ભવાનીદાસ ટૂંકી જીવનગાથા
સંત ભવાનીદાસ (ગુરુ જોધલપીર)
ભવાનીદાસની ટૂંકી જીવન ગાથા
ભવાનીદાસનો જન્મ અમદાવાદ તાલુકાના ધોળકા ગામે સંવત ૧૩૫૫ (ઈ.સ. ૧૨૯૯)માં થયો હતો. ભવાનીદાસના પિતાનું નામ નારણભાઈ ચૌહાણ હતું અને માતાનું નામ લખીમા હતું. ભવાનીદાસનું મૂળ નામ ભવાન ચૌહાણ હતું અને તેઓ જન્મથી મૂંગા હતા તેથી બોલી શકતા ન હતા. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ કેશરડી ગામે જોધલપીર થઈ ગયા છે અને આ સ્થળે જોધલપીરનું સમાધી સ્થળ પણ આવેલું છે. આ સ્થળે વિજયા દશમીના દિવસે લોકો એકઠા થવાથી મેળા જેવો માહોલ ઊભો થાય છે. આ સમયે રાત્રિના બાર વાગ્યે નગારાનો ગેબીનાદ સાંભળીને લોકો આનંદ માણે છે અને આ ધાર્મિક સ્થળે રામરોટી તરીકે આ સ્થળે દર્શન કરવા આવતા લોકોને ભોજન તરીકે પીરસવામાં આવે છે. જોધલપીરે ૩૩ પરચાઓ પૂરીને ધર્મની ધજાની ખાતરી કરાવી દીધી છે તેમજ વીસ વર્ષના એક યુવાનને વાચા આપીને બોલતા કરેલ છે તે ભવાનીદાસ છે.
એકવાર ભવાનીદાસ અને તેની પત્ની કેશરડી ગામે જોધલપીરને ધોળકા ગામે પોતાને ઘેર આવવાનું આમંત્રણ આપવા ગયા. ભવાનની આર્થિક સ્થિતિ સારી ન હતી કારણ કે તેઓ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. જોધલપીરને ધોળકા મુકામે પોતાના ઘેર પધારવા આમંત્રણ આપવામાં આવ્યું. ભવાન તેમજ તેની પત્નીનો દિલનો સાચો ભાવ જોઈ જોધલપીરે આ આમંત્રણનો સ્વીકાર કરતાં આ બંને ખૂબ ખુશ થઈ ગયા હતા. જ્યારે જોધલપીર તેમના ઘેર આવ્યા તે સમયે તેમનું સામૈયું કરવામાં આવેલ. આ સમયે અનેક લોકો નાચગાન કરતા હતા અને ભવાન પણ નાચવા લાગ્યો હતો.
આ વખતે જોધલપીરની દૃષ્ટિ ભવાન પર પડતાં તે ખુશ થઈ ગયા. ભવાનને બોલાવીને કહ્યું કે, “ભવાન, તું બહુ જ સુંદર રીતે નાચે છે પણ તને ગાતા કે વાજિંત્રો વગાડતા નથી આવડતું તો તારે શીખી લેવું જોઈએ?” ભવાને તેની કાલી-ધેલી ભાષામાં કહ્યું કે, “બાપુ, હું મારી જિંદગીમાં પહેલીવાર નાચ્યો છું અને હું મૂંગો હોવાથી ગાઈ શકતો નથી.” જોધલપીર કહે છે કે, “ભવાન, તું જૂઠું બોલે છે કારણ કે તું ગાતો નથી એટલે જ તને ગાતા આવડતું નથી, પણ જો તું ગાવાનું શરૂ કરીશ તો તને ગાતા આવડી જશે.” ભવાનને જોધલપીરના આશીર્વાદ મળી જતાં ભવાનની જીભ ખુલ્લી જતાં ભવાને ગાવાનું શરૂ કરેલ અને ભવાનીદાસે અનેક પોતાના સ્વરચિત ભજનોની પણ રચના કરી છે અને આ ભજનો આપણને આપતા ગયા હોવાથી તેનો આનંદ હાલ તમામ મેળવી રહ્યા છે.
જોધલપીરના આશીર્વાદ મળી જતાં ભવાનમાંથી ભવાનીદાસ તરીકે જાહેર થયા છે અને તેઓએ જ્ઞાનની ગંગા રૂપ અનેક ભજનોની રચના કરીને આપણા માટે જ્ઞાનનો ભંડાર મુકતા ગયા છે. ભવાનીદાસના ચાલીસ ભજનો મળી જતાં તેના ભજનોની જાણકારી મળી છે અને ભવાનીદાસની જીવનગાથા નામના પુસ્તકમાં તેને વિવરણ સાથે રજૂ કરવામાં આવ્યા છે. ભવાનીદાસે જોધલપીર પાસેથી દીક્ષા લઈ તેના શિષ્ય થઈ ગયા હતા અને ભવાનીદાસે પણ અનેક ભક્તોને પ્રમોદીને તેના શિષ્ય બનાવીને ભક્તિનો રાહ બતાવી ભક્તિના રાહે ચાલતા કર્યા છે. ભવાનીદાસે પોતાની ભજનવાણી દ્વારા ગુરુગમની વાતમાં આત્મજ્ઞાનની વાત મૂકતા ગયા છે. ભવાનીદાસના ભજનોમાંથી પરમાત્માના ઘરની વાત જાણવા મળે છે. આપણા સંતોએ જાતે મહેનત કરીને બીજાને જ્ઞાન આપીને ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરેલ છે તેથી આવા સંતોના વખાણ કરીએ તેટલા ઓછા છે.
આ જગતમાં દરેક સંતો પોતાના ભજનો દ્વારા જ્ઞાન મૂકતા ગયા છે પણ આ જ્ઞાનને વાગોળવાનો કે તેનો મર્મ સમજવાનો આપણી પાસે સમય નથી. આપણે બધા ફક્ત રાગને જ મહત્વ આપીએ છીએ પણ શબ્દનો મર્મ સમજવાનો પ્રયત્ન કરતા નથી. જો ભજનના શબ્દોને સમજવાની કોશિશ કરવામાં આવે તો તેમાં ગુરુગમની વાત સમાયેલી હોવાથી ધીમે ધીમે આ વાતની સમજણ આવી જતાં ગુરુગમની વાત સરળતાથી સમજાવા લાગે છે. હાલના સમયના ભક્તો ફક્ત ભજનના રાગને જ મહત્વ આપીને વાહ વાહ જેવા શબ્દો બોલીને મોજ માણે છે પણ ભજનના શબ્દો શું કહેવા માંગે છે તેનો મર્મ સમજતા ન હોવાથી આત્મજ્ઞાનની જાણકારી મળતી નથી અને ભક્તિનો સમય તેમાં પસાર કરી નાખે છે. જ્યારે તેનામાં પરિવર્તન ન આવે કે આત્મજ્ઞાનની વાત ન સમજાય તે સમયે ગુરુના માથે જ દોષનો ટોપલો મૂકીને કહેતા ફરે છે કે, “અમે તો અમારા ગુરુમાં કંઈ જોયું નહીં.” ભક્તિના રાહમાં ગુરુ તો ફક્ત માર્ગદર્શક જ છે, સાચી મહેનત તો શિષ્યે કરવાની હોય છે. દવાખાને જવાથી ડોક્ટર દવા જ આપે છે પણ જો તેને પીવામાં ન આવે તો રોગ મટતો નથી.
ભવાનીદાસનો જય.
સંતમાર્ગ
🌿 વાંચો • વિચારો • જીવો
