કાલીફાનાથની ટૂંકી જીવનગાથા
કાલીફાનાથ (ગુરુ ગોરખનાથ)
એક સમયે ગોરખનાથ સંજીવની મંત્રનો પાઠ તળાવને કિનારે બેઠા બેઠા કરતા હતા. આ સમયે તળાવને કાંઠે ગામના બાળકો ભીની માટી સાથે રમી રહ્યા હતા અને માટી માંથી રમકડા બનાવી રહ્યા હતા. આ બાળકો આનંદમાં આવી જતા અવાજ કરી રહ્યા હતા. બાળકોના અવાજને લીધે ગોરખનાથને સંજીવની પાઠ કરવામાં ખલેલ પહોંચતી હતી. આ બાળકો રમતા રમતા ગોરખનાથને જોઈ ગયા તેથી તમામ બાળકો ગોરખનાથની પાસે આવ્યા અને માટી માંથી ગાડું તથા ગાડાનો હાંકનારો માણસ બનાવી આપવા વિનંતી કરી. ગોરખનાથે જવાબ આપ્યો કે મને માટી માંથી ગાડું તથા ગાડાનો હાંકનારો માણસ બનાવતા આવડતો નથી તેથી તમે તમામ તમારા રમતના સ્થળે ચાલ્યા જાવ. તમામ બાળકો પોતાની રમતના સ્થળે આવી ગયા અને જેમ તેમ કરીને માટી માંથી ગાડું બનાવી લીધું પણ ગાડાને હાંકનારો માણસ બનાવી શક્યા ન હતા. આ બાળકો ફરીવાર ગોરખનાથની પાસે આવીને કહેવા લાગ્યા કે ગાડું તો અમે બનાવી લીધું છે પણ અમને આ ગાડાને હાંકનારો માણસ બનાવતા આવડતો નથી તો આપ અમને આ ગાડાને હાંકનારો માણસ બનાવી આપો તેવી વિનંતી કરી. ગોરખનાથ વિચારવા લાગ્યા કે જો હું તેમને ના પાડીશ તો પાછા જશે નહીં અને મારી સાધનામાં મુશ્કેલી ઊભી કરશે તેથી ગોરખનાથે ગાડાને હાંકનારો માણસ બનાવી આપવાની હા પાડી અને માણસનું પૂતળું બનાવવા લાગ્યા.
ગોરખનાથ જ્યારે ભીની માટી માંથી માણસનું પૂતળું બનાવી રહ્યા હતા તે સમયે સંજીવની મંત્રની સાધના મનમાં કરતા હતા અને પૂતળું બનાવી રહ્યા હતા. આ માટીનું પૂતળું તૈયાર થઈ જતા સંજીવની મંત્રની અસરથી આ માટીનું પૂતળું બાળક બની ગયું અને બોલવા લાગ્યું અને બાળક રૂપે સામે આવીને ઊભું રહી જઈ ગોરખનાથનો જય તેવું બોલવા લાગ્યું. આ તમામ ઘટનાઓ આ બાળકોએ નિહાળી હતી તેથી તેઓ ડરી ગયા અને ગામમાં જઈ ગામ લોકોને વાત કરી કે એક સાધુ માટી માંથી માણસ બનાવે છે. ગામ લોકો આ બાળકો પાસેથી વાત સાંભળતા તેમને નવાઈ લાગી તેથી આ વાતની ખાત્રી કરવા તમામ લોકો તળાવને કાંઠે આ સાધુને જોવા નીકળી પડ્યા. ગોરખનાથ આ તમામ ગામના લોકોને આવતા જોઈને મૂંઝવવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ લોકો મારી સાધના પૂરી કરવા દેશે નહીં, થોડીવારમાં તમામ ગામ લોકો ગોરખનાથની પાસે આવી ગયા હતા. આ સમયે એક છોકરાને તેમની સાથે બેઠેલો જોતા બાળકોએ કરેલી વાત સાચી છે તેની ખાત્રી થઈ. મત્સ્યેન્દ્રનાથને આ વાત સાંભળવા મળતા તે પણ તળાવને કિનારે આવી ગયા હતા. મત્સ્યેન્દ્રનાથે ગોરખનાથને કહ્યું કે બેટા ગોરખ, તારી આ સંજીવની વિદ્યા સિદ્ધ થયેલ છે.
મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ આ છોકરાને લઈને ચાલતા થયા તે સમયે ગામ લોકોએ વિનંતી કરી કે આ છોકરાને અહીંયા રહેવા દો. અમારા ગામમાં એક કુટુંબ વસવાટ કરે છે અને તેઓ ધાર્મિક વૃત્તિવાળા હોવાથી બાળકનો સારો ઉછેર કરીને તેને મોટો કરશે. ગોરખનાથ જાણતા હતા કે આ બાળક મારાથી સાચવી શકાય તેમ નથી તેથી જો કોઈ સારું કુટુંબ મળી જાય અને તેનો સારો ઉછેર કરે તો વાંધો નથી તેમ વિચારીને આ બાળકને આ કુટુંબને સોંપી ચાલ્યા ગયા અને આ બાળકનું નામ કાલીફાનાથ રાખવામાં આવ્યું.
કાલીફાનાથ મોટા થવા લાગ્યા અને સંજીવની મંત્રીથી ઉત્પન્ન થયેલ હોવાથી મહાન જ્ઞાની થયા તેથી તેનો નવનાથમાં પણ સમાવેશ કરવામાં આવેલ છે. નાથ સંપ્રદાયમાં અનેક નાથો સિદ્ધિ પામી તેનું પ્રમાણ પણ મુકતા ગયા છે. નાથ સંપ્રદાય સાથે જોડાયેલા સંતોએ અનેક ભજનોની રચના કરી છે અને આગમવાણી કરતા ગયા છે. નાથસંપ્રદાય વિશે એવું જાણવા મળે છે કે આ પંથમાં જોડાયેલા ભક્તો તમામ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે કારણ કે જ્યારે બૌદ્ધધર્મનો નાશ કરવાની પ્રવૃત્તિ ચાલુ થયેલ તે સમયે બૌદ્ધ ધર્મના અનેક અનુયાયીઓને મારી નાખવામાં આવ્યા હતા. આ ડરને લીધે બાકીના અનુયાયીઓ નાથ સંપ્રદાયમાં જોડાઈને ધર્મની વાત ચાલુ રાખવામાં આવી છે. સંપ્રદાયમાં બૌદ્ધધર્મના સિદ્ધાંતોનો અમલ થઈ રહ્યો હોય તેવું ફલિત થાય છે.
નાથસંપ્રદાયમાં અનેક સંતો સિદ્ધ થયા છે. સતાધારની સંત પરંપરા છે તે પરંપરા ગેબીનાથથી ચાલી આવે છે. આપાદાના, આપાજાદરાના શિષ્ય હતા અને આપાજાદરા તે ગેબીનાથના શિષ્ય હતા. ગેબીનાથ તે હૈદરાબાદમાં મોટો પુત્ર હતો અને તેનું નામ ગાંગેવ હતું. ગાંગેવ યુદ્ધમાં ઘવાયા હતા તે સમયે તેમની સેવા કરવા આવતા લોકો જ્ઞાનની વાતો કરતા હતા તેથી તેને ભાવ જાગતા તે સાધુ થઈ ગયા હતા.
કાલીફાનાથનો જય.
સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿
