નિરલબાઈ અને કુંભારાણાના ભજનો

📖 નિરલબાઈ અને કુંભારાણાના ભજનોનું વિવરણ

(૧) આ ભક્તનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે.

(૧) આ ભક્તનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે,
સુંઘે તેને સ્વાદ ઘણેરો હોય રે હા. ભક્તિ

(૨) એવા ફૂલ રે સુઘીયા રે, ગોપીચંદ અને ભરથરીએ,
છોડી દીધા સિંહાસનના રાજ રે. હા. હા. ભક્તિ

(૩) ફુલને સુઘીયા રે, હરિશ્ચંદ્ર અને તારામતીએ રે,
વેચાણા જે કાશી નગર મોજાર રે. હા. હા. ભક્તિ

(૪) એવા ફૂલ રે સુઘ્યા રે, પાંચ પાંડવ દ્રોપદીએ,
વેરાટનગરમા જેણે મજૂરી કરેલ રે. હા. હા. ભક્તિ

(૫) મેઘધારવા પ્રતાપે રે, લીલબાઈ બોલ્યા રે,
દેજો અમને ગુરુ ચરણમા વાસ રે. હા. હા. ભક્તિ

ભજનનું વિવરણ

(૧) આ ભક્તનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે,
સુંઘે તેને સ્વાદ ઘણેરો હોય રે હા. ભક્તિ

લીલબાઈ તેના ભજનની પ્રથમ કડીમા કુંભારાણાને સમજાવે છે કે હે, કુંભારાણા જો તમે ગઢવીને વચન આપ્યું હોય તો વચનનું પાલન કરો અને એક રાણી દાનમા માંગે તો આપો. લીલબાઈ કહે છે કે કુંભારાણા આપણે છ છ માસથી જે સતસંગ કરી રહ્યા છીએ તેની પરીક્ષાનો સમય આવી ગયો છે તેથી પરીક્ષામા પાસ થવું જરૂરી છે. ભક્તિમા શબ્દની વાત તમને મારા ગુરુ મેઘધારવાએ સમજાવી આપી છે અને વચન કે શબ્દનું કેટલું મહત્વ છે તે પણ સમજાવીને કન્યાદાનમા બ્રહ્મજ્ઞાનની સમજણ આપવામાં આવી છે. આ સમજણના આધારે આપણે છ છ માસથી સતસંગ કરીને આ વાતને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. પરમાત્માએ તમારી પરીક્ષા કરવા ગઢવીને મોકલાવેલ હોય તેથી તેમા તમે આરપાર ઉતરો જશો તો મોક્ષધનના અધિકારી થઈ જશો. હે, કુંભારાણા આપણા ગુરુ મેઘધારવા પર વિશ્વાસ રાખીને આગળ વધશો તો ગુરુ દેવ તમારી લાજ જરૂર રાખશે અને તમને સફળતા અપાવવા મદદ રૂપ જરૂર થશે તેથી હિંમત હારવાની જરૂર નથી.

હે, કુંભારાણા જો ગુરુના વચનમા વિશ્વાસ રાખીને આગળ વધશો તો ભક્તિનો માર્ગ કઠીન નથી પણ ફૂલની પાંખડી જેવો કોમળ છે. આ માર્ગમા મોક્ષધામ અને મારા તારણનો ભેદ અને સુગંધને ઓળખવો પડે છે તેથી થોડો અઘરો લાગે છે પણ ગુરુના વિશ્વાસ રાખીને આગળ વધશો તો આ માર્ગ હળવો અને સરળ થઈ જશે પણ તેમા કાયમને માટે ભાવ રાખવો જરૂરી છે. હે, કુંભારાણા આ ભક્તિનો માર્ગ ફૂલની પાંખડી જેવો અને સુગંધ વાળો છે તેથી જો વચનમા વિશ્વાસ રાખીને આગળ વધશો તો તેની સુગંધનો લાભ જરૂર મળશે અને આ સુગંધને લીધે તમારું જીવન પણ સુગંધવંત બની જશે. ભક્તિના માર્ગમા મન આડે આવે છે પણ મનને કેવી રીતે આડેથી ખસેડી મુકવું તે વાત આપણા ગુરુએ ચાર મંગળ ફેરામા સમજાવી આપી છે તે યાદ કરીને હિંમત રાખશો અને તેને એક બાજુ ખસેડીને આગળ નીકળશો તો આપણા ગુરુ આપણી સામે ઉભા છે પછી આ મન તમારી પાસે આવી નહીં શકે અને તમે ભક્તિના માર્ગમા જરૂર સફળ થશો.

(૨) એવા ફૂલ રે સુઘીયા રે, ગોપીચંદ અને ભરથરીએ,
છોડી દીધા સિંહાસનના રાજ રે. હા. હા. ભક્તિ

લીલબાઈ તેના ભજનની બીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે હે, કુંભારાણા આ ભક્તિ રૂપી ફૂલની પાંખડીને કોણે કોણે સુઘીને તેની સુગંધનો લાભ લીધો છે તે સાંભળો. બાણુ લાખ માલવાનો ધણી એવા રાજા ગોપીચંદને જાલંધરનાથ ગુરુ તરીકે મળી ગયા અને બાણુલાખ માલવાનું રાજ છોડીને ચાલી નીકળ્યા હતા તે રાજા ગોપીચંદે ભક્તિના રાહે ચાલીને આ પાંખડીની સુગંધ માણી છે તેથી નાથ યોગીઓમા પોતાનું નામ અમર કરીને ચાલ્યા ગયા છે. રાજા ગોપીચંદ ભલે હાલ આ જગતમાં હયાતા ધરાવતા ન હોય પણ તેમને લોકો કાયમને માટે યાદ કરે છે. આ ફૂલની પાંખડીના સુગંધ રાજા ભરથરીએ પણ સુંઘી છે તેથી તેઓ પણ રાજપાટ છોડીને ભક્તિના માર્ગે ચાલતા તેઓ પણ નામ અમર કરીને ચાલ્યા ગયા છે. ભલે તેઓ હાલ આ જગતમાં હયાતી ધરાવતા ન હોય પણ તેમને જગતમાં લોકો કાયમને માટે યાદ કરે છે તેથી જો તમારે પણ અમર થવું હોય તમારે તો રાજપાટ કંઈ છોડવાના નથી ફક્ત એક રાણીને ભેટ આપીને ગઢવીને આપેલ વચન પાળવાનું છે તો આ નજીવી વાતમા ઢીલા પડવાની જરૂર નથી પણ આપણા ગુરુ મેઘધારવા ઉપર વિશ્વાસ રાખીને આગળ વધશો તો ગુરુ તમને મદદ કરીને તમને સફળતા અપાવશે.

(૩) ફુલને સુઘીયા રે, હરિશ્ચંદ્ર અને તારામતીએ રે,
વેચાણા જે કાશી નગર મોજાર રે.હા.હા.

લીલબાઈ તેના ભજનની ત્રીજી કડી દ્વારા ભક્તિની વાત સમજાવતા કહે છે કે, હે, કુંભારાણા રાજા ગોપીચંદ અને રાજા ભરથરીએ આ ભક્તિ રૂપી ફુલની પાંખડીને સુંઘીને નામ અમર કરીને ચાલ્યા ગયા છે તે વાત મેં તમને આગળ સમજાવી છે પણ આ પછી આ ફુલની પાંખડીને કોણે કોણે સુંઘી છે તે સાંભળો. હે, કુંભારાણા સતયુગમા રાજા પ્રહલાદ કે જે રાક્ષસ કુળના હતા પણ જ્યારે બીલડીના બચ્ચા લીલાડામા માથી જીવતા નીકળ્યા તે સમયે રામનામમા વિશ્વાસ બાંધતા ઉંડો ભગત અને શ્રીબાઈને ચરણે ગયા અને પ્રથમ સવરા મંડપની રચના કરી હતી. આ વખતે પંદર કરોડ જતી સતી પ્રહલાદની સાથે જોડાયેલા તેમા પાંચ કરોડ લોકો નિર્વાણપદને પામી ગયા હતા અને પ્રહલાદ અને વિજયાવળા નાર સંતની પાવડીયે પગ ધરીને ચાલ્યા ગયા હતા. આ સતયુગના સમયમા રાજા હરિશ્ચંદ્ર સતને ખાતર પોતાનું રાજ છોડીને પોતાના કુટુંબ સાથે વેચાયા હતા પણ તેની શ્રદ્ધા ડગી ન હતી. હરિશ્ચંદ્ર રાજાની પત્ની તારામતી પણ આ વાતમા જોડાયેલા હોવાથી તેમને પણ કાશીનગરના ચોરામા વેચાવું પડ્યું હતું તેમ છતાં તેની શ્રદ્ધા ડગી ન હતી. આ સમયે તેની સાથે જોડાયેલા એકવીસ કરોડ લોકો માથી સાત કરોડ જતીસતી નિર્વાણપદને પામીને નામ અમર કરીને ચાલ્યા ગયા હતા.

(૪) એવા ફુલ રે સુઘ્યા રે, પાંચ પાંડવ દ્રોપદીએ,
વેરાટનગરમા જેણે મજૂરી કરેલ રે.હા.હા.

લીલબાઈ તેના ભજનની ચોથી કડી દ્વારા કુંભારાણાને સમજાવતા કહે છે કે, હે,કુંભારાણા સતયુગમા પ્રહલાદ અને રાજા હરિશ્ચંદ્ર આ ભક્તિના ફુલની પાંખડીની સુગંધ માણી છે જ્યારે ત્રેતાયુગ ખાલી ગયો અને દ્વાપરમા પાંચ પાંડવો થઈ ગયા. હસ્તિનાપુરમા માયદેવ ઋષિ પાંડવોના મહેલનું આંગણું સાફ કરવાનું કામ કરતા હતા. માતા કુંતીને તેના જ્ઞાનની ખાતરી હતી તેથી માતાકુંતી સતીતે પાંચ પાંડવો તેના ચરણે જઈ દીક્ષા લીધી હતી અને તેના આંગણાના ઘરમજુરીએ બીજા સવરા મંડપનું આયોજન કરેલ તે વખતે સત્તાવીસ કરોડ જતીસતી ધર્મરાજાની સાથે આ વાતમા જોડાયેલા હતા. આ સમયે નવ કરોડ જતીસતી નિર્વાણપદને પામી ગયા અને ધર્મરાજ અને દ્રોપદી સતની પાવડીયે પગ ધરીને ચાલ્યા ગયા હતા તેવી જગત હાલ તેને યાદ કરે છે.

દ્વાપર યુગનો અંત અને કલિયુગની શરૂઆતમા બલીરાજાએ સવરા મંડપની રચના કરી તે સમયે તેની સાથે આ વાતમા જોડાયેલા છત્રીસ કરોડ જતી સતી હતા તેમાથી બાર કરોડ નિર્વાણપદને પામીને નામ અમર કરીને ચાલ્યા ગયા છે. પાંચા સાતા નવા બારા તેમ તમામનો સરવાળો કરવામાં આવે તો તેત્રીસ કરોડ જતીસતી થાય છે તે તમામનો વાસ હાલ ગીરનાર ડુંગર ઉપર છે અને આ તમામને તેત્રીસ કરોડ દેવતા તરીકે માનવામાં આવે છે. હે, કુંભારાણા આવા અનેક સંતો ભક્તો ભક્તિના રાહે ચાલીને નામ અમર કરીને ચાલ્યા ગયા છે. જો તેની વાત કરવા બેસીએ તો કોઈ પાર આવે તેમ નથી.

(૫) મેઘધારવા પ્રતાપે રે, લીલબાઈ બોલ્યા રે,
દેજો અમને ગુરુ ચરણમા વાસ રે.હા.હા.

લીલબાઈ તેના ભજનની પાંચમી કડી દ્વારા કુંભારાણાને સમજાવતા કહે છે કે હે, કુંભારાણા હું તમને જે ભક્તિના ફુલની પાંખડીની વાત કરીને તમને સમજાવી રહી છું તે વાતની જાણકારી મારા ગુરુની કૃપાથી મને સમજાણી છે તેથી જ હું તમને સમજાવી રહી છું. હે, કુંભારાણા આપણા ગુરુ મેઘધારવાની કૃપાનો પડછાયો કાયમને માટે આપણી સાથે જ છે તેથી તેના ઉપર વિશ્વાસ રાખીને આગળ પગલા ભરશો તો તેની કૃપાનો વરસાદ તમારા પર વરસી જતા જરૂર સફળતા મળશે.

કુંભારાણાનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો

🌿