ખીમડિયો કોટવાળની ટૂંકી જીવનગાથા
ખીમડિયો કોટવાળ (ગુરુ રામદેવપીર)
ખીમડિયા કોટવાળનો જન્મ સંવત ૧૪૫૩ (ઈ.સ. ૧૩૯૬)માં રાજસ્થાનના જયપુર ગામે મેઘવાળ જ્ઞાતિમાં થયો હતો. હરમતિયાના સંત પાલણપીરના ખાસ મિત્ર હતા અને તેના કહેવાથી ખીમડિયો કોટવાળ પોતાનું વતન છોડીને મોરબી (ટંકીનગર) પોતાના કુટુંબ સાથે રહેવા આવી ગયા હતા. ખીમડિયા કોટવાળના લગ્ન દાળદે સાથે થયા હતા. ખીમડિયા કોટવાળે રામદેવપીર પાસેથી દીક્ષા ગ્રહણ કરીને તેના શિષ્ય થઈ ગયા હતા. આ સમયે મોરબીમાં રાવતરણસિંહ રાજા તરીકે મોરબીનો વહીવટ સંભાળતા હતા. દાળદે ઘણા સ્વરૂપવાન હતા તેથી મોરબીના રાજા રાવતરણસિંહની નજર પડતા તેના મોહમાં પડી ગયા હતા. રાવતરણસિંહ દાળદે ઉપર મોહિત થતા તેને પોતાના મોહપાશમાં ફસાવવાનો પ્રયત્ન કરતા હતા.
એકવાર દાળદે તળાવે પાણી ભરવા ગયા હતા અને પાણીની હેલ લઈને આવતા હતા તે સમયે રાવતરણસિંહે તેનો પાલવ પકડવાનો પ્રયત્ન કરેલો તેથી દાળદેએ રાવતરણસિંહને કહ્યું કે મહારાજ આપ તો રાજા છો અને આ રાજની રૈયતની બહેન દીકરીઓ અને વહુઓ તો તમારી દીકરી સમાન હોય છે. આપ રાજા થઈને રૈયતની બહેન દીકરીઓ ઉપર કુદૃષ્ટિ નજર કરશો તો ધરતી રસાતાળ જશે. આ કામ બંધ કરો અને મારો રસ્તો ન રોકો અને મને મારા ઘેર જવા દેવા વિનંતી કરી હતી. કામવાસનામાં ઘેરાયેલા રાજાએ દાળદેનો પાલવ પકડતા અને નગરાએ સતીને અપડાવતા દાળદેએ આ સમયે ઘેર આવી ફળીયામાં હેલ ઉતારીને ખીમડિયાને કહ્યું કે નગરાએ મારા પાલવને અપડાવ્યો છે તેથી મારી સમાધી ગળાવો? આ સમયે રાવતરણસિંહને એવા સમાચાર મળ્યા કે કોઈ નગરાએ સતીનો પાલવ અપડાવતા દાળદે સમાધી લેવાની તૈયારી કરે છે તેથી રાજા રાવતરણસિંહ આ સમયે ખીમડિયા કોટવાળને ઘેર આવી ગયા. રાવતરણસિંહે તમામ વાતો સાંભળ્યા બાદ કહે છે કે સતીનો પાલવ અપડાવનાર કોણ છે? તેનું નામ આપો તેનું મસ્તક છેદી નાખું, તેમ કહેતા દાળદે બોલ્યા કે રાજા બીજું કોઈ નથી પણ આપ પોતે જ નગરાએ મારા પાલવનો છેડો અપડાવ્યો છે. રાવતરણસિંહે આ વાત સાંભળતા તેને ઘણો પસ્તાવો થયો અને દાળદેને સમાધી ન લેવા વિનંતી કરે છે પણ દાળદે સમાધી લેવામાં અડગ રહે છે અને સમાધી સ્થળમાં બેસી જાય છે.
ખીમડિયાને કોટવાળ તરીકેનું બીરદ મળેલ છે કારણ કે જ્યાં જ્યાં રામદેવપીરનો પાટ હોય તે સ્થળેથી તેઓ પાટનું વાયક આપવા જતા હતા અને દરેક પાટ વખતે તેમને કોટવાળ તરીકેની નિમણૂક કરવામાં આવતી હતી. પાટના કોટવાળ તો એવા હોવા જોઈએ કે તે મહાધર્મના જાણકાર હોય અને જતી સતીને મંત્ર દ્વારા પાટનો વાયક આપી શકતા હોય. મહાધર્મના પાટમાં આવનાર જતી સતીને કોટવાળ પ્રશ્નો પૂછે છે અને જો તેનો જવાબ આપવામાં આવે તો જ જતીસતીને અંદર આવવાની મંજૂરી મળે છે.
પાટમાં જતી અને સતી સિવાય એકલા સતીએ કે એકલા જતીએ દાખલ થઈ શકતું નથી. આ ધર્મને વરેલા તમામ જતીસતીમાં જો કોઈ જતીની સાથે તેની પત્નિ ન હોય તો આ મહાધર્મમાં વરેલી કોઈ પણ સ્ત્રીને સતી તરીકે સાથે લઈ જવાનો નિયમ છે પછી ભલે તે પોતાની પત્નિ ન હોય. જો સતી એકલા હોય તો કોઈ પણ મહાધર્મને વરેલા જતીને સાથે લઈ જઈ પાટમાં દાખલ થવાનો અધિકાર છે પછી ભલે તે પોતાનો પતિ ન હોય પણ મહાધર્મને વરેલો પુરુષ હોવો જોઈએ. પાટમાં સ્ત્રીના તમામ અંગોનું પૂજન કરવામાં આવે છે તેમાં જો કોઈ પુરુષ નિષ્ફળ જાય તો કુનેડો કહેવાય છે અને આ પુરુષ બે વર્ષ સુધી આ સ્ત્રીને પોતાની સગી બહેનની જેમ ઘડી આપવી પડે છે પછી ભલે તે પોતાની પત્નિ હોય તો પણ આ નિયમ તેમને પણ લાગુ પડે છે. ખીમડિયા કોટવાળે ઘણા ભજનોની રચના કરી તેમાં ગુરુગમની વાત મૂકતા ગયા છે અને હાલના ભક્તો આ ભજનો સમજીને ગુરુગમની વાત સમજવાની કોશિશ કરી રહ્યા છે. હાલના સમયમાં ભક્તોને ભજનો સાંભળવામાં જ ઘણો રસ છે પણ તેના શબ્દો સમજવામાં રસ ધરાવતા નથી તેથી સંતોએ પોતાના અનુભવના આધારે ગુરુગમની જે વાત ભજનોમાં મૂકતા ગયા છે તે સમજાતી નથી. દરેક ભક્તોએ સત્સંગ કરવો જોઈએ અને સંતોના ભજનોને સમજવાની કોશિશ કરવી જરૂરી છે. દાળદેએ સમાધી લીધા બાદ રાવતરણસિંહને પોતાની ભૂલ સમજાય જતા ખીમડિયા કોટવાળ પાસેથી દીક્ષા ગ્રહણ કરી મહાધર્મમાં આવી ગયા હતા. ખીમડિયા કોટવાળને દરેક પાટમાં યાદ કરવામાં આવે છે અને તેની વાતો કરી ખીમડિયા કોટવાળ કોણ હતા તેની ઓળખાણ પણ આપવામાં આવે છે. આપણા દરેક સંતો અનેક પ્રમાણો આપીને લોકોમાં ભક્તિનો ભાવ જાળવી રાખવાનો પ્રયત્ન કરેલ છે.
ખીમડિયા કોટવાળનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
