📖 દાસસતારના ભજનોનું વિવરણ
(૧) હૃદયમાં વસ્તુ છે અગમોલી.
(૧) હૃદયમાં વસ્તુ છે અગમોલી, તારા રે ઘટમાં પીયુજી બીરાજે,
તું અંતર પટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અગમોલી. — હૃદયમાં
(૨) સંત સમાગમ નીત દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી,
સજ્જન કેરા સંગમા ભાઈ, પ્રેમની પ્રેમની પ્રગટે હોળી. — હૃદયમાં
(૩) સત્ય સમશેર લઈને મારજે, પાંચ પચીસ ચોળી,
શબ્દ શબ્દે સંતોના ભાઈ, પીજો ઘોળી ઘોળી. — હૃદયમાં
(૪) ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો, વેણે શબ્દને તોળી,
દાસ સતાર ગુરુ પ્રતાપે, વાગે જ્ઞાનની ગોળી. — હૃદયમાં
ભજનનું વિવરણ
(૧) હૃદયમાં વસ્તુ છે અગમોલી, તારા રે ઘટમાં પીયુજી બીરાજે,
તું અંતર પટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અગમોલી.
દાસસતાર તેના ભજનની પ્રથમ કડી દ્વારા સમજાવતા કહે છે કે હે, માનવી પરમાત્માએ આપણા ઘટભીતરમાં અગમોળી વસ્તુની ભેટ આપી છે તો આ વસ્તુ શું છે ? અને કયા આવેલી છે તેની ખોજ કરવાનો પ્રયત્ન કરો. દાસ સતાર કહે છે કે, તારો દેહ ચાલી રહ્યો છે તે પણ બીજાના આધારે આ કામ કરી રહ્યો છે અને તેના આધારે ટકી રહ્યો છે. પત્નિના આધારે પતિ ટકી રહી હોય તો તેનો મૂળ આધાર તેનો પતિ છે. જેમ આ પત્નિનો માલિક કે ધણી પતિને માનવામાં આવે છે તેમ આ શરીરનો માલિક તું પોતે નથી પણ બીજો કોઈ છે તે જાણી લે તો સારી વાત છે. દેહ આત્મા કે જીવરૂપી ઊર્જા કે શક્તિના આધારે ટકી રહ્યો હોવાથી આત્મા જ દેહનો પીયુ કે ધણી કહેવાય છે કારણ કે તેની હૈયાતી સુધી જ દેહ ટકી શકે છે. આ દેહ ગમે તેટલો રૂપાળો હોય કે કામનો હોય પણ જ્યારે દેહ માથી ચેતન શક્તિ રૂપ આત્મા ચાલ્યો જાય છે તે પછી તેની કોઈ કિંમત નથી. આ દેહને તેના વગર પણ રાખી શકાતો ન હોવાથી તેની અંતિમ ક્રિયા કરીને આ દેહનો નિકાલ કરવો પડે છે.
દાસ સતાર કહે છે કે જો આત્માની તપાસ કરવાનું કે તેની ખોજ કરવાનું મન થાય તો આપણા દેહમાં વસિ રહેલો હોવા છતાં તે કોઈ સ્થળેથી પકડી શકાતો નથી કારણ કે તે નિરાકાર છે તેથી તેનું રૂપ નથી તેથી રૂપ સિવાય તેને ઓળખી શકાય નહીં અને આકાર સિવાય તેને પકડી શકાતો નથી. આ અલૌકિક વસ્તુ છે તેથી અંતર પટ ખોલીને જો તેની ખોજ કરવામાં આવે તો જ તે મળી શકે છે. આ ખોજ કેવી રીતે કરવી તે માટે જેણે ખોજ કરીને તેને ઓળખી બતાવ્યું છે તે બ્રહ્મજ્ઞાનીનો જો સહારો લેવામાં આવે તો જ તેઓ તેનો રસ્તો બતાવી શકે છે અને આ રાહે ચાલવાથી તે જરૂર મળી મળી જાય છે. આ તત્વની અનુભવના આધારે અનુભૂતિ થાય છે પણ તેને રૂબરૂ મળી શકાતું નથી કે તે મળી ગયું છે તે વાત સાબિત કરવા તેને પકડીને દેખાડી શકાય તેવું નથી.
(૨) સંત સમાગમ નીત દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી,
સજ્જન કેરા સંગમા ભાઈ, પ્રેમની પ્રેમની પ્રગટે હોળી.
દાસ સતાર તેના ભજનની બીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, ઘટ ભીતરમાં ચેતન શક્તિ રૂપ આત્મા કે જેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે તેની ખોજ કરીને તેને ઓળખવાની વાત કરવામાં આવી છે. આત્માને ઓળખવો હોય તો પ્રથમ તમારે તેના પ્રત્યે ભાવ જાગવો જરૂરી થઈ પડે છે. આ ભાવ જાગવા માટે કાયમને માટે સત્સંગમા જોડાયેલા રહીને પરમાત્માના ઘરની સત્સંગ સાંભળવાથી ભાવ મજબૂત થઈ જાય છે. ભાવ વગર ભક્તિ થતી નથી અને ભાવ વિના જીવો તો જ્ઞાનની વાત સમજવા મળતી નથી. દાસ સતાર કહે છે કે સત્સંગમા હંમેશા પરમાત્માના ઘરની જ વાતો થતી હોય છે અને આ શબ્દો કે બોલીને શુદ્ધ માનવામાં આવે છે કારણ કે તેમા મારા તારાનો ભેદ નથી અને કોઈની નીંદા પણ કરવામાં આવતી ન હોવાથી આ વાતને ઉત્તમ માનવામાં આવે છે. દાસ સતાર કહે છે કે ફક્ત સત્સંગમા જઈ વાતો સાંભળવાથી પરમાત્માના ઘરની વાત સમજાય જાય તેવું નથી પણ સાચો સાચ ભાવમા કાયમ રહેનારા અને સજ્જન માણસના સંપર્કમા રહેવું પડે છે. જો સજ્જન માણસના સંપર્કમા રહેવામા આવશે તો તેમની પાસેથી સારા સંસ્કારો મળતા આપણા વિચારોમા પરિવર્તન આવી જતા નકામા વિચારોનું પ્રમાણ આપો આપ ઘટવા લાગશે અને આપણા વિચારોમા પણ પરિવર્તન આવી જતા સારા વિચારોની સ્ફુરણા થવાનું ચાલુ થઈ જશે. દાસ સતાર કહે છે કે ભક્તિ ભાવવાળા કે સજ્જન માણસોની વાતમા કાયમને માટે પ્રેમનો ભાવ રહેલો હોય છે અને આ વાત સાંભળતા કે આવા લોકોના સંપર્કમા રહેતા આપણામા પણ પ્રેમની હોળી રૂપી પ્રકાશ ફેલાવા લાગશે અને જીવન વ્યવહારમા આપો આપ પરિવર્તન આવી જશે. ભક્તિના માર્ગે સત્સંગ કરવો અને સારા માણસના સંગમા રહી જીવન વ્યવહાર કરવાથી જીવનમા પરિવર્તન આવી જાય છે. ભક્તિના માર્ગે સત્સંગ કરવો અને પરમાત્માના ઘરની વાત જાણવી ઘણી જરૂરી છે.
(૩) સત્ય સમશેર લઈને મારજે, પાંચ પચીસ ટોળી,
શુદ્ધ શબ્દો સંતોના ભાઈ, પીજો ઘોળી ઘોળી.
દાસસતાર તેના ભજનની ત્રીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, પરમાત્માની પરમ કરવી હોય તો પ્રથમથી તમારે સત્ય રૂપી સમશેર હાથમા લેવી પડશે કારણ કે આ સત્ય રૂપ સમશેર વગર અસત્યનો નાશ થઈ શકતો નથી. આ રાહે ચાલતી વખતે સત્ય ધારાને પકડી રાખી તેનો જીવન વ્યવહારમા જો ઉપયોગ કરવામાં આવશે તો જ અસત્યનો નાશ થઈ જતા ધીમે ધીમે પાપ કર્મ માથી મુક્તિ મેળવવાનું શરૂ થઈ જશે. આ ભાગ્યે કે તકલીફ કોઈ માને તો કરીને શકય માટે કે કોઈને નુકશાન કરવા માટે ઉપયોગની નથી પણ આપણામા રહેલા પાંચ તત્વો અને પાંચ તત્વની પાંચ પ્રકૃતિઓ એટલે કે પચીસ પ્રકૃતિઓ ભક્તિના માર્ગમા અંતરાય રૂપ થાય છે તેની ઓળખાણ કરીને સત્ય ધારાના આધારે તેને સમજને તેના ઉપર કાબુ મેળવી લેવાની વાત છે. જો પાંચ તત્વોની ઓળખાણ થઈ જશે અને તેની પચીસ પ્રકૃતિઓ ઉપર કાબુ આવી જશે તો ભક્તિનો માર્ગ મોકળો થઈ જતા પરમાત્માના દેશમા પહોંચવાની વાર લાગશે નહીં. સત્ય સમશેરથી તેના ઉપર વાર કરવાની વાત કરી છે. કારણ કે ભક્તિના માર્ગમા જો કોઈ અંતરાય રૂપ થતા હોય તો આ તમામ છે.
દાસ સતાર કહે છે કે સત્યની ધારા પર ચાલી પાંચ તત્વોની ઓળખાણ કરી અને તેની પચીસ પ્રકૃતિઓને જાણીને તેના ઉપર કાબુ મેળવીને બેસી રહેવાથી કામ પુરુ થાય તેમ નથી. આ વાતને ટકાવી રાખવી હોય અને આ કામને વેગ આપવો હોય તો સંતના સંપર્કમા રહીને તેની પરમાત્માના ઘરની શુદ્ધ વાણી સાંભળવાની જરૂર પડે છે. જો આ વાણી સાંભળવાની ટેવ પડશે તો સત્ય ધારા ટકી રહેશે અને ભક્તિનો માર્ગ સરળ થઈ પડશે. સંતોના સંપર્કમા રહ્યા પછી કાયમને માટે તેની વાણી સાંભળવાથી કંઈ વળે તેવું નથી પણ તેના એક એક શબ્દોને જો તોળી તોળીને તેનો મર્મ સમજવાની કોશિશ કરવામાં આવશે તો જ તેની વાત સરળ રીતે સમજાય જશે અને આ વાત તમારા ઘટ ભીતરમા ઉતરી જતા આપો આપ પરિવર્તન આવી જશે. ફક્ત વાતો સાંભળી બેસી રહેવાની જરૂર નથી પણ તેને વાણીગોળીને સમજવી ખાસ જરૂરી છે. આ શબ્દને જો ઘોળી ઘોળી એટલે કે વાણીગોળી વાણીગોળીને ઘટ ભીતરમા ઉતારવામા આવશે તો જ પરમાત્માના ઘરની વાત સમજાય તેમ છે.
(૪) ગુરુ કરીને ગુરુ ચરણમા રહેજો, વેણે શબ્દને તોળી,
દાસ સતાર ગુરુ પ્રતાપે, વાગે જ્ઞાનની ગોળી.
દાસ સતાર તેના ભજનની ચોથી કડી દ્વારા સમજાવતા કહે છે કે જો પરમ તત્વની ઓળખાણ કે ખોજ કરવી હોય તો આ વાતના જાણકાર બ્રહ્મજ્ઞાની ગુરુ મળી જાય તો તે પરમાત્માના ઘરની વાત સરળ રીતે સમજાવી શકે છે કારણ કે તેઓ આ વાતના જાણકાર અને અનુભવી છે અને તેઓ પણ આ રાહે ચાલીને પરમાત્માની નજીક પહોંચી ને પરમાત્માનો દેશ જોઈ લીધો હોવાથી આ રાહના જાણકાર છે. આપણા તમામ સંતોએ ગુરુના ચરણે જવાની ભલામણ કરી છે અને તમામ ગુરુના ચરણે ગયા બાદ જ પરમાત્માની પરમ કરી શક્યા છે તેથી ગુરુના ચરણે જવું જરૂરી છે. દાસ સતાર કહે છે કે ગુરુનું ચરણ સ્વીકારી લેવાથી કામ થઈ જાય છે તેવું નથી. જો બ્રહ્મજ્ઞાની ગુરુ મળી જાય પણ તેના શબ્દોને કે બોધને સમજવાનો કે પાલન કરવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો તમારા ગુરુ પણ તમને સમજાવવામા નિષ્ફળ જાય છે. ગુરુએ આપેલા બોધના એક એક શબ્દોને તોળી તોળીને એટલે કે સમજ લેવામાં નહીં આવે ત્યાં સુધી તેના શબ્દો ગમે તેટલા કિંમતી હોવા છતાં તમારા ઘટ ભીતરમા કોઈ જાતની અસર પેદા કરી શકશે નહીં તેમા શિષ્યોનો જ વાંક ગણાય છે. ગુરુના બોધનું પાલન ન કરે અને ફક્ત વાતો જ સાંભળ્યા કરે તો અગમ જ્ઞાનની વાત સમજાતી નથી. આ ભૂલ શિષ્યની છે તેમ છતાં ઘણા ભક્તો એવી વાતો કરતા હોય છે કે અમે તો ગુરુ કર્યા પણ તેમાં કંઈ દેખાણું નહીં તેવી વાતો કરીને દોષનો ટોપલો ગુરુ ઉપર ઢોળીને પોતે છટકી જવાનો પ્રયત્ન કરતા હોય છે. દાસ સતાર તેના ગુરુની કૃપાથી વાત સમજાવતા કહે છે કે, હું જે કંઈ પરમાત્મા કે ખુદાના ઘરની વાત કરું છું તે વાત મેં મારા ગુરુ પાસેથી સાંભળી છે અને તેનો પુરો અનુભવ કરી લીધા બાદ જ આ વાત મને પણ સમજાણી છે. આ ગુરુગમની વાતની ગોળી મારા ઘટ ભીતરમા લાગી જતા મારું હૃદય વિશાળ જતા અજ્ઞાન રૂપી વાદળો બહાર નીકળી જતા મારા ગુરુની કૃપાથી મારા ઘટ ભીતરમા જ્ઞાનરૂપી જ્યોતિ પ્રગટી જતા હું પરમાત્માની નજીક પહોંચી શક્યો છું તેમ મારી કમાણી કોઈ છે પણ મારા ગુરુની કૃપા જ કામ કરી ગઈ છે.
દાસ સતારશાને સલામ
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
