બેચર સ્વામીની ટૂંકી જીવનગાથા
બેચરસ્વામી (ગુરુ નિજાનંદસ્વામી)
બેચરસ્વામીનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલ રાવતસેનવા જ્ઞાતિના પરિવારમાં થયો હતો. બેચરસ્વામીએ પોતાના જ્ઞાનનો પોતાના સમાજના પ્રકાશ પાડ્યો હતો. અતિપછાત જ્ઞાતિમાં આવતી આ રાવતસેનવા જ્ઞાતિમાં સુધારો લાવવામાં તેમનો મુખ્ય ફાળો રહ્યો છે. આ સમયે રાવતસેનવા જ્ઞાતિમાં શિક્ષણનું પ્રમાણ ઘણું જ ઓછું હતું. ઉત્તર ગુજરાતમાં આ જ્ઞાતિ મહેસાણા, વિસનગર, કડીકલોલ, પરાસણ, પાટણ, ખેરાલું અને સિદ્ધપુરમાં આ જ્ઞાતિના ઘણા લોકો વસવાટ કરે છે. પછાત જ્ઞાતિ તરીકે ગણાતી સેનવરાવત જ્ઞાતિમાં બેચરસ્વામીએ જન્મ ધારણ કરીને આ જ્ઞાતિને પણ ધન્ય કરેલ છે. સિદ્ધપુરની નજીક આવેલ પરાસણ ગામમાં સેનવા જ્ઞાતિમાં મહાન બ્રહ્મનિષ્ઠ આત્મા થઈ ગયા છે જેઓ બેચરસ્વામી તરીકે ઓળખાતા હતા. આવા સમાજમાં અમર કીર્તિ ફેલાવીને દેહ મુક્ત આત્મા થઈ ગયા છે તેથી તેઓ સ્વામીપદને પામ્યા છે હતા.
સંતશ્રી બેચરસ્વામીનો જન્મ સિદ્ધપુર પાસે આવેલા પરાસણ નામના ગામમાં સંવત ૧૮૮૫ મા થયો હતો. બેચર સ્વામીના પિતાનું નામ પુંજારામ અને માતાનું નામ મેનાબાઈ હતું. આ પરિવાર સાદુ સરળ જીવન જીવી મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતું હતું. એક વાર એક જોગી મેનાબાઈને ઘેર આવતા તેની નજર બેચર ઉપર પડી અને બેચરને જોઈને કહ્યું કે માતા તારો પુત્ર મહાન યોગી થશે અને તમારા પરિવારનું નામ રોશન કરશે. યોગીમહારાજે જે બેચર વિશે ભવિષ્ય વાણી ભાખી હતી તેના એંધાણ બાળપણમાં જ જોવા મળ્યા હતા. બેચરસ્વામી ઉમર લાયક થતા તેમના પ્રથમ લગ્ન મોટેય ગામના જતનબા સાથે થયા હતા. બેચરસ્વામી સંસારમાં હોવા છતાં આધ્યાત્મિક જ્ઞાનમાં ખોવાયેલા અને ગુરુની શોધમાં બેચેન રહેતા હતા.
સિદ્ધપુર રાવત ગામે કાશીના સાધુઓની જમાત આવેલી તેથી બેચર તથા તેનો મિત્ર રણછોડ પોતાનું દિવસનું તમામ કામ પૂરું કરીને આ સ્થળે આવ્યા. રાત્રીના સમયે સિદ્ધપુર ગામે કાશીથી આવેલા સાધુઓની જમાતમાં નિજાનંદ સ્વામી હતા. નિજાનંદ સ્વામીના સત્સંગમાં રસ પડતા આ બંને મિત્રો સાધુઓની સેવા કરવા લાગ્યા. નિજાનંદ સ્વામીએ આ બંને મિત્રોની સેવા જોઈને ખુશ થયા અને કહ્યું કે ભાઈઓ, તમે ક્યાંથી આવો છો? બેચર પોતાનો પરિચય આપે છે અને એવું પણ કહે છે કે આપ મને ઉપદેશ આપી આપનો શિષ્ય બનાવો તેવી માંગણી કરે છે. નિજાનંદ સ્વામીએ બેચરને ઉપદેશ આપ્યો અને શિષ્ય તરીકે સ્વીકારી લીધા. નિજાનંદ સ્વામીએ એકવાર બેચરને કહ્યું કે બેચર તે ઘણું મેળવી લીધું છે અને તેથી તારા જ્ઞાન અને ભક્તિથી હું પ્રભાવિત થયો છું. સ્વામી કહે છે કે આજથી તું બેચરને બદલે બેચરસ્વામીના નામથી જગતના લોકો તને ઓળખશે.
બેચરસ્વામીએ મોક્ષ માટેના ત્રણ માર્ગ બતાવેલ છે જેવા કે (૧) કર્મયોગ (૨) જ્ઞાનયોગ (૩) ભક્તિયોગ. આ ત્રણ યોગોમાં ભક્તિયોગ સરળ છે કારણ કે તેમાં ઝૂંપથી સફળતા મળી જાય છે. આ યોગ દ્વારા દેહને અનુરૂપ મનને કોઈ કષ્ટ પડતું નથી તેથી તે સરળ થઈ પડે છે. બેચરસ્વામીએ અભિમાની બ્રાહ્મણો અને ઢોંગી બાવાઓને ખુલ્લા પાડવાનો ઘણો પ્રયત્ન કરેલ છે. બેચરસ્વામીના જ્ઞાનની ફોરમ ધીમે ધીમે ફૂલની સુગંધની જેમ ફેલાવા લાગી હતી.
એકવાર સિદ્ધપુર રાવત મુકામે રામજી મંદિરમાં સત્સંગ ચાલી રહ્યો હતો અને આ સમયે અનેક ભક્તો તેમજ સાધુ સંતોની હાજરી હતી. લોકો સત્સંગ અને ભજનોના રસમાં તરબોળ થઈ ગયા હતા તે સમયે બેચરસ્વામીએ એકાએક સમાધિ લેવાનો વિચાર તમામ લોકો આગળ પ્રગટ કર્યો હતો. બેચરસ્વામી તરફથી આ વાત સાંભળવા મળતા એકઠા થયેલા તમામ ભક્તો તથા લોકો ચોંકી ગયા હતા. આ વાત સાંભળ્યા બાદ તમામ લોકોએ સ્વામીને હાથ જોડીને વિનંતી કરીને કહ્યું કે હે, સ્વામીજી હાલ પણ અમારે આપની જરૂર છે તેથી આપ આપનો નિર્ણય બદલો તેવી તમામે વિનંતી કરી હતી. સ્વામીજીએ શાંતિથી જવાબ આપતા કહ્યું કે ભાઈઓ, હવે મારો સમય પૂરો થવા આવ્યો છે અને આ આખરી સત્ય છે તેથી તેને કોઈ અટકાવી શકે નહીં અને તે પ્રગટ થયા વગર રહેતું નથી. સ્વામીજીએ સમાધિ લેવાની વાત લોકો આગળ કરી તે સમયે તેમની ઉમર ૮૪ વર્ષની હતી. વિ.સં. ૧૯૮૮ની મહાસુદ આઠમના રોજ ગુરુવારની વહેલી સવારે સૂર્યદેવતાની સાક્ષીએ અંતિમ શ્વાસ લઈને સમાધિમાં લીન થઈ ગયા હતા. આ સમય બાદ તમામ લોકોએ તેની અંતિમ વિધિ સારી રીતે કરીને હતી અને ભક્તોને આવા મહાન સંતની ખોટ દેખાણી હતી. સ્વામીના ભંડારાનું કામ પણ સારી રીતે કર્યું હતું.
બેચરસ્વામીનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
