ગોરખનાથ

ગોરખનાથ ટૂંકી જીવનગાથા

ગોરખનાથ (ગુરુ મત્સ્યેન્દ્રનાથ)

આપણા શાસ્ત્રો માંથી એવું જાણવા મળે છે કે શીવ અને શક્તિ (ઉમિયાજી) એકવાર અનુરાગ કરવા નીકળેલા અને તેઓ ક્ષીરસાગર કિનારે આવી ગયા. આ સમયે ઉમિયાજીએ શીવને પ્રશ્ન કરેલ કે હે, નાથ મારે દરેક અવતારમાં જન્મવું પડે છે અને જેનો જન્મ થાય છે તેનું મરણ નક્કી હોવાથી મારે પણ મરણ પામવું પડે છે. ઉમિયાજી કહે છે કે હે, નાથ આપ તો અજર અમર છો? તેથી તમારે જન્મવું કે મરવું પડતું નથી. હે, નાથ તમે તો મહાજ્ઞાની છો તેથી મને જ્ઞાન વિધા સમજાવી મને જ્ઞાન સંભળાવો તેવી વિનંતી કરે છે. ક્ષીરસાગરના કિનારે ઉમિયાજી અને શીવ સિવાય કોઈ ન હતું તેથી એકાંતનો લાભ લઈ શીવજીએ ઉમિયાજીને અમોઘ જ્ઞાન સંભળાવવાની શરૂઆત કરી. આ વાત સાંભળતા ઉમિયાજીને ઊંઘ આવી જાય છે અને જ્ઞાનની વાત સાંભળવા માટે વિષ્ણુ ક્ષીરસાગરમાં રહેલી એક માછલીના ઉદરમાં દાખલ થઈ જ્ઞાન સાંભળી જાય છે. વિષ્ણુ ભગવાનની લીલાથી શીવજી ખુશ થાય છે અને વિષ્ણુ ભગવાન એક બાળક રૂપે શીવજીની સામે પ્રગટ થાય છે તેથી આ બાળકનું નામ મત્સ્યેન્દ્રનાથ રાખવામાં આવ્યું હતું.

મત્સ્યેન્દ્રનાથ એકવાર બંગાળના ચંદ્રગીરી નામના નગરમાં આવ્યા. આ નગરમાં સૂર્યપાલ નામનો એક પંડિત રહેતો હતો અને તેની પત્નિનું નામ સરસ્વતી હતું. સૂર્યપાલ પંડિતને વારસદારોમાં કોઈ સંતાન ન હતું. મત્સ્યેન્દ્રનાથ એકવાર ભિક્ષા માંગતા માંગતા આ કુટુંબના ઘેર આવ્યા અને અલખનિરંજન ભિક્ષાન દેહી મૈયા બોલીને ઊભા રહ્યા. સરસ્વતી દેવીએ ઘર માંથી બહાર નીકળીને તેના ભિક્ષા પાત્રમાં ભિક્ષા નાખી અને સાધુના ચરણનો સ્પર્શ કર્યો. મત્સ્યેન્દ્રનાથે તેના ઉપર નજર નાખતા સ્ત્રીનો ભાવ સમજી ગયા કે તેમને પુત્ર ન હોવાથી તેઓ બહુજ દુઃખી છે. મત્સ્યેન્દ્રનાથ પ્રસન્ન થઈ તેની ઝોળી માંથી ભસ્મ કાઢીને આ સ્ત્રીને આપીને કહ્યું કે મૈયા આ ભસ્મ ઋતુ સ્નાન કર્યા બાદ ખીરની સાથે ખાય લેજો, તારે ઘેર એક ઉત્તમ અંશ અવતાર થશે અને તે સિદ્ધિઓનો સ્વામી થશે. હું બાર વર્ષ પછી તારે ઘેર આવીશ અને આ બાળકને મારી સાથે લઈ જઈશ કારણ કે તારી ભાગ્ય રેખામાં સંતાન સુખ નથી. સરસ્વતીએ મત્સ્યેન્દ્રનાથની ભસ્મ સ્વીકારી પણ પોતાની બહેનપણીઓની સલાહથી તેને શંકા ઊભી થતા આ ભસ્મ ઉકરડામાં નાખી હતી તે ગોબરના ઉકરડામાં બાળકનો જન્મ થતા તેનું નામ ગોરખનાથ રાખવામાં આવ્યું હતું. બાર વર્ષ બાદ મત્સ્યેન્દ્રનાથ આવીને આ બાળકને લઈને ચાલ્યા ગયા હતા.

એકવાર ગોરખનાથ એક ઘરેથી ભિક્ષા માંગીને લાવ્યા અને આ ભિક્ષામાં વડા હતા. આ વડા મત્સ્યેન્દ્રનાથે આરોગતા તેને આનંદ આવી ગયો અને વખાણ કરવા લાગ્યા. ગોરખનાથને ખ્યાલ આવી ગયો કે ગુરુને વડા સારા લાગ્યા છે તેથી ફરીવાર માંગવા ગયેલા. જે ઘરેથી વડા લાવ્યા હતા તે ઘેર ગયેલા અને આ ઘરેથી એવું કહેવામાં આવ્યું કે જો તમારા ગુરુને વડા ગમતા હોય તો તેના બદલામાં તમારી એક આંખ આપો તો હું વડા આપું? આ સમયે ગોરખનાથ એક આંખ કાઢીને આપી દીધી અને વડા લઈને આવ્યા. મત્સ્યેન્દ્રનાથને ખ્યાલ આવી જતા તેની આંખ જેવી હતી તેવી કરી આપી હતી. એક સમયે ગોરખનાથ સંજીવની મંત્રનો પાઠ તળાવને કિનારે બેઠા બેઠા કરી રહ્યા હતા. આ સમયે આ તળાવને કાંઠે રમતા ગામના બાળકોએ આવીને કહ્યું કે અમને ગાડાનો હાંકનારો બનાવતા નથી આવડતો તેથી તે બનાવી આપો? ગોરખનાથ સંજીવની મંત્ર બોલતા બોલતા ગાડાના હાંકનારનું પૂતળું માટી માંથી બનાવવા લાગ્યા અને તેમાં પ્રાણ આવી જતા માટીના પૂતળા માંથી બાળક પ્રગટ થતા તેનું નામ કાલિકા નાથ રાખવામાં આવ્યું હતું.

ગોરખનાથ તેના ગુરુ મત્સ્યેન્દ્રનાથ ત્રિયા રાજ્યમાં એક સ્ત્રીમાં ફસાઈ ગયેલા તેથી તેને છોડાવીને ફરીવાર ભક્તિના રાહે ચાલતા કર્યા હતા. મછંદરનાથને ગોપીચંદ રાજાએ ખાડામાં નાખી દાટી દીધા હતા તે અવાજ આ સ્થળે ગોરખનાથ નીકળતા સાંભળવા મળતા તેના શિષ્યને જાણ કરી તેની સાથે આવી મછંદરનાથને ખાડા માંથી બહાર કાઢેલા અને રાજા ગોપીચંદને પસ્તાવો થતા તેની પાસેથી દીક્ષા ગ્રહણ કરી તેની સાથે ઘરબાર છોડીને ચાલ્યા ગયા હતા. ગોરખનાથે અનેક ભજનોની રચના કરી છે અને તેમાં ગુરુગમની વાત મુકતા ગયા છે. રાજા ભરથરી તે ગોપીચંદના મામા થતા હતા કારણ કે મેનાવતી જે ગોપીચંદના માતા હતા તે રાજા ભરથરીની બહેન થતા હતા. નવનાથોમાં ગોરખનાથ એક મહાન જ્ઞાની નાથ તરીકેની છાપ ધરાવે છે અને તેમણે ઘણા શિષ્યોને પ્રમોદીને નાથ પંથમાં લાવી દીધા છે.

ગોરખનાથનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿