલ. આ સ્ત્રીને તેના દુઃખની વાત જણાવવા કહેવામાં આવતા આ સ્ત્રી હાથ જોડી રડતા અવાજે કહેવા લાગી કે બાપુ મારે કોઈ સંતાન નથી તેથી હું દુઃખી છું તેથી આપ કૃપા કરી મને સંતાન પ્રાપ્ત થાય તેવું વરદાન આપો? આ સ્ત્રીનું રુદન સહન ન થતા કમંડળ માંથી ભભૂતી લઈ આપીને કહ્યું કે બેટા આ ભભૂતી ખીર સાથે ખાઈ લેજે તેથી તારે ઘેર એક મહાન પરમાત્માના અંશ રૂપ બાળક જન્મશે અને તે મહાન સંત થશે. મત્સ્યેન્દ્રનાથ બોલ્યા કે બેટા તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેથી હું બાર વર્ષ બાદ અહીંયા આવીશ અને તે વખતે આ બાળકને મારી સાથે લઈ જઈશ.
આ ભસ્મની વાત સરસ્વતીએ પોતાની સખીઓને સંભળાવી તેથી તેની સખીઓ કહેવા લાગી કે આવી ભસ્મથી બાળકો ન થાય પણ તમને કોઈ સાધુ ભરમાવી ગયો છે. સરસ્વતીને મોટા ભાગની સખીઓએ પાસેથી એક જ સરખી વાત સાંભળવા મળતા તેને શંકા ઊભી થવા લાગી તેથી આ ભસ્મ એક કચરાના ઉકરડામાં પધરાવી દીધી. બારવર્ષ બાદ જ્યારે મત્સ્યેન્દ્રનાથ આ સ્ત્રીના ઘેર આવતા અને બાળક વિશે પૂછ પરછ કરતા આ સ્ત્રી જવાબ ન આપી શકી. પણ સત્ય જણાવવાનું કહેતા તમામ વાત જણાવી અને મત્સ્યેન્દ્રનાથે પોકાર પાડતા ગોબરના ઉકરડા માંથી અવાજ આવ્યો હતો. મત્સ્યેન્દ્રનાથની ભભૂતીએ પોતાનો પ્રભાવ બતાવ્યો અને આ ગોબર (છાણ) ના ઉકરડા માંથી એક બાળક પ્રગટ થયું. ગોબરના ઉકરડા માંથી એક બાળકનો રડવાનો અવાજ સંભળાવવા લાગ્યો તેથી ખાડાની તપાસ કરતા ખાડા માંથી એક બાળક મળી આવ્યું. બાળક ઉકરડા માંથી જન્મ્યું હોવાથી તેનું નામ ગોરખ રાખવામાં આવ્યું હતું. મત્સ્યેન્દ્રનાથ આ બાળકને લઈને ચાલ્યા ગયા હતા અને તેને શિષ્ય બનાવીને તેને જ્ઞાન આપ્યું હતું. મત્સ્યેન્દ્રનાથ હનુમાનજીના કહેવાથી ત્રિયા રાજ્યમાં ગયા હતા અને ત્રિયારાજ્યની રાણી સાથે સંસાર માંડતા તેના ઘેર એક પુત્રનો જન્મ થયો હતો તેનું નામ મીનનાથ રાખવામાં આવ્યું હતું. આ સ્થળેથી ગોરખનાથે પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથને છોડાવ્યા હતા.
સંતો દ્વારા એવું કહેવામાં આવે છે કે ગુરુ કરતા ચેલો સવાયો હોવો જોઈએ તે વાતને ગોરખનાથે સાબિત કરી આધાર પુરાવો પૂરો પાડ્યો છે. મત્સ્યેન્દ્રનાથ જ્યારે ત્રિયા રાજ્યમાં ફસાઈ ગયા હતા અને ઘર સંસાર માંડીને બેઠા હતા તે વાતની જાણકારી ગોરખનાથને મળતા તેમણે પોતાના ગુરુને મહામહેનતે છોડાવ્યા હતા અને ફરીવાર ભક્તિના રાહે લાગી ગયા હતા. જાલંધરનાથ વિશે પણ એક એવી ઘટના ઘટી હતી કે ગોપીચંદ રાજાની માતા મેનાવતી તેના ગુરુ જાલંધરનાથને રાત્રીના સમયે મળવા જતા હતા અને ગોપીચંદ રાજાની પત્નીએ પોતાના પતિને તેની માતા વિશે ખરાબ વિચારો રજૂ કરતા ગોપીચંદ રાજાએ જાલંધરનાથને ખાડામાં ફેંકાવી માથે ધૂળ વાળી તેમને દાટી દેવામાં આવ્યા હતા. મત્સ્યેન્દ્રનાથ અને ગહની નાથ એકવાર મળ્યા હતા અને જ્ઞાનની વાતો કરતા હતા તે સમયે ગોરખનાથને ગહનીનાથે તેના ગુરુ ત્રિયારાજ્યમાં ફસાઈ ગયા છે તેવા સમાચાર આપ્યા હતા અને ગોરખનાથ એકવાર ગોપીચંદના રાજ્યમાં ગયા ત્યારે જમીન માંથી જાલંધરનાથે અવાજ કરીને પોતાને છોડાવવા પોતાના શિષ્યને સાથે લઈ આવવા જણાવ્યું હતું. આ બંને શિષ્યોએ પોતાના ગુરુઓને મુશ્કેલી માંથી બહાર કાઢ્યા હતા તેવું લોકોના મુખેથી જાણવા મળે છે.
મત્સ્યેન્દ્રનાથનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
