ભીમસાહેબ

ભીમસાહેબ ટૂંકી જીવનગાથા

ભીમસાહેબ (ગુરુ ત્રિકમસાહેબ)

ભીમસાહેબની ટૂંકી જીવન ગાથા

ભીમસાહેબનો જન્મ આમરણ ગામે સવંત ૧૭૭૪ (ઈ.સ. ૧૭૧૮)ના ચૈત્ર સુદ-૯ના રોજ બાવળફાડ અટકના મેઘવાળ બ્રાહ્મણના ઘેર રામનવમીને શનિવારના રોજ થયો હતો. ભીમસાહેબે સવંત ૧૮૪૮ (ઈ.સ. ૧૭૯૨)માં શ્રાવણ સુદ ૧ના દિવસે આરાધના કરતા આમરણમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતાં વરસાદ વરસ્યો હતો. ભીમસાહેબે આમરણમાં સવંત ૧૮૮૧ (ઈ.સ. ૧૮૨૫)માં ચૈત્ર વદી ૧૩ને બુધવારે તા. ૧૭/૦૩/૧૮૨૫ના રોજ આમરણ ગામે જીવતા સમાધિ લીધી હતી.

ખીમસાહેબે કચ્છ (ભુજ) જિલ્લાના રાપર તાલુકાના રાપર ગામે દરિયાસ્થાન મંદિરના મહંત તરીકે સેવા આપતા હતા તે વખતે આશરે ૨૫૦ વર્ષ પહેલા રાપર તાલુકાના રામવાવ નામના ગામમાં એક મેઘવાળ બ્રાહ્મણને દીક્ષા આપી અસ્પૃશ્યતા નિવારણનું એક ઉત્તમ કામ કર્યું છે. ત્રિકમસાહેબનો જન્મ રાપર તાલુકાના રામવાવ ગામે એક મેઘવાળ બ્રાહ્મણને ઘેર થયો હતો. ત્રિકમસાહેબના પિતાનું નામ ગોકળમહારાજ હતું. ત્રિકમસાહેબના લગ્ન નાની ઉંમરમાં જડાવબા નામની કન્યા સાથે થયા હતા. ત્રિકમસાહેબ નાનપણમાં ત્રિકમના નામે ઓળખાતા હતા.

એકવાર રામદાસ નામના સાધુને ત્રિકમે વિનંતી કરી કે, “આપ મને કંઠી બાંધીને આપનો શિષ્ય બનાવો?” આ વખતે સાધુએ કહ્યું કે, “બેટા, હું તને મારો શિષ્ય બનાવીશ નહીં, પણ રાપર ગામે દરિયાલાલ નામની જગ્યા છે ત્યાં ખીમસાહેબ નામના સંત મહંત તરીકે સેવા કરી રહ્યા છે તેથી તું તેની પાસે જા. તેઓ પણ તારી રાહ જોઈને બેઠા છે.”

આ વાત સાંભળી ત્રિકમ તરત જ રાપર જવા રવાના થયા અને દરિયાલાલ મંદિરે આવી ખીમસાહેબને પગે લાગી પોતાને તેમના શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. ખીમસાહેબે પણ ત્રિકમમાં પૂર્ણ ભક્તિભાવ જોઈ તેમજ ભક્તિ તરફનો તેનો પ્રબળ ભાવ જાણી જતા તેમના સેવકોને બોલાવીને તેમની વચ્ચે ત્રિકમને કંઠી બાંધી ઉપદેશ આપ્યો અને ત્રિકમના નામની સાથે “ત્રિકમસાહેબ” નામનું પદ જોડી દીધું અને કહ્યું કે, “આજથી આ ત્રિકમ ત્રિકમસાહેબના નામથી ઓળખાશે.” અને એવું પણ જાહેર કરેલ કે, “આજથી ત્રિકમ મારો શિષ્ય છે.”

ખીમસાહેબે કહ્યું કે, “મારી ગેરહાજરીમાં મારા નામની જો કોઈ માનતા લઈને આવશે તો માનતા ત્રિકમના ચરણે ધરવામાં આવશે અને પ્રથમ તેમના દર્શન કરી પછી જ મારા દર્શન તથા આરતી-પૂજા કરવામાં આવશે.” ખીમસાહેબે કહ્યું કે, “મારી સમાધિએ એક દીવો હશે જ્યારે ત્રિકમની સમાધિએ બે દીવા પ્રગટાવવામાં આવશે.”

આમરણના સંત ભીમસાહેબે ત્રિકમસાહેબ પાસેથી દીક્ષા લઈને તેમના શિષ્ય થઈ ગયા હતા. ભીમસાહેબે પણ દાસી જીવણ તથા અક્કલદાસ જેવા અનેક શિષ્યોને પ્રમોદીને પરમાત્માના ઘરનો રાહ બતાવી ધર્મના રાહે ચાલતા કર્યા છે.

ભીમસાહેબનો આશ્રમ હાલ આમરણ મુકામે આવેલ છે અને આ જગ્યાના મહંત તરીકે હાલ ગુલાબદાસ બાપુ સેવા કરી રહ્યા છે. આ સ્થળે રહેવા તથા જમવાની સારી સગવડ પૂરી પાડવામાં આવે છે અને ગુલાબદાસ બાપુ પણ અનેક શિષ્યોને પ્રમોદીને ભક્તિના રાહે ચાલતા કર્યા છે. હાલ આ આમરણના ભીમસાહેબના આશ્રમે ભક્તો માથું ટેકાવવા આવે છે અને દર્શન કરી આનંદ માણી રહ્યા છે.

ભીમસાહેબના શિષ્ય જીવણસાહેબે પણ ધોધાવદર ગામે આશ્રમ બાંધીને ધર્મનો ઉપદેશ આપી રહ્યા હતા. જીવણસાહેબે પણ અનેક ભક્તોને પ્રમોદીને ધર્મના રાહે ચાલતા કર્યા છે. જીવણસાહેબના પ્રથમ શિષ્યો પ્રેમસાહેબ કડિયા અને અરજણ ભગત હતા. ત્યાર બાદ પ્રેમસાહેબે વશરામસાહેબ, માધવસાહેબ અને પુરુષોતમદાસને શિષ્યો બનાવીને ભક્તિના રાહે ચાલતા કર્યા છે.

ભીમસાહેબે આમરણમાં સવંત ૧૮૮૧ (ઈ.સ. ૧૮૨૫)માં ચૈત્ર વદી ૧૩ને બુધવારે તારીખ ૧૭/૦૩/૧૮૨૫ના રોજ આમરણ ગામે જીવતા સમાધિ લીધી હતી.

ધોધાવદર ગામે ભીમસાહેબના શિષ્ય જીવણસાહેબની જગ્યા આવેલ છે અને આ સ્થળે અનેક લોકો તેમના દર્શન કરવા આવે છે. આપા ગીગા અવારનવાર ધોધાવદર આવતા હતા. આ વખતે જીવણસાહેબે તેમની યાદગીરી માટે કંઈક રાખવું તેવું વચન આપતા હાલ આપા ગીગાની યાદગીરીમાં તેમના પગલાં આ સ્થળે પધરાવવામાં આવેલ છે. આ પગલાં જીવણસાહેબની સમાધિની બાજુમાં રાખવામાં આવેલ હોવાથી તમામ લોકોને આ સ્થળે આપા ગીગાના દર્શનનો પણ લાભ મળે છે.

હાલ આ સ્થળે રહેવા તથા ભોજનની સુવિધા સારી મળતી હોવાથી લોકો દર્શન કરીને આનંદ માણી રહ્યા છે. ભીમસાહેબે તથા જીવણસાહેબે અનેક ભજનોની રચના કરી તેમાં ગુરુગમની વાત મૂકી ભક્તો માટે આત્મજ્ઞાનની વાત મૂક્તા ગયા છે. આ વાતના આધારે લોકો તેને જાણવા તથા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ભીમસાહેબનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿