જીવણનાથ ટૂંકી જીવનગાથા
જીવણનાથ (ગુરુ આનંદીનાથ)
જીવણનાથની ટૂંકી જીવન ગાથા.
જીવણનાથજી નાથ સંપ્રદાયના મેધવાળ નાથપંથી યોગીઓમાં દીક્ષા ધારણ કરનાર પ્રથમ યોગી હતા. જીવણનાથ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સોનગઢ તાલુકાના ટોડા નામના ગામમાં વિ.સં. ૧૯૦૨ના ચૈત્ર માસની ૧૧ને શનિવારના ચાર વાગ્યે મેધવાળ સમાજમાં તેમનો જન્મ થયો હતો. જીવણનાથના પિતાનું નામ માલજીભાઈ તથા માતાનું નામ મીણાબાઈ હતું. જીવણનાથની અટક વાધેલા હતી. માલજીભાઈ વાધેલાને વારસામાં ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ હતી. માલજીભાઈના મોટા પુત્રનું નામ ત્રિકમભાઈ અને બાકીના રાણાભાઈ, પ્રેમીબહેન, હીરુંબહેન, મુળીબહેન અને જીવણ હતું. જીવણનાથ તેમના તમામ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. માલજીભાઈ વાધેલા ખેતી કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. માલજીભાઈ અને મીણાબહેન ધાર્મિક વૃત્તિવાળા હોવાથી તેમના ઘરે અનેકવાર સાધુ-સંતો આવતા હતા, તો તેમને જમાડીને તેમની સાથે સત્સંગ કરીને રાત્રીનો સમય પસાર કરતા. આ ધાર્મિક સ્વભાવવાળા પરિવારમાં જીવણનાથનો જન્મ થયો હોવાથી બાળપણથી તેમનામાં સંસ્કારો અને ધાર્મિક વૃત્તિ પાંગરી હતી.
નેપાળમાં મત્સ્યેન્દ્રનાથના શિષ્ય ગોરખનાથનું મંદિર આવેલું છે. આ મંદિરે જીવણનાથ આવીને રોકાઈ ગયા. ગોરખનાથના મંદિર ઉપર ગોરખનાથનું નામ લખવામાં આવેલું હતું, પણ જીવણનાથ અભણ હોવાથી કોનું મંદિર છે તેનો તેમને ખ્યાલ આવ્યો ન હતો. આ મંદિરમાં આવેલી મૂર્તિમાં તેમનું ધ્યાન લાગી જતાં તેને નિહાળીને સાધનાના કામે લાગી ગયા.
જીવણનાથે શ્રદ્ધાપૂર્વક પાંચ વર્ષ મૂર્તિની સેવા-પૂજા કરી. જીવણનાથનું ભોળપણ, શ્રદ્ધા અને સેવાથી ગોરખનાથ ખુશ થયા અને દર્શન આપ્યા. ગોરખનાથે આવીને જીવણનાથના માથા ઉપર હાથ મૂકી કાનમાં ગુપ્ત મંત્ર બોલી દીક્ષા આપી. આવી પરિસ્થિતિનું નિર્માણ થતાં પણ જીવણનાથ ગોરખનાથને ઓળખી શક્યા ન હતા, પણ જ્યારે ગોરખનાથે કાનમાં ફૂંક મારી અને જ્ઞાનની જાગૃતિ થતાં તેમને ખ્યાલ આવી ગયો કે ગોરખનાથ છે, પણ ગોરખનાથ ફૂંક મારીને ચાલ્યા ગયા હતા.
જીવણનાથ ગુરુના આદેશથી સાધના કરવા લાગ્યા પછી ગીરનાર આવી ગયા. ગીરનારમાં આવીને જીવણનાથે સાધના શરૂ કરી દીધી અને સિદ્ધિ મેળવી. જીવણનાથ ફરીવાર નેપાળ જવા રવાના થયા અને નેપાળમાં આવતા તેમને તેમના જનોઈ ગુરુ આનંદીનાથનો ભેટો થયો. જીવણનાથે તેમના જનોઈ ગુરુની ગાદી ચાર-પાંચ વર્ષ સંભાળી પછી તેમને પોતાનું વતન યાદ આવતા તેઓ નેપાળમાંથી ગુજરાતમાં આવી ગયા.
જીવણનાથને એક પ્રભાતનાથ નામનો મુખ્ય શિષ્ય હતો. તેમને પોતાની તમામ સિદ્ધિઓ આપીને જીવણનાથ ચાંદોલ ગામે આવી ગયા. આ સ્થળે જૂની ધર્મશાળા વેચાતી રાખી આશ્રમની સ્થાપના કરી. પ્રભાતનાથે તેમના ગુરુ જીવણનાથ પહેલાં સમાધિ લીધી હોવાથી તેમના વિરહમાં તેઓ પોતાનું લાંબું આયુષ્ય ટકાવી શક્યા ન હતા. તેથી છ માસ બાદ તેઓ વિક્રમ સંવત ૨૦૪૨ મહાવદ ૨ ને ગુરુવાર, તારીખ ૨૦/૦૨/૧૯૮૭ના રોજ નર્મદા કિનારે ચાણોદમાં સમાધિ લીધી હતી.
જીવણનાથને લાગુ પડતી વધારે માહિતી ન મળતાં વિસ્તારથી અહીંયા રજૂ કરવામાં આવેલ નથી. જીવણનાથના એક ભજનના આધારે તેઓ કયા ગામના વતની હતા અને તેઓ કઈ જ્ઞાતિના હતા તે જાણવા મળે છે. જીવણનાથે પ્રભાતનાથ સિવાય અનેક શિષ્યોને પ્રમોદીને ભક્તિના રાહે ચાલતા કર્યા છે. જીવણનાથ મેધવાળ સમાજના પ્રથમ નાથ સંપ્રદાયના સંત હતા તેવું જાણવા મળે છે.
મેધવાળ સમાજના ઘણા સંતો નાથ સંપ્રદાયમાં જોડાયેલા છે, પણ તેની માહિતી ન હોવાને લીધે અહીંયા માહિતી રજૂ કરી શકાય તેમ નથી. આઈ ભોળી પણ મેધવાળ સમાજમાં થઈ ગયા છે અને તેમણે પણ ગેબીનાથ ગુરુ-શિષ્ય પરંપરામાં જોડાઈને આપાદાનાને ગુરુ તરીકે સ્વીકારી લીધા હતા. આઈ ભોળીના પતિ મુળાભગતને નાથ પંથમાં પૂરો ભાવ હતો તેથી જ્યારે આઈ ભોળી અને મુળા ભગત છૂટા પડ્યા તે સમયે આઈ ભોળી ચલાળા આપાદાનાના આશ્રમે આવી ગયા અને મુળાભગત જૂનાગઢમાં આવેલ વેલનાથના આશ્રમે સેવા કરવા ચાલ્યા ગયા હતા.
આ બંને પતિ-પત્નીએ એવો કરાર કરી વચન આપેલું કે બેમાંથી જે પહેલા જાય તેમણે જાણ કરવી અને જાણ કર્યા સિવાય જવું નહીં. આ વખતે એવી ઘટના ઘટી કે મુળાભગતનો અંત સમય આવી જતાં આઈ ભોળીને જાણ કર્યા સિવાય સમાધિ લઈ લીધી હતી. આ વાતની જાણ આઈ ભોળીને થતાં તેની સમાધિએ આવી ઠપકો આપતાં મુળાભગતે સમાધિમાંથી એક હાથ બહાર કાઢીને વચન પૂરું કરી એક ફૂલ ભેટ આપ્યું હતું.
જીવણનાથનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
