📖 દેવાયત પંડિતના ભજનોનું વિવરણ
(૧) એવી શંકા રે પડીને અવળું સુઝયું
(૧) એવી શંકા રે પડીને અવળું સુઝયું, કયા ગયા દેવલદે નાર.
એવા ભણકારા વાગે રે ઝીણા ઝીણા મોલમા રે. એવી
(૨) એવા જોયા રે મંદિરને જોયા તેને માળીયા,
જોઈ તેને બાવન બજાર. એવી
(૩) પથરા રે દેવાયત પ્રભુ કરીને માનતા રે,
દેવાયત ભૂલ્યો તેનું ભાન. એવી
(૪) એવા ચેલા રે લીલા સાથે સાતસોં રે,
રથડા કીયા રે તૈયાર. એવી
(૫) ઘાર રે આવીને ઘરો તેનો ભાંગીયો રે,
પુછયા એણે લુહારિના દ્વાર. એવી
(૬) એવા વ્રત રે હતા રે એકાદશી તણા રે,
બંધ હતા લુહારિના દ્વાર. એવી
(૭) ભાઈ રે લુહારી વીરા તને વિનવું રે,
રથડા કરીને તૈયાર. એવી
(૮) એ જી ઘરે રે ધગાવવા એકો નાખ્યો રે,
દેવાયત કરી રે ઘણાના ઘાવ. એવી
(૯) કોય રે કરીને ઘણા દેવાયતે મારીઓ રે,
એકણ ગઈ છે પાતાળ. એવી
(૧૦) ધૂરી રે ઉપર ઘરો લુહારે સાંધીઓ રે,
ઉતાર્યો દેવાયતના અભિમાન. એવી
(૧૧) એવો શોભાજીનો ચેલો દેવાયત બોલ્યો રે,
મારા ગુરુજીના ગુણનો નહીં પાર. એવી
ભજનનું વિવરણ.
(૧) એવી શંકા રે પડીને અવળું સુઝયું, કયા ગયા દેવલદે નાર.
એવા ભણકારા વાગે રે ઝીણા ઝીણા મોલમા રે. એવી
દેવાયત પંડિત તેના ભજનની પ્રથમ કડીમા દેવલદે દેવદરબાર આશ્રમ છોડીને ધરતીમા સમાય જતા દેવાયત પંડિતને પોતાની ભૂલ સમજાય જતા અફસોસ કરીને કહેવા લાગે છે કે હું મારા જ્ઞાનના અભિમાનને લીધે અંધ બની જતા મેં દેવલદે જેવી સતીનારીને ન કહેવાના વેણો બોલીને તેનું અપમાન કરીને મેં મોટી ભૂલ કરી છે. દેવાયત મનમા અફસોસ કરતા કહે છે કે મેં સતી નારી ઉપર શંકા કરતા મને અવળા વિચારો આવતા મેં દેવલદેને ઠબકો આપી મોટી ભૂલ કરી છે. દેવાયત પંડિતને તેનો દેવદરબાર આશ્રમ સુનો સુનો લાગવા માંડે છે અને આ આશ્રમ ખાલી ખમ જણાતા તેને દેવલદે વિના ભણકારા લાગવા માંડે છે. દેવાયત પંડિતને પોતાનો આશ્રમ હવે કડવા ઘોર છે એટલે કે આ આશ્રમમાએકલા બેસવું ગમતું નથી અને દેવલદેની ઉપર શંકા કરીને તેના ઉપર ખોટું આળ ચડાવીને સતી નારીને મેં ન કહેવાના વેણ કહીને તેનું મેં અપમાન કર્યું છે તેવા વિચારો અવાર નવાર આવ્યા કરે છે. દેવાયત પંડિતને દેવલદેનો વિરહ સહન થતો નથી તેથી તે આ દેવદરબારમાં ગાંડાની જેમ આટા ફેરા મારવા લાગે છે. આ મુશ્કેલીનો અંત કઈ રીતે લાવવો તે વિચારો મનમા ઘૂંટાયા કરે છે અને દેવાયતને ક્યાંય ચેન પડતું નથી.
(૨) એવા જોયા રે મંદિરને જોયા તેને માળીયા,
જોઈ તેને બાવન બજાર.
દેવાયત પંડિત તેના ભજનની બીજી કડી દ્વારા જાહેર કરે છે કે દેવલદે દેવદરબાર છોડીને ચાલ્યા જતા દેવાયત પંડિત તેના વીરહમા પાગલ જેવા થઈ જતા આમ તેમ દેવલદેની તપાસ કરવા લાગે છે. દેવાયત પંડિત દેવલદેને તમામ મંદિરે જઈને તેની તપાસ કરે છે અને દરેક ઘરમા તપાસ કરવા છતાં દેવલદે મળતા નથી. દેવાયત પંડિત ગામની તથા નગરોની અનેક બજારોમા રખડીને દેવલદેની પુછ પરખ કરવા છતાં દેવલદેના સમાચાર મળતા નથી. દેવાયત પંડિત દેવલદેની બજારોમા, મંદિરમાંમાળીયામા તેમજ ચારે છોડે તપાસ કરવા છતાં ન મળતા તે હતાશ થઈ ઠેકા બેસી જાય છે. દેવાયત પંડિત દેવલદેને હવે કયા અને કેવી રીતે શોધવાના વિચારોના વંટોળમા ફસાઈને વિચારે ચડી જાય છે.
(૩) પથરા રે દેવાયત પ્રભુ કરીને માનતા રે,
દેવાયત ભૂલ્યો તેનું ભાન.
દેવાયત તેના ભજનની ત્રીજી કડી દ્વારા જણાવે છે કે હું પથ્થરાઓને પણ પરમાત્મા સ્વરૂપ માની તેમા વિશ્વાસ રાખીને દેવના દર્શન તેમા કરવાનો પ્રયત્ન કરતો હતો. દેવાયત કહે છે કે મને પથ્થરમા પણ પરમાત્મા રહેલા છે તેવો વિચાર કરીને હું તમામ પથ્થર પરમાત્મા સ્વરૂપ છે તેવું માનીને તેમા વિશ્વાસ રાખીને હું જીવતો હતો. દેવાયત કહે છે કે હું મારા જ્ઞાનના અભિમાનના જોરે મારું ભાન ગુમાવી બેઠેલ હોવાથી દેવલદે જેવી સતીનારી ઉપરમે શંકા કરતા મારા અહંને લીધે દેવલદેને ગુમાવી બેઠો છું. દેવાયત પંડિત મનમા વિચારીને અફસોસ કરીને પોતાના મનને ઠબકો આપીને કહે છે કે હે, મન તે મને મારા અભિમાનની નાવમા બેસાડીને સમુદ્રના મધ્ય ભાગે ધકેલીને મને દુઃખના મોજામા ફંગોળી દીધેલ હોવાથી મને આ દુઃખ માથી કોણ બચાવશે ? દેવાયત પંડિત કહે છે કે જ્યારે સંકટ આવે તે સમયે ગુરુનો સહકાર લેવાથી મુશ્કેલીનો અંત આવી જાય છે અને જો પતિ પાસે હોય તો દુઃખમા પણ હળવાશ આવી જાય છે પણ મે તો બે સાથે સંબંધ બગાડીને મોટી ભૂલ કરી છે. ગુરુ છોડવાનું કામ કરીને મારા ગુરુના ઘરનો દરવાજો બંધ કરી દીધો છે. દેવાયત પંડિત પોતે વિચારો કરીને મનને ઠબકો આપીને ઉંઘમ દીધી બેસી રહે છે.
(૪) એવા ચેલા રે લીલા સાથે સાતસોં રે,
રથડા કીયા રે તૈયાર.
દેવાયત પંડિત તેના ભજનની ચોથી કડી દ્વારા જાહેર કરે છે કે હવે દેવલદેને શોધ્યાસિવાય છુટકો નથી અને તેથી મને નરહરા ગઢમા મળવા માટે આવવાનું કહ્યું છે તેથી આ સ્થળનું સરનામું સંતો ભક્તો જાણતા હશે તેથી નરહરા ગઢનું સરનામું મેળવવા પોતાના સાતસોં ચેલાઓને લઈ રથ જોડીને દેવલદેની તપાસ કરવા નીકળી જાય છે. દેવાયત પંડિત મેઘસમા જઈ માલદે રૂપાદેને મળીને નરહરા ગઢનું સરનામું શોધવા કહે છે. દેવાયત પંડિત ભુલથી પ્રથમ તો માલદે રૂપાદે દેવાયત પંડિતને ઠબકો આપે છે અને આ નરહરા ગઢના સરનામાનું ખ્યાલ નથી તેવો જવાબ આપતા દેવાયત પંડિત અંજારમા જેસલ તોરલના આશ્રમે પોતાના શિષ્યો સાથે આવી જાય છે. જેસલ તોરલ દેવાયતને આવવાનું કારણ પૂછતા દેવાયત પંડિત દેવલદેની વાત કરીને કહે છે કે તે નરહરાગઢમા ચાલ્યા ગયા છે તેથી મારે તેને મળીને તેની માફી માંગવી છે પણ આ સ્થળનું સરનામું મળતું નથી તેથી સરનામું જાણવા આપની પાસે આવ્યો છું. આસમયે તોરલ અને જેસલ દેવાયતને ઠબકો આપીને કહે છે કે દેવાયત પંડિત તમે જ્ઞાની જરૂર છો પણ તમને લોકોની પરખ કરવાની જાણકારી તમારામાં નથી અને તમે તમારા જ્ઞાનના જોરે અભિમાનથી તમે જીવન જીવી રહ્યા હોવાથી તમારું અભિમાન જ તમને કોરીને ખાય જશે. જેસલ તોરલે શાંતવન આપીને કહ્યું કે નરહરાગઢનું સરનામું અમે પણ જાણતા નથી. આ જવાબ મળતા દેવાયત પંડિત ઢીલા પડી જાય છે અને રાત્રિ રોકાણ કરીને ત્યાંથી રવાના થાય છે અને પોતાના વતનનો માર્ગ પકડીને જુનાગઢ તરફ આવી રહ્યા છે.
(૫) ઘાર રે આવીને ઘરો તેનો ભાંગીયો રે,
પુછયા એણે લુહારિના દ્વાર.
દેવાયત પંડિત તેના ભજનની પાંચમી કડી દ્વારા કહે છે કે જ્યારે જેસલ તોરલ અને માલદે રૂપાદેને મળીને નરહરાગઢનું સરનામું પૂછતા તેની વિગત ન મળતા દેવાયત પંડિત પોતાના સાતસો જેટલા શિષ્યોને લઈને પોતાના વતન વંથલી આવી રહ્યા હતા. આ સમયે જુનાગઢ નજીક આવતા મંજવડીના ગોંદેથી રથ લઈને પસાર થતા હતા તે સમયે રથના પૈડાને પથ્થર અથડાય જતા રથનો ઘરો ભાંગી ગયો. દેવાયત પંડિત નીચે ઉતરીને જોયુ તો ઘરો ભાંગી ગયેલ છે તેવો ખ્યાલ આવતા પોતાના શિષ્યોને કહ્યું કે રથનો ઘરો ભાંગી ગયેલ છે તેથી રથ આગળ જઈ શકશે નહીં. આ ઘરો સાંધવા માટે કોઈ લુહારને શોધીને આ કામ કરાવવું પડશે. દેવાયત પંડિતના શિષ્યો માથી એક શિષ્ય બોલ્યો કે બાપુ આ મંજવડી ગામમા દેવતણગી નામનો એક લુહાર રહે છે અને તે લોખંડના સાંધનો બનાવવાનું કામ કરે છે તેથી તેની પાસે જવાથી આપણું કામ થઈ જશે. આ દેવતણગીના સંપર્કમાં દેવાયત પંડિત આવેલ ન હતા તેથી તેને ઓળખતા ન હતા. દેવાયત પંડિત કહેવા લાગ્યા કે તમે મંજવડી ગામમા જઈને દેવતણગીનું ઘર પુછીને આ ઘરો સાંધવાનું કામ કરી લાવો. આ સમયે શિષ્યો મંજવડી ગામમા આવે છે અને દેવતણગીના ઘરની પુછ પરખ કરે છે. આ સમયે દેવતણગી અને ગામ લોકો ગામના મંદિરે એકઠા થયેલા હતા. કારણ કે આ દિવસે એકાદશીનો તહેવાર હોવાથી ઉજવણી માટે તમામ ગામ લોકો પોતાનો વેપાર ધંધો બંધ કરીને આ મંદિરે આવી રહ્યા હતા.
(૬) એવા વ્રત રે હતા રે એકાદશી તણા રે,
બંધ હતા લુહારિના હાટ.
દેવાયત પંડિત તેના ભજનની છઠ્ઠી કડી દ્વારા જણાવે છે કે જ્યારે શિષ્યો મંજવડી ગામે આવીને લોકોને દેવતણગીનું ઘર ક્યાં છે તેમ પુછ પરખ કરતા લોકોએ જણાવેલ કે આજે એકાદશીનો તહેવાર છે તેથી ગામનો વેપાર ધંધો બંધ છે તેથી દેવતણગીની કોડ પણ બંધ હશે અને તે તમને મંદિરે મળી જશે. આ શિષ્યો મંદિરે આવીને દેવતણગીની પુછ પરખ કરતા જાણવા મળેલ છે કે તે અહીંયા છે અને હાલ કીર્તનમાં હોવાથી તે પુરુ થશે તમને મળશે. આ વાત સાંભળી દેવાયત પંડિતના શિષ્યો કીર્તન બંધ થવાની રાહ જોઈને બેઠા. આ સમયે કીર્તનનો પ્રોગ્રામ બંધ થતા એક માણસે દેવતણગીની ઓળખાણ આપીને કહ્યું કે સામે ઉભા છે તે દેવતણગી છે તેથી આ શિષ્યો દેવતણગીને મળીને ઘરનો સાંધો આપવાની વાત કરી. દેવતણગી બોલ્યા કે ભાઈઓ, આજે એકાદશીનો તહેવાર છે અને આ તહેવારમાં અમે ગામના લોકો ધંધો બંધ રાખીને આત્મધ્યાનની ઉજવણી કરીએ છીએ. આ ગામના તમામ દુકાનો બંધ રાખવામાં આવેલ છે તેથી મારી કોડ પણ બંધ છે તેથી તમે ઘરો અહીયા મુકી જાવ હું કાલે જ્યારે મારી કોડ ચાલુ કરીશ તે સમયે પહેલા હું તમારું કામ હાથમા લઈને ઘરો સાંધી આપીશ તેવો જવાબ આપે છે. આ સમયે એક શિષ્ય બોલ ઉઠ્યો કે ભગત આ કામ મહાન જ્ઞાની દેવાયત પંડિતનું છે અને તેના રથનો ઘરો ભાંગી ગયો છે તેથી તમારે અત્યારે આ કામ કરી આપવું પડશે. આ સમયે દેવતણગી બોલ્યા કે ભાઈ દેવાયત પંડિતનું કામ હોય કે બીજા કોઈનું પણ આ દિવસે અમારાથી ધંધો શરૂ કરી શકાતો નથી તેવો અમારા ગામનો નિયમ છે અને જોઈએ કામ શરૂ કરીએ તો અમને પાપ લાગે તેથી આજે તમારું કામ થશે નહીં પણ આવતી કાલે હું તમારું કામ કરી આપીશ. આ જવાબ મળતા શિષ્યો દેવાયત પંડિત પાસે આવીને દેવતણગી તરફથી મળેલ જવાબની વિગતવાર વાત કરે છે. આ સમયે દેવાયત પંડિત અહંમાંથી કહે છે કે મારા કામની ના કેમ પાડે છે, ચાલો હું તમારી સાથે આવું તેમ કહીને દેવાયત પંડિત પોતાના શિષ્યો સાથે દેવતણગીની પાસે આવે છે.
(૭) ભાઈરલુહારી વીરા તને વિનવું રે,
રથડા કરીને તૈયાર.
દેવાયત પંડિત તેના ભજનની સાતમી કડી દ્વારા જણાવે છે કે શિષ્યોને ઘરો સાંધવાની ના પાડતા દેવાયત પંડિત પોતે મંજવડી ગામમા આવીને દેવતણગીને મળીને કહે છે કે હે, ભગત દેવતણગી હું વંથલી ગામનો અને દેવદરબાર આશ્રમનો દેવાયત પંડિત છું. લોકો મને પંડિતના નામથી ઓળખે છે. મારી પાસે જ્ઞાનનો ભંડાર ભરેલો હોવાથી મારાથી અન્ય જ્ઞાનીઓ મારી વાત સાંભળીને ડરી જાય છે. દેવાયત પંડિત કહે છે કે મે મારા માણસોને મારા રથનો ઘરો સાંધાવવા માટે મોકલ હતા પણ તમે આ ઘરો સાંધવાની ના પાડતા મારે તમારી પાસે રૂબરૂ આવવું પડ્યું છે. આ દેવાયત પંડિતે સોપેલા કામની કોઈએ ના પાડી નથી અને ના પાડવાની હિંમત પણ કરી શકતા નથી તો તમે કેમ કામ કરવાની ના પાડી ? દેવતણગી આ દેવાયત પંડિતની અહંમથી નીરતી વાણી સાંભળીને શાંતિથી જવાબ આપ્યો કે પંડિત આજે એકાદશીનો તહેવાર હોવાથી ગામ લોકો તમામ પોતાની દુકાનો બંધ રાખીને આ મંદિરે એકઠા થયુ તેવું ગામ લોકોએ ઘણા સમયથી નક્કી કરેલ હોવાથી આજે મારી કોડ પણ બંધ રાખીને હું અહીયા આવ્યો છું. આવતી કાલે તમામ પોતાની દુકાનો ખોલીને ધંધો શરૂ કરશે તેથી હું પણ મારી કોડ આવતી કાલે ખોલવાનો હોવાથી આજે કામ કરવાની ના પાડી છે. હે, પંડિત આજે જો કોડ ખોલવામા આવે તો પાપ લાગે તો આ પાપ કોના માથે ? આ સમયે દેવાયત બોલ્યા કે આ પાપ મારા માથે કારણ કે હું દેવાયત પંડિત પાપને પણ પચાવી જાણું છું. દેવતણગી બોલ્યા કે પાપને પચાવવાના પ્રમાણ કોઈએ આપ્યા હોય તે વાત મે આજ સુધી સાંભળી નથી. દેવતણગી કહે છે કે પંડિત તમે મુશ્કેલીમા છો તેથી હું આજે તમારું કામ કરી આપું છું પણ તમારે મારી એક શરત સ્વીકારીને હું કહું તેમ તમારે કરવું પડશે. આ સમયે દેવાયત બોલ્યા કે દેવાયત માટે તમામ કામ કરવા સરળ છે તેથી બોલો મારે શું કરવાનું છે. દેવતણગીએ કહ્યું કે જ્યારે હું આ ઘરના બે ટુકડા ભઠ્ઠીમા મુકુ અને તે તપે આવી જાય અને હું જ્યારે તેને એરણ ઉપર મુકું તે સમયે તેના ઉપર ઘણાનો ઘા તમારે મારવો પડશે. દેવાયત પંડિત બોલ્યા કે ભગત તમે મને આવું કામ સોપશો તો તમે મુશ્કેલીમા મુકાય જશો કારણ કે જો હું ઘણાનો ઘા મારીશ તો ધરતી ફાટી જશે અને તમે તેમા સમાય જશો. દેવતણગીએ જવાબ આપ્યો કે પંડિત અમારી ચિંતા કરવાની તમારે જરૂર નથી જે થાય તે તેમા મને કોઈ વાંધો નથી પણ મે કહ્યું તેમ તમારે કરવું પડશે. દેવાયત પંડિત શરત સ્વીકારીને કામ કરી આપવા કહ્યું. દેવતણગીએ કોડ ખોલી અને ચુલામા કોલસા નાખી આ ઘરના બે ટુકડા તેમા મુકી દીધા. આ વખતે તેની નવ દસ વર્ષની પુત્રી લીલાબાઈ પણ હાજર હતા.
(૮) એ જી ઘરે રે ધગાવવા એકો નાખ્યો રે,
દેવાયત કરી રે ઘણાના ઘાવ.
દેવાયત પંડિત તેના ભજનની આઠમી કડી દ્વારા કહે છે કે દેવતણગીએ શરત કરી તે મુજબ કામ કરવાની દેવાયત પંડિત હા પાડતા ધરાના બે ટુકડાને ભઠ્ઠીમા નાખીને તપાવવા મુક્યા. આ ટુકડા તપીને આવી જતા તેને બહાર કાઢીને એરણ ઉપર મૂકીને દેવતણગીએ દેવાયતને કહ્યું કે પંડિત હવે તમે ઘણાનો ઘા કરો. આ સમયે દેવાયત કોડમા આવીને ઘણો ઉપાડીને ઘણાનો ઘા કરતા એરણ જમીનમા ઉતરી ગઈ પણ ઘરો સંધાયો નહીં.
(૯) કોધ રે કરીને ઘણા દેવાયતે મારીયો રે,
એરણ ગઈ છે પાતાળ.
દેવાયત પંડિતના ભજનની નવમી કડી દ્વારા જણાવવામાં આવે છે કે દેવાયત પંડિત, દેવતણગી અને લીરલબાઈ બેઠા છે અને ઘરના ટુકડાને તાપે આવવાની રાહ જોઈ રહ્યા છે. આ ઘરના ટુકડા તાપે આવી ગયા છે તેવું જાણતા તેને બહાર કાઢીને દેવતણગીએ દેવાયતને કહ્યું કે પંડિત હવે ઘણાનો ઘા મારો. આ વખતે દેવાયત ક્રોધ કરીને ઘણો ઉપાડીને એરણ ઉપર રાખેલા ઘરના ટુકડા ઉપર ઘણાનો ઘા મારતા એરણ જમીનમાં ઉતરી ગઈ પણ ઘરો સંધાયો નહીં. દેવતણગીએ કહ્યું કે પંડિત ઘરો બરાબર સંધાયો નથી હવે તમારે બીજો ઘા મારવો પડશે. દેવતણગીએ ફરીવાર ઘરના ટુકડાને તપાવીને ઘા મારવાનું કહેતા દેવાયતના હાથ માથી ઘણો નીચે પડી ગયો અને દેવાયત નીચે જોઈને બેસી રહ્યા. દેવતણગીએ ફરી વાર કહેતા દેવાયત પંડિત બોલ્યા કે હવે બીજો વાર ઘણાનો ઘા મારવાની તાકાત મારામાં રહી નથી તેવો જવાબ આપતા દેવતણગી દેવાયત સામે જોઈ રહ્યા અને તેનો અહંમ ઓગળી રહ્યો છે તેવું માલુમ પડ્યું. દેવાયતની શક્તિ ક્ષીણ થયેલ છે અને તેનામાં હિંમત રહી નથી તેની ખાતરી થઈ ગયેલ.
(૧૦) ધૂરી રે ઉપર ઘરો લુહારે સાંધીઓ રે,
ઉતાર્યો દેવાયતના અભિમાન.
દેવાયત પંડિતના ભજનની દશમી કડી દ્વારા જણાવવામાં આવે છે કે જ્યારે દેવાયતને બીજો વાર ઘણાનો ઘા કરવાનું કહેતા તે હિંમત હારી જાય છે અને ના પાડે છે. આ વખતે લીરલબાઈ પાસે બેઠા હતા તેથી તે દેવતણગીની પાસે આવી તેના પગની ધૂરી કરતા દેવતણગીએ તેની ધૂરી ઉપર તાપે આવેલા ઘરને મુકી અને બીજા હાથે ઘણાનો ઘા મારતા ઘરો સંધાય ગયો. આ દૃશ્ય જોઈ દેવાયતનો અહંમ ઓગળી ગયો. દેવતણગીના પુત્રી લીરલબાઈએ કહ્યું કે પંડિત તમે તો કહેતા હતા કે ધરતી ફાડીને રસાતાળ જશે પણ આવું કઈ થયું નથી પણ આ એરણ જમીનમાં ઉતરી ગયેલ છે તેનું શું કરશું. હે, પંડિત તમે તો અમારી રોજનું સાધન પણ ટાળી લીધુ હવે અમે કઈ રીતે કામ કરીશું. પંડિત હવે આ એરણને તો જમીન માથી બહાર કાઢી તો આપો ? દેવાયત હિંમત હારી ગયેલ હોવાથી તેમજ તેનો અહંમ નાશ પામતા તે બોલી ન શક્યા. લીરલબાઈએ કહ્યું કે તમે તો એટલું નાનું કામ પણ કરી શકતા નથી. આ સમયે લીરલબાઈએ જમીનના નીચામાં હાથ નાખી એરણ બહાર કાઢીને એક બાજુ મુકી દીધી.
(૧૧) એવો શોભાજીનો ચેલો દેવાયત બોલ્યો રે,
મારા ગુરુજીના ગુણનો નહીં પાર.
દેવાયત પંડિત તેના ભજનની અગિયારમી કડી દ્વારા તેના ગુરુ શોભાજીની કૃપાથી કહે છે કે મને મારા ગુરુ મહાન મળેલ છે અને તેમામાં જ્ઞાનનો કોઈ પાર નથી પણ હું મારા અહંમે લઈને તેને ઓળખી શક્યો નથી. આ જગતમાં હું એવું સમજતો હતો કે મારા કરતા કોઈ મહાન નથી પણ આ નવદશ વર્ષની દીકરીએ સોપેલ કામ પણ હું કરી શક્યો નથી. દેવાયત પંડિત કહે છે કે જો હું મારા ગુરુની સાન મુજબ ચાલીને મારા અહંમનો નાશ કર્યો હોત તો મારે આ સમયે આ કામની ના પાડવાનો વારો આવ્યો છે તે ન આવત તેમ મનમાં વિચારીને મનમા અફસોસ કરવા લાગ્યા. દેવતણગીએ ઘરો સાંધીને દેવાયતને કહ્યું કે પંડિત આજની રાત્રીનું રોકાણ મારા ઘેર કરીને મારા ઘરનો પ્રસાદ લેજો તેમ કહીને આમંત્રણ આપતા દેવાયત પંડિત અને તેના શિષ્યો રોકાય ગયા. રાત્રીના સમયનું ભોજન પતાવીને સત્સંગ કરવા બેઠા અને સવાર થતા દેવાયત પંડિત તથા તેના શિષ્યોવંધલી ગામે આવી ગયા. દેવલદેના જવાથી આશ્રમ સુમસાન બની ગયો. દેવાયતને પણ અફસોસનો પાર ન રહ્યો. દેવાયત પંડિત નરહરાગઢની તપાસ કરવા નીકળી પડ્યા. દેવાયત તપાસ કરતા કરતાકચ્છ અંજાર પહોંચી ગયા.
દેવાયત પંડિતનો જય
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
