ભાટી ઉગમશી

ભાટી ઉગમશી ટૂંકી જીવનગાથા

ભાટી ઉગમશી (ગુરુ રામદેવપીર)

જૈસલમેર (રાજસ્થાન)ની જૂની રાજધાની લુદ્રવામાં ઉગમશી ભાટીનો જન્મ ૧૫મી સદીમાં થયો હતો. આ શહેર ચંદ્રવંશી યાદવભાટી રાજા જૈસલભાટીએ સંવત ૧૨૧૨માં વસાવ્યું હતું. ઉગમશી ભાટી સમાજના હોવાથી તેને ભાટીઉગમશી તરીકે ઓળખવામાં આવે છે. ઉગમશીભાટીએ રામદેવપીર પાસેથી દીક્ષા ગ્રહણ કરીને શિષ્ય થઈ ગયા હતા. પાલીનાથના શિષ્ય મલ્લીનાથ હતા અને મલ્લીનાથ ગેબીનાથના ગુરુ હતા. રામદેવપીરના નાના અલખસિંહ ભાટી જૈસલમેર ગામે રહેતા હતા તેથી રામદેવપીર અવાર નવાર તેના નાનાને ઘેર આવતા હતા. ઉગમશી ભાટી માયા ભારે હતા તેથી જૈસલમેરના લુદ્રવામાં રહેતા લોકોને અવાર નવાર મારકુટ કરીને લોકોને ત્રાસ આપતા હતા તેથી તેને લોકોમાં ભય ફેલાયો હતો.

ઉગમશીના પૂર્વના સારા કર્મોને લીધે પ્રથમ બાલનાથનો ભેટો થયો અને પછી રામદેવપીરના સંપર્કમાં આવ્યા તેથી તેમણે રામદેવપીર પાસેથી નાથધારાની દીક્ષા ગ્રહણ કરીને તેના શિષ્ય થઈ નાથધારામાં આવી ગયા અને સત્યના માર્ગે ચાલવા લાગ્યા હતા. બાબા ઉગમશી શ્રીકૃષ્ણના પુત્ર શામ્બના વંશજ તરીકે ઓળખાય છે. બાબા ઉગમશીને અછૂતો તરફ વધારે પ્રેમ હતો તેથી ડાલીબાઈ, ખીમડીયો કોટવાળ, ડાળલદે, મેઘધારવો જેવા મહાપંથના મેઘવાળ સંતો સાથે સારો સંબંધ રાખતા હતા. રામદેવપીરે નિજાર પંથની સ્થાપના કરી હતી અને તેમાં ઉગમશી ભાટી ભળી ગયા હતા. નિજારપંથ સનાતન ધર્મ કે મહાધર્મના નામથી ઓળખાય છે. મહાધર્મના નામથી ઓળખાતો હોવાથી તેઓ મહાપંથના માર્ગી માનવામાં આવતા હતા. મહાધર્મ કે મહાપંથ અનેક નામોથી ઓળખાય છે જેમ કે મહાધર્મ, મહાપંથ, વડોધર્મ, જૂનોધર્મ, આદિધર્મ, સનાતનધર્મ, નીજારપંથ, નીજપંથ, મહામંત્ર, બીજમાર્ગ જેવા અનેક નામોથી ઓળખાય છે તેથી તેના નામો ભલે અલગ અલગ હોય પણ તમામ મહાધર્મ કે મહાપંથના અંશો છે તેથી તેને મહાપંથ પણ કહેવામાં આવે છે.

રામદેવપીરે ભક્તિનો મહિમા જાહેર કરવા અને પીરાણાનો પ્રભાવ જાહેર કરવા આ તમામ બાબતોને પોતાની વાણીમાં વણી લઈ ખૂબ સુંદર રીતે જાહેર કરી છે. રામદેવપીરે નીજ્યા ધર્મ અને ભક્તિના ભેદનો મહિમા તેની વાણીમાં સારી રીતે પ્રગટ કર્યો છે. રામદેવપીરે પોતાની વાણીમાં કામનાના બીજને બાળવાની અથવા સલામત રાખવાની વાત કરી છે અને મનના વિકારોને મટાડવાની પણ વાત કરી છે. રામદેવપીર પોતાની વાણીમાં જાહેર કરે છે કે આ પંથના માર્ગીએ લીંગ અને ભીંગ એટલે કે સ્ત્રી અને પુરુષનો વચ્ચેનો ભેદ કાઢી નાખી સમદૃષ્ટિથી તમામને નિહાળવાની વાત સમજાવી છે. રામદેવપીરે દેહ ભાવ મટાડીને આત્મ ભાવ જગાડવાની તમામ નિજારપંથીઓને સૂચના આપી છે. રામદેવપીર કહે છે કે સતીની આગળ બીજું કોઈ નથી તેવું પણ કહ્યું છે તેથી સત્ય જ પ્રથમ છે તેવું જણાવેલ છે.

ભાટી ઉગમશી કે જેને હરજી ભાટીના નામથી પણ ઓળખવામાં આવે છે. ભાટી ઉગમશી રામદેવપીરની સેવા ભક્તિ કરતા હતા તે સમયે રામદેવપીરે કહ્યું કે હરજી તું સારું કામ કરે છે તેથી સારા કર્મનો ભોગ ભોગવવા તારે ફરીવાર દેહ ધારણ કરીને સંસારમાં આવવું પડશે. હું તને આ અવતારમાં જ નિર્વાણપદ આપવા માંગુ છું તેથી એવું કર્મ કર કે તે જમા ન થાય તેથી તેને ભોગવવા ફરીવાર સંસારમાં આવવું ન પડે. રામદેવપીરે હરજીભાટીને કહ્યું કે હું જે કહું તે પ્રમાણે તમે ચાલશો અને ભક્તિનો રાહ પકડશો તો તમારા આવાગમનના ફેરા આ ભવમાં જ પૂરા થઈ જશે. આવાગમનના ફેરા મટી જવાથી ફરીવાર અવાર-નવાર જન્મવાનો કે મરવાનો વારો આવશે નહીં તેમ કહીને ભજન દ્વારા ઉપદેશ આપીને હરજી ભાટીને સમજાવે છે અને હરજીભાટી આ રાહ પકડતા નિર્વાણપદને પામી જાય છે. હરજીભાટીએ ઘણા ભજનોની રચના કરી છે અને તેમાં નિજારધર્મની વાત સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. રામદેવપીરે વિષય વાસનાના કર્મ ઉપર ભાર દઈને સમજાવતા કહ્યું છે કે જો તમે તમારા વિષય વાસનાના કર્મ ઉપર નિયંત્રણ રાખશો તો તેમાં રહેલી અતિ ક્રિમતી શક્તિ સંગ્રહ થવાથી તે રતી રૂપ હોવાથી પરમાત્માને પામવામાં આ શક્તિ વધારે કામ આવશે અને સફળતા મેળવવામાં વાર લાગશે નહીં. વિષય વાસનાનું કર્મ સ્ત્રી અને પુરુષે સાથે મળીને કરવાનું હોવાથી આ કર્મની જાણકારી સ્ત્રી તથા પુરુષને હોવી જોઈએ તો જ તેનો સારી રીતે અમલ થઈ શકે. આ વાતની જાણકારીથી સ્ત્રી બાકી રહી ન જાય તે માટે નિજારપંથ કે બીજમાર્ગમાં જતી અને સતીને સાથે રહીને ભક્તિ કરવાની વાત કરી છે. બીજા કોઈ પંથમાં સ્ત્રીઓને દબાણ કરવામાં આવ્યું નથી પણ આ પંથમાં જતી સતી તરીકે સ્ત્રી અને પુરુષ હોવા જરૂરી છે. હાલના સમયમાં ઘણા ગુરુઓ એવું પણ સમજાવે છે કે જો તમે તમારી સ્ત્રીને સાથે લાવો તો જ બોધ આપવામાં આવશે તેવો આગ્રહ રાખવામાં આવે છે તે બરાબર નથી.

હરજીભાટીનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿