દાદા મેકરણ

દાદા મેકરણની ટૂંકી જીવનગાથા

દાદામેકરણ (ગુરુ ગાંગોજી કાપડી)

દાદામેકરણનો જન્મ કચ્છના નાની ખોંભડી ગામે સંવત ૧૭૨૩ (ઈ.સ. ૧૬૬૬) મા ભાટી રજપૂત હરધોળજીને ત્યાં માતા પબાંબાઈની કુખે આસો સુદ ૧૦ વિજયા દશમીને સોમવારે સવારના સવાત નવના શુભ ચોઘડિયે થયો હતો. દાદા મેકરણના પિતા હરધોળજી સાધુ સંતોની સગવડ માટે નવું મકાન બાંધવા માટેના પાયા ગળાવતા હતા તે સમયે સાધુના કપડા જમીન માંથી મળ્યા હતા. આ કપડા વિશે એવું જાણવા મળે છે કે જ્યારે રામ અને લક્ષ્મણ હીંગળાજ માતાના દર્શન કરવા ગયા હતા તે સમયે આ કપડા તેઓએ ધારણ કરેલ હતા કારણ કે આ મંદિરમાં દર્શન કરવા જવું હોય તો સાધુના ભેખ સિવાય જઈ શકાતું ન હતું તેથી આ ભેખ ધારણ કરેલ હતો. દર્શન કર્યા બાદ રામે પોતાનો ભેખ એક માણસને આપેલો તે સમયથી કાપડી વંશ શરૂ થયો હતો અને લક્ષ્મણે તેના કપડા જમીનમાં ભંડારી દીધા હતા તે કપડા મળ્યા હતા.

જ્યારે ખોદાણ કામ કરતા હતા તે મજૂરોને આ કપડા મળતા હરધોળજીને જાણ કરવામાં આવી અને આ કપડા સાધુના હોવાથી માતાજીના મંદિરે મૂકી દેવામાં આવ્યા હતા. દાદામેકરણની ઉમર આ સમયે દશ વર્ષની હતી અને જ્યારે તેઓ તેની માતા સાથે મંદિરે દર્શન કરવા ગયેલા તે સમયે તેમને આ કપડામાં ભાવ જાગતા તેઓ રાત્રીના સમયે ઘર છોડી આ ભેખ ધારણ કરી ગાંગોજી કાપડી પાસે આવીને દીક્ષા ગ્રહણ કરી હતી અને દીક્ષા ગ્રહણ કર્યા બાદ જૂનાગઢ તરફ જવા રવાના થયા. આ સમયે પરબ વાવડીનો ધૂણો સુનો હતો તેથી તેમણે આ ધૂણાને ફરીવાર પ્રગટાવ્યો હતો. દાદામેકરણના ગુરુ ગાંગોજી કાપડીએ ૬૩ વર્ષની ઉમરે સંવત ૧૭૮૬ (ઈ.સ. ૧૭૩૦) મા સમાધિ લીધી હતી. દાદામેકરણે જ્યારે ધૂણો પ્રગટાવ્યો તે સમયે ગુરુ દત્તાત્રેયની હૈયાતી હતી તેથી ગુરુ દત્તાત્રેયે તેમને પોતાના વતનમાં જઈ લોકોની સેવા કરવા આદેશ કર્યો હતો અને કાવડ અને લાલિયો ઘોડો ભેટ આપ્યો હતો તે હાલ પરબ વાવડીમાં જોવા મળે છે.

દાદામેકરણ કચ્છમાં આવેલા ધ્રંગ નામના ગામમાં સંવત ૧૭૮૬ (ઈ.સ. ૧૭૩૦) મા આસોવદ કાળીચૌદશને દિવસે અગિયાર ભક્તો સાથે જીવતા સમાધિ લીધી હતી જે આ મુજબ છે. (૧) માતાજી લીરબાઈ આહીર (૨) ગીરનારી મહાત્મા મૈયાગીરી (૩) ધ્રંગના લીલાર ખેગરાજના માતુશ્રી પ્રેમાબા (૪) લોડાઈનો આહી વીઘો (૫) લોડાઈનો સુથાર કયડ (૬) બૈયાના મેકોજી ઠાકોર (૭) નાગલપરના કડીયા કાનજીકુંભાર (૮) ભુજના બ્રાહ્મણ પ્રેમજી જોષી (૯) લીરફના જાડા ખીયરાજ ઠાકોર (૧૦) રાપર રવીભાણ સંપ્રદાયના સુંદરદાસજી (૧૧) વાગડ વિજયાસરના રામદેવપીરા (૧૨) દાદામેકરણ અને પાછળથી લાલિયો ગધેડો, મોતિયો કૂતરો, લોડાઈના હીરો હરિજન.

આ સમયે અન્ય મત મુજબ સંવત ૧૭૮૬ ચૈત્ર વદી ૧૪ ને શનિવારે તા. ૧/૦૪/૧૭૩૦ મા એક જ દિવસે જુદા જુદા ગામોમાં એકતાલીસ જણાએ સમાધિ લીધી હતી જેમાં વીછીયાન ૫, રાપરના ૨, ખોંભરાના ૨, આડેસરના ૭, વીછીયા સિંધના પારકરા અને મેઘવાળ ૨, પરબવાવડીમાં ૧૨, તેમ કુલ મળી ૪૨ જણાએ સમાધિ એક જ સમયે અને એક જ દિવસે લીધી હતી. કચ્છમાં આવેલ ધ્રંગ નામના ગામમાં દાદામેકરણની સમાધિ સ્થળ આવેલ છે અને અનેક લોકો આ સ્થળે જઈ દાદામેકરણના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દાદામેકરણે દત્તભગવાને આપેલ ધોકો અને હીંગળાજ માતાએ આપેલ ત્રિશૂળ હાલ પરબ વાવડી સ્થળે જોવા મળે છે અને પરબ વાવડી પણ મોટું ધાર્મિક સ્થળ તરીકે ખ્યાતિ પામ્યું છે.

પરબવાવડી ગામ વિશે એવું જાણવા મળે છે કે આ સ્થળે ધૂણો સરભંગ ઋષિએ પ્રગટાવ્યો હતો અને રામ લક્ષ્મણ સીતાની શોધમાં નીકળેલા તે સમયે આ સરભંગ ઋષિના આશ્રમે આવેલા અને આ ઋષિનો અંત સમય આવી જતા તેમનો રામના હાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો તેવું જાણવા મળે છે. આ ધૂણો ફરીવાર દાદામેકરણે પ્રગટાવેલો તે સમયે ગુરુ દત્તાત્રેયની હૈયાતી હતી અને થોડો સમય દાદામેકરણ રોકાયા બાદ તેના આદેશથી દાદામેકરણ પોતાના વતન કચ્છ ભુજમાં આવી લોકોની સેવા પાણી પીવડાવીને કરતા હતા. દાદામેકરણે પાળેલો મોતિયો કૂતરો અને ભેટ મળેલો લાલિયો ગધેડો તેને તેના કામમાં મદદ કરતા હતા. કચ્છના ધ્રંગ ગામમાં હાલ દાદામેકરણની સમાધિ આવેલી છે. આ સ્થળે અનેક લોકો તેની સમાધિના દર્શન કરવા આવે છે. દાદામેકરણે ઘણી આગમવાણીઓ કરીને આગળના સંકેતો લોકોને આપવાનો પ્રયત્ન કરેલ છે. આ વાતને લઈ તેમજ તેમની સેવાને ધ્યાનમાં રાખી આ સંસારના લોકો તેમના હૈયાતી ન હોવા છતાં હાલ તેમને યાદ કરી રહ્યા છે અને તેની સમાધિના દર્શન કરી આનંદ માણી રહ્યા છે.

દાદામેકરણનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿