📖 ગોરખનાથની અવળ વાણીનું વિવરણ
(૧) વાણી રે વાણી મારા સદગુરુની વાણી.
(૧) વાણી રે વાણી મારા સદગુરુની વાણી,
જીવતા પરણાવી બાવે મુવા ઘેર આણી. વાણી
(૨) ભેખ લવાવેને, પેલો ખોલ્યો રે હુકે,
સસરો પારણીએને વહુજી હિંડોળે. વાણી
(૩) ખેતર પાક્યુંને પેલા રખે વાળીને ખાધો,
ઉલટો મરદલાએ પેલા પારધીને બાંધ્યો. વાણી
(૪) નીચે હાંડીને ઉપર ચૂલો રે સળગ્યો,
જખમી માછલીએ પેલા બગલાને ગળ્યો. વાણી
(૫) આભ વરસેને જમીન નહીં પરસે,
નેવાના પાણી મોભે રે ચડશે. વાણી
(૬) મછંદરનો ચેલો જતો જતો ગોરખ બોલ્યા,
મેલી દીધી મમતાને ભયા અવધૂતા. વાણી
અવળવાણીનું વિવરણ
(૧) વાણી રે વાણી મારા સદગુરુની વાણી,
જીવતા પરણાવી બાવે મુવા ઘેર આણી.
ગોરખનાથ તેના ભજનની પહેલી કડી દ્વારા સમજાવતા કહે છે કે, આ વાણી મેં લખી છે પણ મારી વાણી નથી કારણ કે આ વાણી મારા ઘટ ભીતર માથી પ્રગટ થઈ છે તેમાં મારા ગુરુની કૃપા જ કામ કરી ગઈ છે તેથી મારા સદગુરુની વાણી છે તેવું હું કહેવા માંગું છું. ગોરખનાથ કહે છે કે શબ્દને ઘટ ભીતર માથી બહાર નીકળવું હોય તો ચાર સ્ટેજ કે પગથીયા પસાર કરવા પડે છે. ગોરખનાથ કહે છે કે જ્યારે બોલવાની વૃત્તિ જાગે છે તે સમયે આ વૃત્તિ પરમા આવે છે અને પશ્યંતીમા આવીને વાચ્ય બને છે અને મધ્યમા આવતા તે પાંગરે છે એટલે કે તેના શબ્દો વાચ્ય રૂપે તૈયાર થઈ જાય છે. જ્યારે આ વાચ્ય મુખ માથી બહાર આવે છે તેને વૈખરી કહેવામા આવે છે. વાણીની જો વાત કરવામા આવે તો વાણી પણ ચાર પ્રકારની છે જેવી કે, બ્રહ્મમુખવાણી, ઋષિમુખવાણી, જીવમુખવાણી અને ગુરુમુખવાણી તેમ ચાર પ્રકારની વાણી છે.
ગોરખનાથ કહે છે કે જે વાણી જણાવી રહ્યો છું તે વાણી રૂપ મારા ગુરુ તરફથી મને મળેલા બોધની વાત છે. હું જ્યારે ગુરુના ચરણે ગયેલો તે સમયે મને બોધ આપીને પરમાત્માના ઘરની વાત મારા ગુરુએ મને સમજાવી હતી પરંતુ મારામાં અજ્ઞાન હોવાથી લીધી આ વાત આ સમયે મને સમજાણી ન હતી. ગોરખનાથ કહે છે કે હું અજ્ઞાન હતો તેથી દેહના વળગણોમાં વળી રહેલો હતો તેથી મારા ગુરુનો બોધ મને કોઈ અસર કરી શક્યો ન હતો તેથી તે સમયે હું જીવતો હતો. ગોરખનાથ કહે છે કે જ્યારે મને મારા ગુરુએ બોધ આપ્યો તે સમયે હું જીવતો હતો તેનો મતલબ એવો થાય છે કે મને દેહના વળગણો વળગેલા હતા તેથી આ વાત મને સમજાતી ન હતી. ગોરખનાથ કહે છે કે જ્યારે ધીમે ધીમે મારા ઘટ ભીતર માથી અજ્ઞાન દૂર થવા લાગ્યું તેથી હું મરી ગયો તેવું કહેવામા આવે છે. સંતોએ કહ્યું છે કે ભક્તે પ્રથમ મરવું પડે છે અને મરી ગયા બાદ ફરીવાર જીવતા થવાથી જ પરમાત્માના ઘરની વાત સમજાય છે. દેહના વળગણો હોય તે સમયે માણસ જીવતો હોય છે અને દેહ ભાવ થઈ જતા દેહના વળગણો મટી જાય એટલે કે દેહભાવ ટળી જાય અને જીવભાવ જાણી જાય તેને ફરીવાર જીવતા થયા તેવું સમજવામા આવે છે. ગોરખનાથ કહે છે કે જ્યારે મને દેહભાવ હતો તે સમયે હું જીવતો હતો તેથી મારા ગુરુની વાત મને સમજાણી ન હોવાથી મારા ઘટ ભીતરમાં ઉતરી ન હતી એટલે કે તે વાત મારા ઘેર આવી ન હતી. ગોરખનાથ કહે છે કે જ્યારે દેહના વળગણો મટી ગયા અને દેહભાવ ટળી જતા જીવભાવ શરૂ થતા ગુરુના બોધની વાત મને સમજાવા લાગી હતી તેથી આ વાત મારા ઘટભીતરમાં ઉતરી જતા તે મારા ઘેર આવી હતી તેવું સમજાવવા માંગે છે. દેહભાવ છુટીયા સિવાય પરમાત્માના ઘરની વાત સમજાતી નથી તેથી દેહ બાદ કરવાની જરૂર પડે છે.
(૨) ભેખ લવાવેને પેલો ખોલ્યો રે હુકે,
સસરો પારણીએને વહુજી હિંડોળે.
ગોરખનાથ તેના ભજનની બીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, ખીલો હુકે અને પેલી ભેખ લવાવે. આ કડીને સમજવાની કોશીશ કરવામાં આવે તો વાત આપણને અવળી લાગે છે કારણ કે ખીલો છે તે જડ છે તેથી જડ વસ્તુ કોઈ દિવસ હુકતી નથી એટલે કે તેમાથી કઈ પ્રગટ થઈ શકતું નથી તેવી ખીલો હુકે છે તેવું કહી શકાય નહીં. ભેખ લવાવે અને ખીલો હુકે એટલે કે ભેખ લવાણું કરે છે તેવી ખીલો હુકે છે. આ વાતને પણ સમજવાની કોશીશ કરવામાં આવે તો તે યોગનો વૈજ્ઞાનિક પ્રકાર છે. દેહ જ આપ્યો છે અને આ દેહ માથી જ યોગીયું પ્રગટ કરેલું છે તે યોગીયું જ વહેલું હુકાવાનું નથી. ભેખ લવાવે કહે છે તે વાત સાંભળતા આપણને અવળી વાત લાગે છે. સંતકબીર, ગોરખનાથ તથા અન્ય ઘણા સંતોએ સરળ વાણીના આડા અવળી એટલે કે અટપટી કરીને ભક્તોને આગળ મૂકી છે. આ સરળ વાણીને આટી ઘૂટીમાં નાખીને જાહેર કરવાનો સંતોનો ઉદ્દેશ સારો હોય છે. સંતો કહે છે કે જો સરળ ભાષામાં જ્ઞાન રજૂ કરવામાં આવશે તો ભક્તો તેનું મનોમંથન કરશે નહીં અને મનોમંથન જ્યાં સુધી ન કરે ત્યાં સુધી કોઈ પણ વાણીનો મર્મ સમજ શકાતો નથી. જો અઘરી વાણી રજૂ કરવામાં આવે તો જિજ્ઞાસુ લોકો તેને સમજવાનો પ્રયત્ન કરશે તેથી મનોમંથન કરીને વાત સમજવામાં આવી જતા તે પોતાના ઘટ ભીતરમાં ઉતરી જતા કોઈ દિવસ ભુલાશે નહીં તે માટે જ આવી વાણીઓ સંતોએ રજૂ કરી છે.
ગોરખનાથે આ વાણીમાં બુદ્ધિને ભેખ કહી છે કારણ કે મનોમંથન કરવા માટે બુદ્ધિના સહકારની જરૂર પડે છે. ખીલો હુકે એટલે જ્ઞાનની વાત કરી છે. દેહ માથી જ્ઞાન કાયમને માટે દુઝતું હોય છે એટલે કે પ્રગટ થતું હોય છે. જ્ઞાનના બે પ્રકાર છે, જેવા કે એક પ્રત્યક્ષ જ્ઞાન અને બીજું પરોક્ષ જ્ઞાન છે અને જ્ઞાન એટલે જાણકારી પણ કહી શકાય છે. આપણા જીવનમા ઘણીવાર એવું બને છે કે કોઈ વાતની આપણને જાણકારી હોય પણ તે વસ્તુ આપણે પ્રત્યક્ષ જોઈ ન હોય કે તેનો અનુભવ થયો ન હોય. જો કોઈ માણસને આપણે મળવું હોય અને તેના ઘેર જઈ દેખીએથી એવો સાહ પાડીએ કે, ફલાણા ભાઈ ઘેર છે ? જો આ માણસ ઘેર હશે તો હા છે, તેવો જવાબ પોતે અથવા પોતાના સાથે રહેતા માણસ તરફથી મળશે. આ સમયે આપણને આ માણસ ઘેર છે કે નહીં તેવી જાણકારી મળી જાય છે પણ જેને આપણે મળવું છે તે માણસ આપણને રૂબરૂ મળતો નથી. આવી ઘટના ઘટે છે તે સમયે આપણને ફક્ત તેની હાજરીની જ જાણકારી મળે છે.
જે માણસને આપણે મળવું હોય તે માણસ જો બારીકી બોલીને કહે કે ભાઈ, હું પોતે જ છું, બોલો તમારે શું કામ છે ? આ સમયે આ માણસનો પ્રત્યક્ષ પ્રગટ અનુભવ થાય છે કે મારે જેને મળવું છે તે મને મળી ગયો છે. પરમાત્મા જેવું તત્વ આ જગતમાં રહેલું છે તેની ફક્ત આપણને જાણકારી જ હોય છે. કારણ કે આપણે જગતનું સંચાલન થઈ રહ્યું છે તેથી આ સંચાલન કરનારું કોઈ તત્વ તો હશે પણ આપણે તે તત્વને પ્રત્યક્ષ રીતે નિહાળેલ નથી. જે માણસને આપણે મળવું હતું તે મળી જાય છે તે સમયે આપણને તેનો મળવાનો અનુભવ થઈ જતા નક્કીપણું થઈ જાય છે કે મારે જેને મળવું હતું તે મળી ગયા છે. પરમાત્મા તો નીરાકાર, અરૂપ, અનામી છે અને તેને શબ્દ રૂપ માનવામાં આવે છે તેથી તે આપણા સાથે પ્રગટ થઈ શકતા નથી. પરમાત્મા અનામી હોવાથી તેને નામથી પણ બોલાવી શકાતા નથી. પરમાત્મા નિરાકાર છે તેથી જો આકાર હોય તો રૂપ હોય તેથી તે અરૂપ પણ છે. પરમાત્માને આકાર કે રૂપ ન હોવાથી તેના રૂપને નિહાળીને પણ કહી શકાતું નથી કે આ ભગવાન છે. આપણા સંતો કહે છે કે, તમે તમારા અનુભવના આધારે તમે તેની પ્રતીતિ કરી શકો છો એટલે કે અનુભૂતિ કરી શકો છો કે પરમાત્મા મને મળી ગયા છે.
ગોરખનાથ કહે છે કે જ્ઞાન દુઝે છે અને બુદ્ધિ રૂપી ભેખ છે તે તેનું મનોમંથન કરીને નિશ્ચય લે છે તેવી ભેખ લવાવે છે તેવું કહેવામા આવ્યું છે. જ્યારે ભક્તની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે તે સમયે અપરોક્ષ જ્ઞાનની આપણને અનુભૂતિ થાય છે જે ભક્તનોવિષય છે. ગોરખનાથ કહે છે કે, સસરો પારણિયામાં સુવે છે અને તેના દીકરાની વહુ તેને હુલાવે છે. સાંસારિક વ્યવહારની જો વાત કરવામાં આવે તો આપણા પરિવારનો જો કોઈ મુખ્ય કે મોટી માણસ હોય તો તે સસરો છે અને દીકરાની વહુ તેની મર્યાદા જાળવતી હોવાથી તેની સાથે વાત પણ કરતી નથી. ગોરખનાથ તો કહે છે કે સસરાને વહુ હુલાવે છે એટલે કે હિંડોળે નાખે છે. ગોરખનાથે આપણામા રહેલા મનના અહંકાર કે અભિમાનને સસરો કહ્યો છે કારણ કે દેહમા અહંકાર રૂપ કે દેહના વ્યવહારોમા ભાગ ભજવનારું જો કોઈ હોય તો આપણા મનનો અહંકાર કે અભિમાન છે. આ મનનો અભિમાન રૂપી સસરો દેહના પારણિયામાં પોઢ્યો છે જે દેહની વાસના છે તે વાસના રૂપી વહુ છે તે આ મન કે અભિમાનને આમ તેમ હુલાવે છે એટલે કે તેને મોહકે છે અને વાસના તેનો ભોગ ભોગવે છે.
(૩) ખેતર પાક્યુંને પેલા રખે વાળીને ખાધો,
ઉલટો મરદલાએ પેલા પારધીને બાંધ્યો
ગોરખનાથ તેના ભજનની ત્રીજી કડી દ્વારા સમજાવતા કહે છે કે, ખેતર પાક્યુંને પેલા રખેવાળને ખાધો. જ્યારે ખેતરમાં ઉભેલો મોલ જ્યારે પાક ઉપર આવે છે તે સમયે તેને કોઈ નુકશાન ન કરે તે માટે રખેવાળને રાખવામાં આવે છે અને તે તેનું ધ્યાન રાખે છે. પાકનું રખોપું કરવા કે તેની સંભાળ રાખવા માટે આપણે કોઈ માણસને રાખીએ છીએ અને ઘણીવાર ખેતરમાં એક જાતનું માણસ જેવું ઢોંગ પણ ઉભુ કરીએ છીએ તેથી રાત્રિના સમયે પાકને નુકશાન કરવા આવતા જાનવરને એવું લાગે છે કે કોઈ માણસ ઉભો છે. જ્યારે મોલ પાકી જાય છે અને પાક ઘેર આવી જાય પછી કોઈ રખેવાળ કે ઓઢવાની જરૂર પડતી નથી. જો માણસને રાખ્યો હોય તો તેને છૂટો કરવામાં આવે છે અને ઓઢું ઉભું કરેલ હોય તો તેને કાઢી નાખવામાં આવે છે તેવી રખેવાળને ખાધો તેવું કહેવામા આવેલ છે.
ગોરખનાથ કહે છે કે ખેતર પાક્યું એટલે ભક્તિ દરમ્યાન કરેલી આપણી સાધના પાકી થઈ ગઈ અથવા સાધના પરાકાષ્ઠાએ પહોંચી જાય છે તે સમયે આપણી સાધના આપણા અહંકારને ખાય જાય છે એટલે કે સાધના પરિપક્વ થતાં અહંકારનો નાશ થાય છે. ભક્તોની સાધના પરિપક્વ થઈ જાય છે તે સમયે ભક્તમા રહેલા અહંકારનો નાશ થાય છે પછી તેનામાં વિવેક જાગી જાય છે. આ વિવેક જાગે છે તેને ગોરખનાથે મુદલો કહ્યો છે. ગોરખનાથ કહે છે કે જ્યારે મુદલા રૂપ વિવેક જાગી જાય છે તે સમયે મોહરૂપ પારધીને બંધનમાં લઈ લે છે. મોહને વિવેકથી બાંધી શકાય છે તેથી ગોરખનાથ કહે છે કે મુદલા રૂપી વિવેક જાગતા મોહને પોતાના કાબુમા લઈ લે છે. જ્યારે શિકારીશિકાર કરવા જાય છે તે સમયે મુગલાને પકડીને બાંધી અને ઘેર લાવે છે તેમ મોહને કાબુમા વિવેક રાખી તેને આગળ વધતો અટકાવી દે છે. આ કડીમા મોહને બાંધીને અટકાવી દેવાની વાત સમજાવવામાં આવી છે તેથી મોહ અટકી જાય તો ભક્તિના કાર્યમા સફળતા આવી જતા આ માર્ગે સફળતા મેળવવામાં વાર લાગતી નથી.
(૪) નીચે હાંડીને ઉપર ચૂલો રે સળગ્યો,
જખમી માછલીએ પેલા બગલાને ગળ્યો.
ગોરખનાથ તેના ભજનની ચોથી કડી દ્વારા સમજાવતા કહે છે કે નીચે હાંડીને ઉપર ચૂલો સળગ્યો એટલે કે હાંડી નીચે છે અને ચૂલો તેની ઉપર છે. ખરેખર તો ચૂલા ઉપર હાંડી હોય છે પણ હાંડી ઉપર ચૂલો મુકવામાં આવતો નથી. જયા સુધી આપણામા દેહભાવ છે ત્યાં સુધી આપણને આ વાત સમજાતી નથી અને જો દેહભાવથી આ વાતને સમજવાની કોશિશ કરવામાં આવે છે તો આ વાત આપણને અવળી લાગે છે.
ગોરખનાથ કહે છે કે આપણા ઘટ ભીતરમા મન રહેલું છે તે એક હાંડી રૂપ છે. જેમ શાક બનાવતી વખતે બટાટાનું તેમજ અનેક જાતના મસાલા નાખવામાં આવે છે તેમ મનમા અનેક વિચારો ભરેલા છે તેથી વિચારોનો કોઈ પાર નથી. આપણા મનમા અનેક જાતના વિચારો(દેહભાવે છે) તેમા સારા હોય છે અને ખરાબ કે નબળા પણ હોય છે. વિચારો મુજબ મન તેનો લાભ ઉઠાવીને સારા કે નબળા કર્મો કરી જીવને સારા કે નબળા કર્મોના બંધનમા નાખે છે એટલે કે દેહ દ્વારા આ કર્મો થાય છે પણ આ કામ કરવામા જીવની ઉર્જાનો સહારો મળતો હોવાથી તેમા જીવ પણ સહભાગી બની જાય છે. મનમા સારા વિચારો કરતા નબળા વિચારોનું પ્રમાણ વધારે હોવાથી નબળા કર્મોનું પ્રમાણ વધી જાય છે. દેહ મનને આવા કર્મો કરવામા મદદરૂપ થતો હોવાથી દેહ કરીને કરેલા કર્મો દેહને ભોગવ્યાસિવાય છૂટકો નથી. જીવ પોતાની ઉર્જાથી મદદ કરતો હોવાથી તેને પણ તે ભોગવવા દેહ ધારણ કરવો પડે છે. કરેલા કર્મો જ્યાં સુધી ભોગવાય ન જાય ત્યાં સુધી કર્મો જંપતા નથી એટલે કે કર્મોનો નાશ થતો નથી તેમ કર્મનો સિદ્ધાંત પણ સાક્ષી પુરે છે.
કર્મો દેહ સિવાય ભોગવી શકાતા નથી તેમજ જીવ સિવાય આવા કર્મો દેહ ભોગવી શકે નથી તેથી કરેલા કર્મોનો ભોગ ભોગવવા જીવને અવર નવાં દેહ ધારણ કરીને આવવું પડે છે. દેહ નાશવંત હોવાથી તેને મરવું પણ પડે છે અને મરવું તે કુદરતી ક્રમ છે તે તમામને લાગુ પડે છે પછી તે રાજા હોય કે રંક કોઈ તેમાંથી છટકી શકતું નથી. કર્મોનો સિદ્ધાંત એવું જાહેર કરે છે કે જો અંત સમયે એક પણ કર્મ ભોગવ્યાસિવાયનું બાકી રહી જાય તો તે ભોગવવા માટે ફરીવાર દેહ ધારણ કરીને જીવને સંસારમાં આવવું પડે છે. દેહ નાશવંત હોવાથી તેનો સમય પાકી જતા દેહ નાશ પામે છે તેથી આવા ગમનના ફેરા ટળતા નથી.
જે ભક્ત ગુરુના ચરણે જાય છે તે સમયે ગુરુ બોધ આપી સ્મરણના શબ્દો આપી કાયમને માટે સ્મરણ ચાલુ રાખવાની સલાહ આપે છે. ગુરુની શીખામણ મુજબ ભક્તો કાયમી સ્મરણ કે ચિંતન કરતા હોવાથી ચિંતન એટલે કે સારા વિચારો જાગી જાય છે. આ ચિંતન મજબૂત થઈ જાય છે એટલે કે ભક્ત જાગી જાય છે તે સમયે ભક્તોમા સમતા આવે છે. આ સમતા છે તે મુશ્કેલીઓની સામે લડવાનો ભાવ કે હિંમત છે. સમતા એટલે સંસારમાં રહેવાથી ગમે તેવી મુશ્કેલીઓ આવીને સામે ઉભી થાય તો તેનો સામનો કરવાની તાકાત ભક્તમા આવી જાય છે. આ સમતાને લીધે સાથે આવતી સંસારની મુશ્કેલીઓનો સામનો કરતી ભક્તિના માર્ગમા આવતા ગુરુ, સંસાર, ભોગ, લડખડાટ, ભય આવે નથી. ભક્તોમા આવી સમતા આવી જાય છે એટલે કે સંસારની મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આવી જાય છે. જીવનો દેહભાવ છે તેને ગોરખનાથે બગલાનું રૂપક આપી તેને બગલો કહ્યો છે. આ દેહભાવ રૂપી બગલાને સમતા રૂપી માછલી ગળી જાય છે. ખરેખર તો બગલો માછલીને ગળી જતો હોય છે પણ ભક્તો આ કક્ષાએ પહોંચી જાય છે તે સમયે માછલી એટલે કે સમતા તે દેહભાવ રૂપી બગલાને ગળી જાય છે તેથી ભક્તોનો દેહ ભાવ નાશ પામે છે અને જીવભાવ જાગી જાય છે. જ્યારે દેહભાવ માથી જીવ બહાર આવી જાય છે તે સમયે દેહને વળગેલા દેહના વળગણો મટી જાય છે. જ્યા સુધી જીવનો દેહભાવ મટે નહીં ત્યાં સુધી દેહના વળગણો નાશ પામતા નથી. જ્યા સુધી જીવને દેહના વળગેલા રહે છે ત્યાં સુધી પરમાત્માના ઘરની વાતમા રસ જાગશે નહીં અને પરમાત્માના ઘરની વાત સમજાશે પણ નહીં.
(૫) આભ વરસેને જમીન નહીં પરસે,
નેવાના પાણી મોભે રે ચડશે.
ગોરખનાથ તેના ભજનની પાંચમી કડી દ્વારા સમજાવતા કહે છે કે, જ્યારે આભ માથી વરસાદ વરસવા લાગે છે તે સમયે જળ જમીન પર આવે છે તે સમયે જમીન ભીંજાશે નહીં. આભ માથી વરસાદ વરસે તો જળ જમીન ઉપર જ પડે છે તેવી જમીન ભીંજાયા વગર રહેતી નથી પરંતુ ગોરખનાથ તો તેની વાણી દ્વારા કહે છે કે, જમીન ભીંજાશે નહીં. આ વાત સમજવા માટે લખમીરામ ભજન દ્વારા રજૂ કરેલ સાત ચક્ર કે પ્યાલાની વાતનો આધાર પકડવો પડશે. કારણ કે ભક્તિના રાહની વાત જમીનના તત્વથી માંડીને ગગન મંડળ એટલે કે આભ સુધી પહોંચવાની વાત સમજાવવામાં આવી છે. આ સાત પ્યાલાની વાતમાં જમીન અને અમીધારાની વાત સારી રીતે સમજાવી છે. લખમીરામ કહે છે કે, જ્યારે ઈંગલા અને પીંગલાનો શ્વાસ અને ઉચ્છવાસ એક ગતિમાં લાવીને તેને ઉલટાવીને સુષુમ્ણાના મુખમાં દાખલ કરવામાં આવે તો જ શ્વાસ અને ઉચ્છવાસનો પવન સુષુમ્ણા વાટે સુષુમ્ણા જે સાત ચક્ર, પાંચ પવન કે પ્રાણ અને પાંચ તત્વોને ધારણ કરીને બેઠી છે તેની પરમ થઈ શકે છે. જ્યાં સુધી પાંચ પ્રાણ એક ઘેર ન આવે તેમજ પાંચ તત્વોની ઓળખાણ કે પરમ થઈ ન જાય ત્યાં સુધી પરમાત્માના દેશમાં પહોંચી શકાતું નથી. ઈંગલા અને પીંગલાનો પવન સાત ચક્રો છેદીને ગગન મંડળમાં જઈ શકે છે. લખમીરામ તેના સાત પ્યાલા, સાતચક્રો કે સાત જ્ઞાનની ભૂમિકા વિશે સમજાવતા કહે છે કે, પ્રથમ ચક્ર ગુદા દરિયાવેલું છે. આ સ્થળે અપાન નામનો વાયુ રહેલો છે અને ભૂમિનું તત્વ પણ આવેલું છે. આ પ્રથમ ચક્રમાં દેવ તરીકે ગણેશનો વાસ છે અને સુષુમ્ણાનો પહેલો ભાગ આવેલો છે. સુષુમ્ણાનો પહેલો છેડો એટલે કે સુષુમ્ણા નાડીનું મુખ આ સ્થળે આવેલું છે અને તેનો છેડો સીધો ગગન મંડળ સુધી લંબાયેલો છે. દેહમાં બોતેર હજાર નાડીઓ આવેલી છે તેમ આપણા સંતોએ કહ્યું છે. આ બોતેર હજાર નાડીઓમાં ત્રણ નાડીઓ મુખ્ય છે જેવી કે ઈંગલા પીંગલા અને સુષુમ્ણા નાડી. આ ત્રણ નાડીઓમાં સુષુમ્ણા નાડી આવેલી છે તેમા જળ ભરેલું છે તેથી તે પવન વાહક નથી. આ નાડીમાં ભરેલું જળ જો ખાલી કરવામાં આવે તો જ તેમા પવન દાખલ થઈ શકે છે.
આ સુષુમ્ણા નાડી માથી જળ બહાર કાઢીને પવન વાહક એટલા માટે બનાવવામાં આવે છે કે સુષુમ્ણાના માર્ગથી જ સુરતા શબ્દને લઈને પવન રૂપી વાહનનો આધાર પકડી એટલે કે તેમા બેસીને ગગન મંડળમા સુધી પહોંચી શકે છે. ગુરુના ચરણે જવાથી બોધ આપીને વચન રૂપે ગુરુ આપણને આપી કે મંત્ર આપે છે તેને આપણો મનમાંથી બોલીએ છીએ. આ મંત્રનું રટણ કરીને તેને સુષુમ્ણા ગગનના રસ્તા બનાવી દેવામાં આવે છે. જ્યારે ઈંગલા અને પીંગલાનો શ્વાસ અને ઉચ્છવાસ નીચે તરફ ભૂમિના ચક્ર સુધી આવે છે અને તેને ઉલટાવીને સુષુમ્ણાના મુખમાં દાખલ કરવો પડે છે. જો તેને ઉલટાવવામાં ન આવે તો જે સ્થળેથી આવેલ છે તે સ્થળે ઉચ્છવાસ રૂપે બહાર નીકળી જાય છે. પવનને ઉલટાવીને સુષુમ્ણાના મુખમાં દાખલ કરવાની વાર લાગે તો તે આ સ્થળે આવેલ અપાન નામના વાયુ સાથે ભળી જઈ ગુદા વાટે બહાર નીકળી જાય છે.
આ ભૂમિના ચક્રની બાજુમાં કુંડલી આવેલી છે તેને સંતો સર્પિણી કે નાગણ પણ કહી છે. સતત સ્મરણ કરતા કુંડલી જાગી જાય છે તે સમયે તેની સામે આવેલું સુષુમ્ણાનું મુખ ખુલ્લી જાય છે. આ કુંડલી પણ જળથી ભરેલી છે તેવી કુંડલીના જળનો ફુવારો સુષુમ્ણાના મુખમાં પડતા સુષુમ્ણામાં રહેલા જળને નીચેથી દબાણ કરતા સુષુમ્ણાનો જે છેડો ગગન મંડળમા આવેલ છે અને આ છેડે એક ગાંઠ આવેલ છે તે ખુલ્લી જાય છે તેથી આ જળ ગગન મંડળમા આવેલ શિખર ઉપર એકઠું થાય છે. આ જળને બીજો કોઈ માર્ગ ન મળતા એટલે ગગન મંડળની આગળ ભૂમિ ન હોવાથી આ જળ ધોધ રૂપે નીચે આવેલ બ્રહ્મરંધ્રની ખીણમાં પડવા લાગે છે. આ બ્રહ્મરંધ્રની ખીણની વિશાળતાનો કોઈ પાર નથી તેથી તે છલકાતી નથી. જેમ આપણે માટીનો નવો ગોળો લાવીએ અને તેમા પાણી ભરવામાં આવે તો અમુક સમય સુધી તેના તળિયેથી પાણીના ટીપા પડે છે તેમ બ્રહ્મરંધ્રના તળિયેથી જળના ટીપા નીચે આવેલ નાભી ઉપર પડે છે તેને અમૃતધારા તરીકે ઓળખવામાં આવે છે. નાભી પણ જળથી ભરેલી હોવાથી પાણીના ટીપા બ્રહ્મરંધ્રના તળિયેથી પડતા હોવાથી નાભીના પાણી સાથે ઘર્ષણ થાય છે અને એક અવાજ ઉત્પન્ન થાય છે તેને સંતોએ ગેબીનાદ કહ્યો છે. નાભીનું જળ અને બ્રહ્મરંધ્રનું જળ એક બીજા સાથે અથડાવાથી એક જાતની ઊર્જા કે શક્તિ ઉત્પન્ન થાય છે તેને આત્મરૂપ શક્તિ માનવામાં આવે છે. આ નાભીનું જળ ગતિ કરીને પાંચમું સંક્રમણની પાસે આવી તેના મુખમાં દાખલ થાય છે તે સમયે એક ગોળાકાર ચક્ર ઉત્પન્ન થાય છે તેને સંતોએ ઘટમાળ તરીકે ઓળખાવી છે. જ્યારે ઘટમાળ શરૂ થઈ જાય છે તે સમયે સુરતા શબ્દ સાથે ઘટમાળમાં દાખલ થતા સુરતા શબ્દ સાથે સુષુમ્ણાના વાટે આવેલા સાત ચક્રોને એક એક કરતા છેદીને કમળમાં આવેલ છઠ્ઠા ચક્ર સુધી પહોંચી જાય છે. સુષુમ્ણા નાડી પાંચ પ્રાણ અને પાંચ તત્વોને ધારણ કરીને બેઠી છે તેથી સુષુમ્ણા વાટે કે રસ્તો પકડવામાં આવે તો જ પાંચ પ્રાણ અને પાંચ તત્વોની પરમ થઈ શકે છે. પાંચ પ્રાણ અને પાંચ તત્વોની પરમ કર્યા બાદ જ ભક્તિના રાહે આગળ વધી શકાય છે. પાંચમા ચક્રે પહોંચેલો જળ છઠ્ઠા પાંચ પ્રાણ અને પાંચ તત્વોની ઓળખાણ થઈ જાય છે.
આ વાતનો આધાર પકડીને ગોરખનાથે તેની વાણીમાં જે વાત કરી છે કે આભ વરસે અને જમીન નહીં પરસે એટલે કે જમીન ભીંજાશે નહીં તે વાત સમજવા માંગે છે. ગોરખનાથ કહે છે કે, ગોરખનાથે આ વાતમાં જ્ઞાનનું જળ નીચે પડે છે એટલે કે આભ માથી વરસાદ વરસે છે તેવું કહ્યું છે. આ વરસાદ એટલે કે પાણીનો પ્રવાહ કે અમૃતધારા સીધી જમીન ઉપર પડતી નથી પણ નાભી ઉપર જ પડે છે. વરસાદ રૂપ અમીધારા સીધી મૂળાધાર કે જ્યાં જમીનનું તત્વ આવેલું છે તેથી તે ભીંજાતું નથી તેવું સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. ગોરખનાથ કહે છે કે, નેવાના પાણી મોભે ચડશે તે વિશે એવું સમજાવવા માંગે છે કે કુંડલી મૂળચક્ર કે જેને ભૂમિનું ચક્ર કહેવામા આવ્યું છે તેની પાસે આવેલી છે. આ કુંડલી કરોડ રજ્જુના છેલ્લા હાડકાની નીચે એક ત્રિકોણાકાર માસનો ટુકડો આવેલો છે તેને કુંડલી તરીકે ઓળખવામાં આવે છે અને તેના ઉપર નળી રૂપે સાડા ત્રણ આંટા રૂપે આ નળી આવેલી છે. આ સાડા ત્રણ આંટામાં અડધો આંટો જે નીચે નમેલો છે તે કુંડલીનું મુખ છે. આ કુંડલીમા પ્રથમથી જ દુઝારી રૂપે જ્ઞાન કેદ થઈને પડેલું છે તેથી તે તેમાંથી બહાર કાઢવાની જરૂર પડે છે અને કુંડલીનું મુખ ન ખુલ્લે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થતું નથી. જ્યારે કુંડલીનો નીચે નમેલો છેડો ઉપર આવીને સુષુમ્ણાના મુખા સામે આવી જાય છે તે સમયે તેનું મુખ ખુલી જાય છે એટલે કે કુંડલી જાગૃત થઈ જાય છે તે સમયે જ્ઞાનરૂપી ધારા તેમાંથી બહાર આવવા લાગે છે. કુંડલી નીચે આવેલી છે તેથી તેને નેવું કહ્યું છે અને આ નીચાણ વાળા ભાગે રહેલું જ્ઞાન મોભરૂપ ગગન મંડળમાં મોકલવાની વાત છે. આ નેવાનું જળ રૂપી જ્ઞાન સુષુમ્ણાના મુખમાં પડવાનું શરૂ થઈ જતા તે સુષુમ્ણા વાટે તે ગગન મંડળમાં જઈ શકે છે તેથી કહ્યું છે કે નેવાના પાણી મોભે ચડશે. આ જળ સાત ચક્રો છેદી બ્રહ્મરંધ્રના કાણામાં દાખલ થાય છે તેને સંતોએ બારી કહી છે. આ સ્થળે વચન રૂપ પરમાત્મા આસન વાળીને બેઠા છે. આ સ્થળે પહોંચીને જતા જીવને પોતાના મૂળ સ્વરૂપનું ભાન થઈ જાય છે તેને જ નેવાના પાણી મોભે ચડશે તેવું કહેવામા આવ્યું છે. વાસના નીચે રહેલી છે અને તેના ઉપર જીવ છે તેથી દેહની વૃત્તિ કે દેહભાવ મટાડીને સુરતાને ગગન મંડળમાં લગાડવાની પણ આ વાતમાં ભલામણ કરવામાં આવી છે.
(૬) મચ્છંદરનો ચેલો જતી જતી ગોરખ બોલ્યા,
મેલી દીધી મમતાને ભયા અવધૂતા.
ગોરખનાથ તેના ભજનની છેલ્લી કડી દ્વારા સમજાવતા કહે છે કે, મેં જે ભજનની રચના કરીને મારી વાણી ભજન મારફત રજૂ કરેલી છે તે વાત કે વાણી મારી પોતાની નથી પણ મારા ગુરુની વાત કે વાણી છે કારણ કે તેના બોધના આધારે તેમની કૃપાનો વરસાદ મારા ઉપર વરસી જતા મારા ગુરુએ સમજાવેલ વાતનું મનોમંથન કરીને સમજાવવાની કોશિશ કરી છે. આ કોશિશમા મારા ગુરુજની કૃપા સમાયેલ હોવાથી તે મારા ગુરુની વાણી છે. ગોરખનાથ કહે છે કે, મને મચ્છંદરનાથ જેવા બ્રહ્મજ્ઞાની ગુરુ મળી જતા હું પરમાત્માના ઘરની વાત સમજી શક્યો છું. ગોરખનાથ કહે છે કે મારા ગુરુ તે મારા ઉપર તે મારા પિતા કરતા પણ વિશેષ છે કારણ કે મારા માત પિતાના સહયોગથી મને દેહ મળ્યો છે અને મારા માત પિતાએ તો મને સંસારમાં જકડી રાખવાનો પ્રયત્ન કર્યો છે. મારા ગુરુએ તો મને સંસારના બંધન માથી કાયમને માટે મુક્તિ અપાવીને મારો ભવસાગર પાર કરી દીધો છે તેથી તેનો ઉપકાર માનું એટલો ઓછો છે. ગોરખનાથ આ વાતને સમજાવતા કહે છે કે, સંતકબીરે એક સાખીમા કહ્યું છે કે આશા તૃષ્ણા ભલે ઘટ ભીતરમાં નાની હોય પણ તેને ટાળવી કે મારવી ઘણી મુશ્કેલ છે. આ આશા તૃષ્ણા તો કોઈ કરોડોમાં કોઈ સંતવીરલા હોય તે જ ટાળી કે મારી શકે છે. સંતકબીર આ સાખીમા જણાવતા કહે છે કે,
મન મરે માયા મરે, મર મર જાય શરીર,
આશા તૃષ્ણા કદાપી ન મરે, કહે ગયે સંતકબીર.
મનને સમજાવી તેના ઉપર કાબુ મેળવી શકાય છે. શરીર તો નાશવંત છે તેથી તેનો સમય પુરો થતા તે નાશ પામ્યા સિવાય રહેવાનો નથી. આ ઘટ ભીતરમા રહેલી આશા તૃષ્ણા કે મમતાને મારવી કે મટાડવી ઘણી જ અઘરી છે. આ વાતને સાબિત કરવા ચાર યુગના ચાર પાઠમા પણ જણાવેલ છે કે, પ્રથમ યુગમા પ્રહલાદ વખતે હોળી રૂપી અભિમાનને પ્રથમ સત યુગમા કાઢવાનો પ્રયત્ન કર્યો તો તે ટળી ગયું. બીજા ત્રેતાયુગમા રાજા હરિશ્ચંદ્રે સવરા મંડપનું આયોજન કરી મન રૂપી ઘોડાને કાબુમા લાવવાનો પ્રયત્ન કર્યો તો મન પણ કાબુમા આવી ગયું. દ્વાપર યુગમા ધર્મરાજાએ સવરા મંડપનું આયોજન કરી દેહમા આવેલ મોહ એટલે કે ઈન્દ્રિયો ઉપર કાબુ મેળવી લીધો હતો. જ્યારે ચોથા યુગમા કલિયુગના સમયમા બલિરાજાએ સવરા મંડપનું આયોજન કરી આશા તૃષ્ણાને મારવાનો પ્રયત્ન કર્યો તો અજયા (બકરી) ભલે નાની હતી તેમ છતાં તેને ઠેલી કરી ન શકાયો એટલે કે આશા તૃષ્ણાને કાબુમા સફળતા મળી ન હતી તેથી અજયા ઠેલી થઈ શકી ન હતી. ગોરખનાથ કહે છે કે જ્યારે મારા માથી મમતા કે આશા તૃષ્ણા નીકળી ગઈ કે મે તેનો ત્યાગ કર્યો તે સમયે હું અવધૂત થઈ ગયો. અવધૂતનો અર્થ એવો થાય છે કે, અવધૂત એટલે નિર્મોહી(માયાવિહીન) તેવો કરવામાં આવે છે.
ગોરખનાથ કહે છે કે જ્યારે મારા ગુરુની કૃપાનો વરસાદ મારા ઉપર વરસી ગયો અને હું માયા માથી બહાર નીકળી ગયો એટલે કે માયા કે મમતાનો મેં ત્યાગ કરતા મારા આવા ગમનના ફેરા ટળી ગયા છે. ગોરખનાથ તેના ગુરુની કૃપાથી આ વાત સમજાવી ગયા છે. આ વાત હું ડી.બી. રાઠોડ લેખક તરીકે મારી જાણકારી મુજબ સમજીને જાહેર કરી રહ્યો છું પણ તેમાં મારા કોઈ ગુરુની કૃપા નથી તેથી તે ફક્ત મારી સમજણ અને જાણકારી જ છે. આ મારી સમજણની વાત છે અને ગુરુના આધાર વગર જાણકારી રજૂ કરી રહ્યો છું તેથી મારી વાત સો ટકા મે સમજાવી છે તે મુજબ બરાબર છે તેવું માની લેવાની જરૂર નથી કારણ કે ગુરુના આધારે સમજાવેલી વાત સો ટકા સાચી હોય છે તેમાં કોઈ માણસની પોતાની સમજણના આધારે કરવામાં આવતી વાત તે ફક્ત જાણકારી રૂપે જ હોય છે તેને બોધ રૂપે માની સાચી છે તેવું કહી શકાતું નથી.
મારી અપેક્ષા એવી છે કે ભલે મને ગુરુનો આધાર મળ્યો ન હોય પણ અંદરનો ગુરુ મને આ વાતમાં મદદ કરીને થોડી સમજણ આપી છે તો લોકો આગળ મુકવાથી જો કોઈ અનુભવી ભક્તો તેનું મનોમંથન કરશે તો સત્ય જરૂર બહાર આવશે. ભજનના વિવેચનમા સમજાવેલી વાત ખામી ભરેલી હશે તેથી જો કોઈ અનુભવી ભક્તોને આ વાતમાં ખામી જણાય તો મને અવશ્ય જાણ કરવી જેથી કરીને મને સાચી વાત સમજાય અને મને પણ લાભ મળે. આ ભજનની સમજણમાં મે મારી જાણકારી રજૂ કરેલ છે તેમા રહેલી ખામી જો મને જણાવવામાં આવશે તો હું જરૂર ખુશ થઈશ અને તમે આ વાતમાં રસ લીધો છે તેવી તેની ખુશી મને વધારે થશે.
ગોરખનાથનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો
