જોધલપીર

જોધલપીરની ટૂંકી જીવનગાથા

જોધલપીર (ગુરુ રૂપદાસ)

જોધલપીરના વડવાઓ મહેસાણા જિલ્લાના માથાસુળ નામના ગામમાં વસવાટ કરતા હતા. જોધલપીરનો જન્મ મેઘવાળ (વણકર) સમાજમાં ધોળકા તાલુકાના કેશરડી ગામે થયો હતો કારણ કે જોધલપીરના પિતા કુટુંબીક કોઈ પણ કારણથી ધોળકા તાલુકાના કેશરડી ગામે પોતાના કુટુંબ સાથે રહેવા આવી ગયા હતા. આ કેશરડી ગામનો વિસ્તાર નળસરોવર વિસ્તાર તરીકે જાણીતો છે. જોધલપીરના પિતાનું નામ દેવરામ મકવાણા હતું અને તેમની માતાનું નામ નીરૂમા હતું. જોધલપીરનો જન્મ તેમની માતા નીરૂમાની કૂખે સંવત ૧૩૧૭ (ઈ.સ. ૧૨૪૦)માં થયો હતો. દેવરામ મકવાણાને બે પુત્રો હતા, જેમાં મોટા પુત્રનું નામ જીવાભાઈ અને નાના પુત્રનું નામ જોધો રાખવામાં આવ્યું હતું.

કેશરડી ગામે જોધલપીરના પિતા દેવરામ મકવાણા કાપડ વણવાનો ધંધો કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા હતા. દેવરામ મકવાણાના મોટા પુત્ર જીવાભાઈ અંધશ્રદ્ધામાં માનતા હતા અને તેઓ તેમની કુળદેવીના ભુવા પણ હતા. જીવાભાઈએ પોતાની માતાજીના મઢમાં એકસો તેર દેવીઓના ફળા મઢમાં રાખીને તેમની સેવાપૂજા કરતા હતા. જીવાભાઈ મકવાણાએ માતાજીના મઢ માટે એક અલગ રૂમનું બાંધકામ કરીને માતાજીની સેવાપૂજા કરવાની તમામ સાધનસામગ્રી તથા માતાજીના ફળા રાખ્યા હતા. જોધલપીર પોતાના મોટા ભાઈની અંધશ્રદ્ધા દૂર કરવા માટે સતત પ્રયત્નો કરતા હોવાથી માતાજીના ફળા સળગાવી દીધા હતા. મોટા ભાઈને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા અને પોતાના સમાજના લોકોમાંથી પણ અંધશ્રદ્ધાનો નાશ કર્યો હતો.

ધોળકા શહેરનું શાસન ચલાવતા એક મીરખા બાદશાહ રહેતા હતા. આ સમયે તેમના હાથમાં બાર ગામોનું શાસન હતું અને આ બાર ગામો ઉપર શાસન ચલાવતા હતા. મીરખા બાદશાહને તેના કર્મના ભોગે કીડીયું પાઠું (કીડી જેવા જંતુવાળું) નામનો રોગ લાગુ પડી ગયો હતો. મીરખા બાદશાહના કીડીયા પાઠા ઉપર બકરાના તાજા કલેજાનો ટુકડો બાંધવાની સલાહ કોઈ હાકેમે આપેલી હોવાથી રોજ બકરા મંગાવી તેમની કતલ કરાવી અને તેમના કલેજાનો તાજો ટુકડો આ પાઠા ઉપર બાંધતા હતા.

આજુબાજુનાં ગામોમાંથી બકરાની સંખ્યા ઘટી જતાં મીરખા બાદશાહનો એક માણસ કેશરડી ગામે બકરી લેવા જોધલપીરના કેશરડી ગામે આવ્યો. આ બકરી મૂકવા જોધલપીર ધોળકા ગામે ગયા તે વખતે તેમને આ વાતની જાણ થતાં બકરીની કતલ કરવાની ના પાડી. જે માણસ જોધલપીરને સાથે લઈને આવ્યો હતો તેણે જોધલપીરના અનેક પરચા જોયા હોવાથી રાજાને કાને વાત નાખી કહ્યું કે બકરીની કતલ કરવાની ભલે ના પાડે, પણ આ માણસ ચમત્કારી છે તેથી તમારું પાઠું તે મટાડી દેશે, તેથી તેને વિનંતી કરો.

જોધલપીરને રાજાની કચેરીમાં બોલાવવામાં આવ્યા અને જોધલપીરે કર્મની વાત સમજાવી અને પાપ ન કરવાનો ઉપદેશ આપી તેના પાઠા ઉપર હાથ ફેરવતાં આ પાઠું મટી ગયું હતું. મીરખા બાદશાહનું દુઃખ દૂર થઈ જતાં મંદિર બંધાવી આપ્યું અને બાર વીધા જમીન દાનમાં આપી હતી. જોધલપીરે ભાયલા ગામે વસતા બે અંધ બ્રાહ્મણને દેખતા કર્યા હતા.

જોધલપીરની ઉંમર પરણવાને લાયક થઈ જતાં તેમના લગ્ન બાવળી ગામના એક કુટુંબની કન્યા સાથે સંવત ૧૩૩૫, શ્રાવણ સુદ ૨ ને સોમવારે કરવામાં આવ્યા હતા. આ કન્યાનું નામ ભાનુમતી હતું. જોધલપીરની પત્ની ભાનુમતીએ પ્રથમ એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ હરખાબાવા રાખવામાં આવ્યું હતું. જોધલપીરના બીજા પુત્રનું નામ હીરાભાઈ હતું.

હરખાબાવા જોધલપીરની આગળ એકવાર ખોટું બોલતાં તેમને શ્રાપ આપીને કહ્યું કે, “તારો વંશ વેલો રહેશે નહીં.” હીરાભાઈએ પિતાને વિનંતી કરીને આવો અધરો શ્રાપ ન આપવા વિનંતી કરતાં જોધલપીરે કહ્યું કે, “તારે આ ગામમાં રહેવાનું નથી અને તારા વંશમાં એકાવન લોકો રહેશે અને જો બીજો જન્મશે તો તેમાથી એક મરી જશે.”

જોધલપીરે રૂપદાસ નામના એક સાધુ પાસેથી દીક્ષા લીધી હતી. જોધલપીરે દશ વર્ષની ઉંમરે ગુરુ કર્યા ન હતા તે સમયે પણ પરચા આપવાનું શરૂ કરી દીધું હતું. જોધલપીર હિન્દુ-મુસ્લિમને સાથે બેસાડી ધર્મનો રાહ બતાવતા અને જાતિભેદનો નાશ કર્યો હતો. જોધલપીરે એક રૂપદાસ નામના સાધુ પાસેથી દીક્ષા લીધી હતી. જોધલપીરે હિન્દુ-મુસ્લિમને સાથે બેસાડીને ધર્મનો રાહ બતાવતા જાતિભેદનો નાશ કરવાનો પણ સારો પ્રયત્ન કરેલો છે.

જોધલપીરનો જન્મ સંવત ૧૩૧૭માં થયો હતો અને ૪૯ વર્ષનો જીવનસમય પૂરો કરીને સંવત ૧૩૮૫માં સમાધિ લીધી હતી. હાલના સમયમાં નવરાત્રીના નવમે નોરતે ગેબીનાદ સંભળાય છે તેવી વાત જાણવા મળી છે અને મંદિરના એક ખૂણાના ભાગે પગ મારવામાં આવે તો નગારાનો અવાજ સંભળાય છે તેવું જાણવા મળે છે, કારણ કે આ નગારું જોધલપીરને ભેટ આપેલ તેને દાટી દેવામાં આવેલ છે.

જોધલપીરનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿