📖 દાદા મેકરણના ભજનોનું વિવરણ
(૧) મારી મેના રે બોલે, ગઢને કાંગરે.
(૧) મારી મેના રે બોલે, ગઢને કાંગરે રે,
દેહના કુંડા રે દીલાસા રે, મારી મેના. — મારી
(૨) ધરતી રે ખેડવું સારા શહેરની રે,
હીરલા છે રે ધરતીની માયા મારી મેના. — મારી
(૩) એવો વનમા ચરે રે, એક મૃગલો રે,
કસ્તુરી છે રે મૃગલાની માય રે, મારી મેના. — મારી
(૪) એવી ચીપુ રે સમદરિયામાં નીપજે રે,
જી રે મોતીડા છે રે ચીપલાની માય મારી મેના. — મારી
(૫) એવા મેના અને મેકરણ બંને એક છે રે,
તેણે તમે જુદા નવ જાણો રે, મારી મેના. — મારી
ભજનનું વિવરણ
(૧) મારી મેના રે બોલે, ગઢને કાંગરે રે,
દેહના કુંડા રે દીલાસા રે, મારી મેના. — મારી
દાદા મેકરણ તેના ભજનની પ્રથમ કડી દ્વારા સમજાવતા કહે છે કે, મારી મેના ગઢના કાંગરે બેસીને બોલી રહી છે. દાદા મેકરણ એવું કહેવા માંગે છે કે મારા ઘટ ભીતર માથી જે અવાજ કે શબ્દ બહાર નીકળી રહ્યો છે તે આત્માની વાણી કે આત્માનો શબ્દ હોવાથી તે મીઠો મધુરો લાગે છે. મેના જે બોલે છે તે પણ મીઠું મધુરું બોલતી હોવાથી પોતાની વાણીની સાથે મેનાની સરખામણી કરવામાં આવી છે. દાદા મેકરણ આગળ સમજાવતા કહે છે કે મેના ગઢના કાંગરેથી બોલી રહી છે તો દેહ છે તેને ગઢ કહેવામા આવે છે અને આ ગઢમા મેના રૂપી શબ્દ રહેલો છે તે શબ્દ હું મારી વાણી રૂપે બહાર કાઢી રહ્યો છું તેવી વાત કરી છે. દાદા મેકરણ કહે છે કે આ ગઢની એક બારી જેને મુખ કમળ કહેવામા આવે છે અને તે ગઢનો જ એક ભાગ હોવાથી તેના કાંગરા રૂપી હોઠ તેને મદદ કરી રહ્યા છે. જો હોઠ સલામત ન હોય તો મુખ માથી શબ્દવ્યવસ્થિત બહાર કાઢી શકતો નથી અને જો શબ્દ નીકળે તો તેને સારી રીતે સાંભળી પણ શકાતો નથી. દેહને સંતોએ કાયા ગઢ કહ્યો છે અને હોઠ છે તે તેના કાંગરા છે અને વાણી છે તે મેના છે. દાદા મેકરણ કહે છે કે, મારી મેના એટલે કે મારી વાણી હું જાહેર કરી રહ્યો છું તેમા હું શું કહેવા માંગું છું તે તમે શાંતિથી સાંભળો.
(૨) ધરતી રે ખેડવું સારા શહેરની રે,
હીરલા છે રે ધરતીની માયા મારી મેના. — મારી
દાદા મેકરણ તેના ભજનની બીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, ધરતી મંગાવી કે ખેડવું સારા શહેરની. દાદા મેકરણને જમીન સાથે કોઈ લેવા દેવા નથી અને તેને ખેતીને ખેતી કરવાની વાત પણ નથી પણ જમીનના આધારે પોતે ગઢ રહસ્ય જાહેર કરવા માંગતા હોય તેથી તેમા ધરતીને મહત્વ આપ્યું છે. દાદા મેકરણ આ ધરતીની વાત જુદી રીતે સમજાવતા કહે છે કે, દાદા મેકરણ કહે છે કે ધરતી કોને કહેવાય ? અને આ ધરતીને ખેડવાની શા માટે જરૂર છે. આપણા ઘણા સંતોએ કહ્યું છે કે આપણો દેહ અથવા કાયા સવાશેર માટીની છે. આ સવાશેર માટીના દેહને ખેડવો તો કઈ રીતે ખેડવો. જમીન નબળી હોય અને તેને ખેતીના કામ માટે લેવી હોય તો પ્રથમ તો તેને ખેડીને વાવને લાયક બનાવીને પછી જ તેમા વાવેતર કરવામાં આવે તો પાક સારો આવે છે. જો આવી કોઈ કામગીરી કરવામાં ન આવે તો તેમા રહેલા ઝાંખા ઝાંખરા બીજને સારી રીતે બહાર આવતા અટકાવે છે અને તેને નુકશાન કરતા હોવાથી તે સારી રીતે ફાલશે નહીં અને પાક ઓછો આવશે. તમામ દેહમા આત્મા રહેલો છે અને તેની શક્તિથી આ દેહ ટકી રહ્યો છે. દેહ પાંચ તત્વોનો બનેલો હોવાથી પ્રથમ તો આપણે આ પાંચ તત્વોને જાણી લેવાની જરૂર છે. આ પાંચ તત્વો ઉપરાંત તેના પાંચ પ્રાણ કયા સ્થળે આવેલા છે અને તેની કામગીરી શું છે તે વાત પણ જાણી લેવી જોઈએ. આપણા સંતો કહી ગયા છે કે પાંચ તત્વોની પરખ કરો અને પાંચ પ્રાણ એક ઘેર લાવશો તો જ પરમાત્માના ઘરની વાત સમજ શકાય તેવી છે.
દાદા મેકરણ કહે છે કે આ દેહને સ્થૂલદેહ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સ્થૂલદેહ તે દેહની ઇન્દ્રિયોનું એક કવચ છે. આ ઉપરાંત બાકીના ત્રણ દેહો છે જેવા કે, સૂક્ષ્મદેહ, કારણદેહ અને મહાકારણ દેહ. આ ચાર દેહોની પણ ચાર અવસ્થાઓ છે તે પણ જાણી લેવી જરૂરી છે તેને દેહ ખેડ્યો અથવા મનોમંથન કરીને દેહની અંદર રહેલી તમામ વસ્તુઓની જાણકારી મેળવી લીધી તેવું કહેવામા આવે છે. દેહમાં રહેલી પાંચ કર્મઇન્દ્રિયો, પાંચ જ્ઞાન ઇન્દ્રિયો, મન, સુરતા અને નવદ્વારવાળો તેમજ મોહ માયા અભિમાન તેમજ ત્યાગ શું છે અને આત્માને ઓળખવા માટે પ્રથમ આ તમામની ઓળખાણ કરવાની શા માટે જરૂર પડે છે તે જાણી લેવું જરૂરી છે. જો આ તમામની જાણકારી હશે તો જ ઘટ ભીતરમાં રહેલી આત્મશક્તિ જે હીરલા જેવી કિંમતી વસ્તુ શું છે અને કયા છે ? તેનો ખ્યાલ આવી જશે તો જ આત્માની ઓળખાણ થઈ શકશે. દેહને ખેડવાની રીત કે દેહને જાગૃત કરવાની રીત ગુરુ પાસે છે તેથી તે સમજાવી આપશે તો તેમા રહેલા હીરલા સમાન આત્માને ઓળખી શકશો તેવું સમજાવવા માંગે છે.
(૩) એવો વનમા ચરે રે, એક મૃગલો રે,
કસ્તુરી છે રે મૃગલાની માય રે, મારી મેના.
દાદા મેકરણ તેના ભજનની ત્રીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે વનમા એક મૃગલો ચારો ચરે છે. મૃગલાને ઉદ્દેશીને દાદા મેકરણ સમજાવતા કહે છે કે હું ભલે તમને મૃગલાનું નામ લઈને તમને ભજન સંભળાવું પણ ખરેખર જે અસલ મૃગલો જે વનમા ચરે છે તેની વાત કરતો નથી. આપણા ઘટ ભીતરમા રહેલો દેહ ભાવ છે તે મૃગલાની માફક સુખ શોધવા માટે સંસાર રૂપી વનમા આમ તેમ આટા ફેરા મારી રહ્યો છે. સાચું સુખ આપણા ઘટ ભીતરમા છે તેની જાણકારી દેહ ભાવને લીધે થતી નથી. આપણો જીવાત્મા આનંદ રૂપી સુખને શોધી રહ્યો છે. આનંદ ત્રણ પ્રકારના છે જેવા કે (૧) બ્રહ્માનંદ (૨) વિષયાનંદ (૩) સ્વરૂપાનંદ. પ્રથમ જીવ જ્યારે દેહ ધારણમા હોય છે તે સમયે તે વિષયાનંદ માથી પોતાનો આનંદ મેળવ છે અને તેમા મોહ મજા પણ છે. આ આનંદ કોઈ પણ વિષયને લીધે મળતો હોય છે. દા.ત. આપણા ઘેર દીકરા દીકરીના લગ્ન હોય તે સમયે આપણે તેમાં આનંદ લીએ છીએ. જ્યારે કોઈ કુંટુંબમા કુંવર રૂપી દીકરાનો જન્મ થાય છે એક બે વર્ષમા તો અલગ રહેવા માટે તે સમયે આ વાત આપણને ગમતી ન હોવાથી આ આનંદ નાશ પામે છે. કારણ કે આ આનંદ છે તે વિષય પૂરતો જ મર્યાદિત છે અને કાયમી નથી તેમ છતાં આપણા દેહભાવને લીધે તેમજ અજ્ઞાનને લીધે આ આનંદ કાયમી રહેશે તેવું માની લીધું છે.
જ્યારે કોઈ માણસ સંસારમા રહીને બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરે છે અને તેમા રહીને આ બ્રહ્મની પરમ કરવાની કામે લાગી જાય છે તે સમયે તેમનો સંસાર પરનો ભાવ ધીમે ધીમે ઘટવા લાગે છે અને પરમાત્મા તરફનો ભાવ જાગી જાય છે તેથી કાયમને માટે તેમાથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. માણસ જેમ જેમ બ્રહ્મની પરમ કરવાની વાતમા આગળ વધતો જાય છે તેમ તેમ તે પરમાત્માની નજીક પહોંચી જવાથી સંસારના વ્યવહારો તેને ગમતા નથી અને જીવ પોતાનો દેહ ભાવ ત્યાગીને જીવ ભાવમા આવી જાય છે તે સમયે દેહ ઉપરનો મોહ ઘટવા લાગે છે. જ્યારે માણસ ભક્તિમા પૂરો પુરુષ થઈ જાય છે અને પરમાત્માને ઓળખી જાય છે તે સમયે તેને પોતાનું સ્વરૂપનું ભાન થઈ જવાથી તેને આનંદનો કોઈ પાર રહેતો નથી. આપણા સંતો પણ કહી ગયા છે કે ભક્તિ પોતાની નીજ સ્વરૂપનું ભાન કરવા માટેનો જ એક રાહ છે અને જ્યારે નીજ સ્વરૂપ ઓળખાય જાય છે તે સમયે આપણા અનુભવના આધારે આપણે પરમાત્મા મળી ગયા છે તેવી અનુભૂતિ થવા લાગે છે તે સમયે પરમાત્મા મળી ગયા છે તેવો અહેસાસ થવા લાગે છે અને સાચો આનંદ મળી જાય છે પછી કહેવાપણું કે કરવાનું કશું રહેતું નથી. મૃગલાની અંદર કસ્તુરી છે તેથી તેની સુવાસ તેમાથી આવે છે પરંતુ તેના અજ્ઞાનને લીધે બીજા કોઈ સ્થળેથી સુવાસ આવે છે તેવું સમજી બહાર આટા ફેરા મારે છે. જ્યારે મૃગલો મરણ પામવાની પળોમા દાખલ થાય છે તે સમયે તેનું મુખ તેની નાભીની તરફ વળી જવાથી તેને કસ્તુરીનો ખ્યાલ આવી જાય છે. આવી રીતે મનુષ્ય જ્યાં સુધી બ્રહ્મનો રાહ ન પકડે ત્યાં સુધી આત્મ જ્ઞાન થતું નથી અને આત્મ જ્ઞાન થઈ ગયા બાદ આત્માની પરમ કરવામા વાર લાગતી નથી.
(૪) એવી ચીપુ રે સમદરિયામાં નીપજે રે,
જી રે મોતીડા છે રે ચીપલાની માય મારી મેના.
દાદા મેકરણ તેના ભજનની ચોથી કડી દ્વારા સમજાવતા કહે છે કે ચીપુની ઉત્પત્તિ સાગરમા થાય છે તેમા જો સ્વાતિ નક્ષત્રના વરસાદનું પાણી પડી જાય તો તેમા મોતી નીપજે છે. આ ચીપલા કાયમને માટે સાગરમા રહેવા છતાં આ પાણીની અસર તેને થતી નથી. આ સંસારમા પણ આપણે સાંસારિક વ્યવહારો કરવામા પોતાનો સમય પસાર કરીએ છીએ પણ પોતાની જાતને સમજવાની કોશિશ કરતા નથી. ત્રણ પ્રકારના જીવલાભ છે. (૧) જળમાંથી ખોટા મોતી પાકે છે. (૨) દેહમાથી તે તમામ જાણ છે પણ પોતાનો જાણવાનો ભાવ જાગતો નથી તેથી આપણે આપણી અંદર રહેલા આત્માને ઓળખી શકતા નથી. ચીપલું એક વખત સ્વાતિ નક્ષત્રનું પાણી પીવે અને તેમાથી એક મોતી પાકે છે તે કદીયા મોતી કહેવાય છે તે લાંબો સમય ટકી શકતા નથી. પરમાત્મા તરફનો ભાવ જાગે તેને આત્મ ભાવ કે પરમાત્મા તરફનો ભાવ કહેવાય છે તેમા જે કઈ પ્રાપ્ત થાય છે તેને સાચા મોતી કહેવામા આવે છે કારણ કે પોતાની જાતની ઓળખાણ થઈ જવાથી પછી કંઈ કરવાનું કે કહેવવાનું રહેતું નથી.
(૫) એવા મેના અને મેકરણ બંને એક છે રે,
તેણે તમે જુદા નવ જાણો રે, મારી મેના.
દાદા મેકરણ તેના ભજનની પાંચમી કડી દ્વારા સમજાવતા કહે છે કે મેના અને મેકરણ બંને એક છે તેથી તેને અલગ છે તેમ સમજને બંને વચ્ચેનાં ભેદ ઉતો કરવાનો પ્રયત્ન કોઈ કરશો નહીં. દાદા મેકરણ કહે છે કે મેના એટલે વાણી જે પરમાત્માના ઘરની વાત છે તે વાણી અને મારા ગુરુએ જે મને બોધ આપીને વાત સમજાવી છે તે વાત બંને એક જ છે કારણ કે મારા મુખ માથી બહાર નીકળતી વાણી પરમાત્માના ઘરની વાત કે વાણી હોવાથી તે મીઠી અને મધુરી લાગે છે. મેના જ્યારે બોલે છે તે સમયે તેમનો અવાજ પણ બીજા પક્ષીઓના અવાજ કરતા મધુરો હોય છે. દાદા મેકરણ કહે છે કે મારી વાણી અને મેના એટલે પરમાત્માના ઘરની વાણી સરખી છે. આપણા સંતોએ આ બાબતે પણ પ્રમાણ પુરુ પાડ્યું છે કે બોલે તે બીજો નથી પરમાત્મા પોતે જ છે. વાણી જે બોલે છે તે પરમાત્મા રૂપ છે અને આ વાણીનો ઉચ્ચાર માણસ જ કરે છે. દાદા મેકરણ કહે છે કે મારા મુખ માથી પરમાત્માની વાત નીકળે છે તે માનવ વાણી કહેવાય અને જે માણસ ફરતું ફરતું બોલે છે તેને માનવી કહેવામા આવે છે તેથી તેની વાતમા મધુરતા હોતી નથી અને વિશ્વાસ પણ કરી શકાતો નથી.
દાદા મેકરણનો જય
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
