જાલંધર નાથ ટૂંકી જીવનગાથા
જાલંધરનાથ (ગુરુ ગુરુદત્તાત્રેય)
જાલંધરનાથ તે નવનાથ પૈકીના એક નાથ તરીકે પ્રસિદ્ધ પામ્યા છે. નવનાથમાં જેમ મત્સ્યેન્દ્રનાથનું સ્થાન ઉચ્ચ માનવામાં આવે છે તેમ જાલંધરનાથનું પણ સ્થાન ઉચ્ચ છે. મત્સ્યેન્દ્રનાથ ગુરુ દત્તાત્રેયના શિષ્ય હતા અને જાલંધરનાથના ગુરુ પણ ગુરુ દત્તાત્રેય હતા તેથી તેઓ બંને ગુરુ ભાઈઓ થતા હતા. જાલંધરનાથને અંતરિક્ષ નારાયણનો અવતાર માનવામાં આવે છે તેમજ તેને અગ્નિદેવના પુત્ર તરીકે પણ માનવામાં આવે છે. આ વાત નાથપંથના ગ્રંથો માંથી જાણવા મળે છે. એક દિવસ શિવજી અને ઉમિયાજી ચોપાટ રમતા હતા અને આ રમત લાંબા સમય સુધી ચાલી હતી તેથી તેમાં હારજીતનું નક્કી થઈ શકતું ન હતું. આવી પરિસ્થિતિનું નિર્માણ થતાં શિવજી ગુસ્સે થઈ રમત છોડીને સમાધિમાં લીન થઈ ગયેલા. શિવજી ગુસ્સામાં આવી સમાધિમાં લીન થઈ ગયેલ હોવાથી તેના માથેથી પ્રલય અગ્નિ પ્રગટ થયો અને અગ્નિ આકાશ પાતાળમાં ફેલાવા લાગ્યો હતો. અગ્નિને લીધે માનવ દાનવ દેવ દેવીઓ પશુ પક્ષીઓ ભયભીત થઈ ગયા હતા. આવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થતા દેવો એકઠા થઈને ઉકેલ શોધવાના કામમાં લાગી ગયા અને તમામ દેવોએ નક્કી કરેલ કે જો પાર્વતીજીને મનાવવામાં આવશે તો આ કામ માટે તેઓ મદદ કરશે અને અગ્નિનો અંત આવી જશે. આ સમયે તમામ દેવો પાર્વતી પાસે આવ્યા અને હાથ જોડી વિનંતી કરીને આ કામમાં મદદ કરવાની માંગણી કરી.
પાર્વતીજી પણ ગુસ્સામાં હતા તેથી દેવોની આ વાતમાં ધ્યાન ન આપ્યું તેથી દેવો પોત પોતાના ઘેર ચાલ્યા ગયા. તમામ દેવો અંબાજી પાસે ગયા અને પ્રલય અગ્નિ શાંત કરવા મદદ કરવા વિનંતી કરી. અંબાજીએ પણ પાર્વતીજીને સમજાવવાની કોશિશ કરી પણ તેઓ કામમાં નિષ્ફળ ગયા. આ તમામ દેવો ગંગાજી પાસે ગયા અને શિવજીને રીઝવવાના કામમાં મદદ કરવા વિનંતી કરી. ગંગાજીએ પાર્વતીને મનાવી લીધા. પાર્વતીજીએ અગ્નિ બંધ કરવા શિવજીને રીઝવવા માટે કામદેવ તથા રતિદેવની મદદ લઈ ભીલડીનું રૂપ લીધું. પાર્વતીજી ભીલડીનું રૂપ ધારણ કરીને શિવજી આગળ નૃત્ય શરૂ કરી દીધું. નૃત્યને લીધે શિવજીને સમાધિ ભંગ થતા તેનું ત્રીજું નેત્ર ખુલ્લી ગયું અને આંખ ખોલતા તેમને કામદેવ જોવા મળતા કામદેવને બાળીને ભસ્મ કરી દીધા. આ સમયે શિવજી કામાતુર અવસ્થામાં હોવાથી તેના વિર્યનું સ્ખલન થતા આ બુંદને અગ્નિએ આગળ આવીને ઝીલી લીધું. આ વીર્ય માંથી એક બાળક ઉત્પન્ન થયું હતું. અગ્નિદેવ આ બાળકને લઈને ગીરનાર ગુરુ દત્તાત્રેયની જગ્યામાં આવ્યા. આ બાળકને જોઈને દત્તાત્રેય ખુશ થયા તેથી તેનું નામ જાલંધરનાથ રાખવામાં આવ્યું.
ગુરુદત્તાત્રેય આ બાળકને સ્વીકારી તેને મોટું કરી તમામ શાસ્ત્રો તેમજ પુરાણો અને ચારવેદનું જ્ઞાન સમજાવવામાં આવ્યું અને બ્રહ્મજ્ઞાન આપી બ્રહ્મની ઓળખાણ કરાવી. શિવજીએ મંત્ર તંત્રની તમામ વિદ્યાઓ શીખવીને જાલંધરનાથને મહાન યોગી બનાવી દીધા. જાલંધરનાથે તમામ વિધાન જ્ઞાન મેળવીને તીર્થ યાત્રાએ જવાનું શરૂ કર્યું અને બદ્રિનાથ આવ્યા અને આ સ્થળે ૧૨ વર્ષ સાધના કરી. જાલંધરનાથ યોગ વિદ્યામાં નિપુણ થયેલ હોવાથી લોકોના મનમાં એક મહાન યોગી તરીકે વસી ગયા. જાલંધરનાથે અનેક શિષ્યોને દીક્ષા આપી તેમાં તેના મુખ્ય શિષ્યોમાં મેનાવતી, રાજા ગોપીચંદ, કાલિકાનાથ જેવા શિષ્યોના નામનો સમાવેશ થાય છે. મેનાવતી તેના પુત્ર ગોપીચંદને મહાન યોગી બનાવવા માંગતા હતા તેથી એકવાર જાલંધરનાથ તેના રાજ્યમાં આવ્યા તે સમયે રાત્રીના સમયે તેમની મુલાકાત કરી વાત જાહેર કરી હતી. રાત્રીના સમયે મેનાવતી આવતા જાલંધરનાથે તેમને ઠપકો પણ આપ્યો હતો. મેનાવતીએ જાલંધરનાથને ગુરુ તરીકે સ્વીકારી લીધા હતા અને રોજ રાત્રીના સમયે તેની દાસી સાથે જાલંધરનાથની ઝૂંપડીએ આવતા હતા કારણ કે તેઓ વિધવા હોવાથી દિવસના સમયે ઘર બહાર નીકળી શકતા ન હતા. મેનાવતી રોજ સાધુને મળવા જાય છે તે વાત ગોપીચંદરાજાને તેની પત્નીએ કરતા જાલંધરનાથને ખાડો ખોદી તેમાં ફેંકાવી દીધા હતા. ગોરખનાથ તેના ગુરુ મત્સ્યેન્દ્રનાથની શોધ કરવા નીકળેલા અને આ સમયે આ રાજ્યની ધરતી ઉપર આવતા જમીન માંથી જાલંધરનાથનો અવાજ આવ્યો અને પોતાના શિષ્યને તેને બચાવી લેવા ભલામણ કરી અને ગોરખનાથને પણ સાથે આવવા કહ્યું હતું. જાલંધરનાથને ખાડા માંથી બહાર કાઢ્યા અને ગોપીચંદ તેની પાસેથી દીક્ષા ગ્રહણ કરી પોતાની પત્નીને માતા કહી ભિક્ષા માંગી જાલંધરનાથની સાથે રાજ્ય છોડીને ભેખ પહેરી તેમની સાથે ચાલ્યા ગયા હતા. ગોરખનાથ પણ તેના ગુરુ મત્સ્યેન્દ્રનાથને ત્રિયા રાજ્ય માંથી છોડાવી પાછા ભક્તિના રાહે ચાલતા કર્યા હતા. ગુરુ કરતા શિષ્ય સવાયો થવો જોઈએ તે વાતનું પ્રમાણ ગોરખનાથ અને કાલિકાનાથે પૂરી પાડી સાબિત કરેલ છે.
જાલંધરનાથનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
