નથુરામની ટૂંકી જીવનગાથા
નથુરામ (ગુરુ ત્રિકમસાહેબ)
નથુરામનો જન્મ સવંત ૧૭૯૪ (ઈ.સ. ૧૭૪૭)માં રાધનપુર નામના ગામમાં ઉત્તર ગુજરાતમાં મેઘવાળ જ્ઞાતિના બ્રાહ્મણ સમાજમાં થયો હતો. નથુરામની અટક જોગલ હતી અને તેઓ મેઘવંશી વણકર સમાજના ગોર મહારાજ હતા. નથુરામે કચ્છમાં આવેલ ચિત્રોડ આશ્રમના સંત ત્રિકમસાહેબ પાસે કંઠી બંધાવી ઉપદેશ મેળવી તેમના શિષ્ય થયા હતા.
ત્રિકમસાહેબે રાપરથી સામખીયાળી તરફ જતા રસ્તા પર આશરે વીસ કિ.મી.ના અંતરે આવેલ ચિત્રોડ નામના ગામમાં આશ્રમ સ્થાપી સમાજ સેવા કરતા હતા. ત્રિકમસાહેબે તેમના ગુરુ ખીમસાહેબની બાજુમાં રાપર દરિયાલાલ સ્થાને સમાધિ લીધી હતી.
નથુરામે અનેક ભક્તોને પ્રમોદીને તેમના શિષ્યો બનાવ્યા હતા, તેમાં બે શિષ્યો મુખ્ય હતા જેવા કે બાળકસાહેબ અને લાલસાહેબ હતા. નથુરામના શિષ્ય બાળકસાહેબનો જન્મ સવંત ૧૮૫૭ (ઈ.સ. ૧૮૦૧)માં રાજસ્થાનના મારવાડમાં પોષ સુદ પૂનમને શનિવારે મેઘવંશી કુળમાં થયો હતો. બાળકસાહેબની અટક પઢીયાર હતી અને તેઓ વણકર સમાજના ગોર મહારાજ હતા.
બાળકસાહેબ કચ્છ વિસ્તાર છોડીને રાજકોટ મુકામે આવી ગયા હતા અને થોરાળા વણકરવાસમાં વસવાટ કરવા લાગ્યા હતા તેથી તેમની કર્મભૂમિ રાજકોટ હતી. બાળકસાહેબે રાજકોટના થોરાળા વણકરવાસમાં સવંત ૧૯૭૨ (ઈ.સ. ૧૯૦૭)માં પોષ વદ અગિયારસને દિવસે જીવતા સમાધિ લીધી હતી. નથુરામે કયા સ્થળે અને કેવી રીતે સમાધિ લીધી હતી તેની વિગત જાણવા ન મળતા અહીંયા રજૂ કરવામાં આવેલ નથી, પણ અમુક લોકો તરફથી આ માહિતી મળી છે.
નથુરામે અનેક ભજનોની રચના કરીને તેમાં તેમના અનુભવના આધારે ગુરુગમની વાત મૂકતા ગયા છે. નથુરામે બાળકસાહેબને બોધ આપીને તેમના શિષ્ય બનાવ્યા હતા અને બાળકસાહેબે પીઠાભગતને બોધ આપી બહારવટિયા જેવા માણસને સુધારીને ભક્તિના રાહે ચાલતા કરતા તે સંતોની હરોળમાં આવી ગયા છે. પીઠાભગતે અનેક ભજનોની રચના કરી તેના અનુભવના આધારે આ ભજનોમાં ગુરુગમની વાત મૂકતા ગયા છે, તેનો લાભ હાલ આપણા ભક્તો લઈ રહ્યા છે.
આ ભજનોને આધારે તેમને સારી જાણકારી મળી જતા આત્માની પરખ કરવાની વાત સરળતાથી સમજી શકે છે. આપણા સંતોએ જાતે મહેનત કરી મુશ્કેલી સહન કરીને આપણા માટે જ્ઞાનનો ભંડાર મૂકતા ગયા છે, પણ આ ભંડારનું બારણું ખોલવાનો આપણી પાસે સમય નથી. આપણે ફક્ત સંતોના ભજનો જ સાંભળીએ છીએ, પણ ભજનમાં શું કહેવા માંગે છે તે વાત સમજવાની કોશિશ કરતા ન હોવાથી ગુરુગમની વાતની જાણકારી આપણામાં આવતી નથી, પણ ફક્ત સૂરનો જ આનંદ મળે છે.
એકને એક ભજન સાંભળવાથી કે સંતોના ભજનો સાંભળવાથી ભજનનો ભેદ સમજાતો નથી, પણ જો કોઈ તેને વાગોળીને બીજાને સમજાવવાની કોશિશ કરે તો ભજનમાં રહેલી ગુરુગમની વાત લોકોને સરળતાથી સમજાય જાય છે.
હાલના સમયે લોકોને ભજન જ સાંભળવા ગમે છે અને હાજર રહેલા ભક્તો પણ ભજનનો મર્મ સમજાય તે માટે તેની વિખરી કરવાની પણ સલાહ આપતા ન હોવાથી સંતોની મહેનત અથાલે જાય છે. હાલના સમયમાં ભક્તો પોતે રચેલા ભજનો રજૂ કરવાનો આગ્રહ રાખે છે તેથી આગળના સંતોના ગુરુગમવાળા ભજનોને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે.
હાલના ભક્તો પોતે રચેલા તેમજ પોતાના ગુરુ દ્વારા રચવામાં આવેલા ભજનોને વધારે મહત્વ આપવાનું જાણવા મળે છે, પણ ભાઈ, જે કંઈ જાણવા જેવી વાત છે તે અગાઉના સંતોએ સમજી અને તેનો અનુભવ કરીને રજૂ કરેલી વાત છે તેથી તેને જો સમજવાની કોશિશ કરવામાં આવશે તો જ તેમાંથી કંઈ મળી શકશે.
ફક્ત જોડકણાં તૈયાર કરીને ભજન બનાવીને રજૂ કરવાથી તેમાં ભક્તિનો સાર સમજાઈ શકતો નથી, કારણ કે જેણે ભજનની રચના કરેલ છે તેવા ભક્તોએ પોતાના અનુભવ દ્વારા આ વાતને સમજી પણ નથી તેથી તેમાંથી કંઈ લઈ લીધા જેવું નથી.
આગળના ભક્તોએ આખી જિંદગીનો સમય ભક્તિમાર્ગે રહીને અનુભવ કરીને ગુરુગમની વાતને અનુભવીને આપણી આગળ રજૂ કરી છે, તેમાં જ પરમાત્માના ઘરનો સાર સમાયેલો હોય છે. આગળના સંતોએ ભજનોની રચના કરીને તેમના અનુભવના આધારે પરમાત્માને કેવી રીતે પામી શકાય તે ગુરુગમની વાતની જાણકારી આપણા માટે પોતે મહેનત કરીને આત્મજ્ઞાનનો ખજાનો મૂક્તા ગયા છે.
તેથી જો તે ખજાનો ખોળવામાં આવે અને ગુરુનો આધાર પકડીને ભક્તિના રાહે ચાલવામાં આવે તો પરમાત્માનો અનુભવ થયા વગર રહેતો નથી તે વાત નક્કી છે. આ વાતનો પુરાવો પણ આપણા સંતો આપતા ગયા છે.
નથુરામનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
