પાલનપીર

પાલનપીર ટૂંકી જીવનગાથા

પાલણપીર (ગુરુ થોરનાથ)

પાલણપીરની ટૂંકી જીવન ગાથા

આપણા દેશમાં અનેક સ્થળે ભરાતા મેળાઓની પરંપરા એક સરખી જોવા મળે છે પણ કુંભનો મેળો અને હડમતીયાના મુકામે ભરાતો પાલણપીરનો મેળો ફક્ત ધાર્મિક હેતુ માટે જ ભરાય છે તેથી આ સિવાયના અન્ય મેળા કરતા તેની પરંપરા જુદી હોય છે. કુંભના મેળામાં અને હડમતીયા ગામે ભરાતા પાલણપીરના મેળામાં પણ તફાવત જોવા મળે છે. જોકે આ બંને મેળાઓનો હેતુ એક સરખો જ છે પણ કુંભના મેળામાં તમામ પંથ, જ્ઞાતિ કે ધર્મના લોકો આવીને તેનો આનંદ મેળવે છે અને દર છ વર્ષે જે મેળો ભરાય છે તેને નાનો કુંભનો મેળો અને દર બાર વર્ષે જે મેળો ભરાય છે તેને મોટો કુંભનો મેળો કહેવામાં આવે છે. હડમતીયા ગામે ભરાતા પાલણપીરના મેળા વિશે એવું જાણવા મળે છે કે મહેશ્વરી પંથના મેઘવાળ લોકો જ આ મેળામાં એકઠા થાય છે અને ધાર્મિક વિધિ કરી મહેશ્વરી પંથ કે ધર્મના ગુરુઓ પાસેથી મહેશપંથના વેદો સાંભળી આનંદ મેળવે છે. આ મેળા સિવાય કોઈ અન્ય મેળાઓમાં એક જ જાતિના લોકો એકઠા થતા નથી તેથી અન્ય મેળાઓ કરતા આ મેળો અલગ તરી આવે છે.

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ટંકારા ગામ પાસે આવેલા હડમતીયા ગામે છેલ્લા નવસો વર્ષથી આ મેળો પૂજ્ય પાલણપીર દાદાની પુણ્યતિથિના દિવસે ભરાય છે. મેળામાં ફક્ત સૌરાષ્ટ્ર વિસ્તારના જ મેઘવાળો (મહેશ્વરીઓ) ભાગ લેવા આવે છે તેવું નથી પણ આખા ભારત દેશના જુદા જુદા સ્થળે વસતા મેઘવાળ જ્ઞાતિના લોકો તેમજ મહેશપંથના મહેશ્વરીઓ આ મેળામાં આવીને ભાગ લેતા હોય છે અને મહેશપંથના ધર્મગુરુઓ પાસેથી વેદવાણી સાંભળી મહેશપંથ કે સંપ્રદાય વિશે જ્ઞાન મેળવે છે.

એકવાર હડમતીયા ગામને પાદરે આવેલા કપુરીયા કુંડમાં બાળક પ્રગટ થયેલું અને તેનો રડવાનો અવાજ આવવા લાગ્યો હતો. આ સમયે કપુરીયા કુંડ પાસેથી મેઘવાળ માલો સોદરવો અને તેની પત્ની મીણાવતી પસાર થઈ રહ્યાં હતાં. આ અવાજ આ મેઘવાળ કુટુંબને સાંભળવા મળતાં તેઓ આ કપુરીયા કુંડની પાસે આવીને કુંડમાં નજર કરતાં કોઈ બાળક કુંડમાં રડી રહ્યું છે તેવું જાણવા મળે છે. કુંડમાં રડતા બાળકને જોઈને તેને બહાર કાઢી લીધું અને બાળકને લઈને પોતાના ઘેર હડમતીયા આવી ગયા.

આ બાળક કોનું છે તે વાત માલોસોદરવો તથા મીણાવતી જાણતા ન હતા. આ બાળક વિશે માતંગપુરાણમાંથી એવું જાણવા મળે છે કે જ્યારે માતંગદેવ સાથે માલોસોદરવો ગોંડલ પાસે આવેલા વાસાવડ ગામેથી આવેલા ત્યારે માતંગદેવે માલાસોદરવાને વરદાન આપેલું કે તારા ઘેર મહાન પુત્ર જન્મશે. તેવા આશીર્વાદને લીધે તેના ઘેર એક પુત્રનો જન્મ થયો હતો અને તેનું નામ પાલણ રાખવામાં આવ્યું હતું. માતંગદેવે એવા પણ આશીર્વાદ આપ્યા હતા કે તે મહેશ્વરી પંથનો મહાન ધર્મગુરુ તરીકે જાહેર થતાં અનેક લોકોને આ ધર્મનો બોધ આપી ધર્મના માર્ગે લઈ જશે. માલાસોદરવાને ઘેર પાલણ મોટો થવા લાગતાં તેમના માતા-પિતાને તેને પરણાવવાની ચિંતા થવા લાગી. માલોસોદરવાએ પોતાના પુત્ર માટે સારા કુટુંબની શોધ કરવાની શરૂઆત કરતાં પાલણપીરને લાયક વાલયમા નામની કન્યા મળી જતાં પાલણના લગ્ન તેની સાથે કરી નાખવામાં આવ્યા હતા.

પાલણપીરના બે વાર લગ્ન થયા હતા તેથી આ બે પત્નીઓએ રાજોપીર, માત્રાપીર, સાવપીર, જશરાજપીર અને દેવાયતપીર નામે પાંચ પુત્રોને જન્મ આપ્યો હતો. આ બાળકો મોટા થયા પછી તેમના લગ્ન કરાવીને પાલણપીર સમાજસેવાના કામે લાગી ગયા હતા. પાલણપીર નાના હતા તે સમયે કચ્છમાં થોરનાથ નાથપંથના સાધુનો તેમને ભેટો થતાં તેમની સેવા ચાકરી કરતા પાલણને યોગ માર્ગ બતાવી ઉપદેશ આપી શિષ્ય બનાવ્યા હતા. પાલણપીરને પોતાના મૃત્યુનો સમય નજીક છે તેવું જાણવા મળતાં હડમતીયા ગામની પૂર્વ દિશા તરફ સમાધિ ગળાવી ધ્યાનમગ્ન થઈ સમાધિ સ્થળમાં બેસી ગયા હતા. હડમતીયા ગામે તીર્થની સ્થાપના કરી તેને ઉગામેડીના નામથી ઓળખવામાં આવે છે. આ સ્થળે અનેક લોકો પાલણપીરની સમાધિ સમયના દિવસે ભરાતા મેળામાં જાય છે. આ સ્થળે મહેશ્વરી પંથના ગુરુઓ આવેલા લોકો પૈકીના જે લોકો આ ધર્મ કે પંથમાં જોડાવા માંગતા હોય તેવા ભાવિક લોકોને બોધ આપી મહેશ્વરી પંથને સમજાવે છે.

ઉના તાલુકામાં આવેલ અંજાર ગામના અગાઉના રાજા અજયપાલ સાથે પાલણપીરને સારો સંબંધ હતો અને અજયપાલ રોગના જાણકાર હોવાથી જ્યારે હડમતીયા ગામે રોગચાળો ફાટી નીકળેલો તે સમયે તેમને બોલાવવામાં આવ્યા હતા. હાલ અંજાર ગામે પાલણપીરના ઓટા નામે ધાર્મિક સ્થળ આવેલ છે અને આ સ્થળે પણ મેળો ભરાય છે.

પાલણપીરનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿