કરમણભગત

કરમણભગત ટૂંકી જીવનગાથા

કરમણભગત (ગુરુ મોરારસાહેબ)

કરમણભગતની ટૂંકી જીવન ગાથા.

કરમણભગતનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વાવડી નામના ગામમાં વણકર જ્ઞાતિમાં થયો હતો. વાવડી ગામની બાજુમાં પરબધામ આવેલ છે તેથી નાનપણથી કરમણભગત ભક્તિમાં ભાવ ધરાવતા હતા. કરમણભગત અવારનવાર પરબધામે દર્શન કરવા જતા હતા અને મંદિરમાં સેવા કરી ચાલ્યા જતા હતા. કરમણભગત જેમ જેમ મોટા થવા લાગ્યા તેમ તેમનો ભક્તિ તરફનો ભાવ વધારે પ્રબળ થવા લાગતા તેનો મોટા ભાગનો સમય ભક્તિમાં પસાર કરતા હતા.

ભાણસાહેબના શિષ્ય રવીરામ અને રવીરામના શિષ્ય મોરારનો એકવાર કરમણભગતને ભેટો થતા અને તેમાં કરમણભગતને દીક્ષા લેવાનો ભાવ જાગતા મોરારસાહેબને દીક્ષા કરમણ ભગતે હાથ જોડી વિનંતી કરી હતી. મોરારસાહેબ પણ કરમણભગતને સારી રીતે ઓળખતા હતા અને આ આત્મા પરમાત્મા પ્રેમી છે તેથી જો તેને પ્રમોદવામાં આવે તો ભવસાગર તરી જાય તેમ છે તેવો વિચાર કરીને કરમણભગતને દીક્ષા આપી શિષ્ય બનાવ્યા હતા. કરમણભગત ભક્તિમાં લોહ લગન ધરાવતા હોવાથી ભક્તિના રાહે સફળ થયા હતા. કરમણભગતને તેના ગુરુ મોરારસાહેબ તરફથી શિષ્યો કરવાનો અધિકાર મળી જવાથી તેમણે ઘણા શિષ્યોને પ્રમોદીને બોધ આપ્યો હતો અને ઘણા ભક્તોને ભક્તિના રાહે ચાલતા કર્યા છે. કરમણભગતના શિષ્યોમાં લખીરામને બીજા શિષ્યો કરતા તેમને મુખ્ય શિષ્ય માનવામાં આવતા હતા.

કરમણભગત કોઈ પણ કારણોસર વંથલી ગામે રહેવા આવી ગયા હતા. લખીરામ એકવાર કરમણભગતના ગામે ભવાઈ કરવા આવેલા અને તે સમયે લાઈટની વ્યવસ્થા ન હોવાથી ઘેરો ઘેરથી તેલ ઉધરાવીને કાકડો બનાવી તેના અજવાળે રમતા હતા. લખીરામ આ કામે વાસમાં કરમણભગતના ઘેર આવ્યા તે સમયે કરમણભગતે પૂછ્યું કે તારું નામ શું છે? લખીરામે જવાબ આપતા કહ્યું કે બાપુ મારું નામ લખીરામ છે. કરમણભગત લખીરામને કહેવા લાગ્યા કે લખીરામ તું દરેક પાત્ર દિલથી સારી રીતે ભજવે છે તેથી તેમાં તું ભળી જતો હોવાથી દરેક પાત્ર સારી રીતે ભજવી શકે છે.

કરમણભગત કહેવા લાગ્યા કે લખીરામ તું ભવાઈમાં રસ દાખવીને તેમાં લય થઈ જાય છે તેટલો જો પરમાત્માના નામમાં લય થઈ જા તો જરૂર પરમાત્માની પરખ થઈ શકશે. કરમણભગતના શબ્દોની છોટ લખીરામને લાગી ગઈ અને તે હૈયાની આરપાર નીકળી ગયેલી. આ સમયથી ભવાઈ કરવાનું બંધ કરી કરમણભગત પાસેથી દીક્ષા ગ્રહણ કરીને ભક્તિના રાહે ચાલવાનું શરૂ કરી દીધું હતું. કરમણભગતે અનેક શિષ્યોને બોધ આપી શિષ્યો બનાવ્યા હતા અને ભક્તિના રાહે ચાલતા કર્યા હતા. લખીરામને કરમણભગત તરફથી અધિકાર મળી જતા તેમણે પણ ઘણા ભક્તોને બોધ આપી ભક્તિના રાહે ચાલતા કર્યા હતા.

લખીરામે ઘણા ભજનોની રચના કરી તેમાં ગુરુગમની વાત રજૂ કરી છે તેથી જો તેને વાગોળવામાં આવે તો તેમાંથી સારી એવી જાણકારી મળી જાય છે. આપણા ઘણા સંતોએ ભજનોની રચના કરી તેના અનુભવના આધારે ગુરુગમની વાત તેમાં જાહેર કરી આપણા માટે મુક્તા ગયા છે. હાલના સમયમાં લોકોને ભજનો સાંભળવા ગમે છે તેથી ભજનોમાં રહેલી ગુરુગમની વાત ભક્તો સમજાવવાનો પ્રયત્ન કરતા નથી તેથી લોકોમાં ફક્ત ભજનો જ સાંભળવાનો રસ જાગ્યો છે પણ ભજનોમાં રહેલી ગુરુગમની વાતની જાણકારી મળતી નથી. જો ભજનોના તમામ શબ્દોને ફોડીને એટલે કે અલગ પાડીને સમજવાની કોશિશ કરવામાં આવે તો આત્મજ્ઞાનની વાત સરળ રીતે સમજાય જશે તેથી દરેકે ભજનોને વાગોળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભજનો સાંભળવાથી ફક્ત સૂરની મજા આવશે પણ અંદરના જ્ઞાનની જાગૃતિ આવશે નહીં.

કરમણભગત વાવડી ગામે રહેતા હતા તેથી તે સંત દેવીદાસ પરબની ધારાના સંત તરીકે ઓળખાતા હતા. પરબ વાવડીમાં એક કરમણપીર પણ થઈ ગયા છે તેથી તેના આધારે કરમણભગતને પરબ વાવડીના સંત તરીકે ઓળખતા હોય તેવું પણ બની શકે. કરમણભગત તો મોરારસાહેબની ધારાના સંત હતા અને તેઓ વંથલી ગામે રહેતા હતા. કદાચ કોઈ કૌટુંબિક કારણોસર તેઓ વંથલી ગામે રહેવા આવી ગયા હોય તેવું પણ બની શકે છે. કરમણભગત જો વાવડી ગામના હોય પણ તેઓ વંથલી ગામે રહેવા આવી ગયેલ હોવાથી તેમની કર્મભૂમિ વંથલી માનવામાં આવે છે.

કરમણભગતે પણ અનેક ભજનોની રચના કરી અને તેના અનુભવના આધારે ગુરુગમની વાત લોકો માટે મૂકતા ગયા છે અને હાલના ભક્તો તેની વાત મુજબ ભક્તિના માર્ગે ચાલી રહ્યા છે. એક કરમણ કોળી જ્ઞાતિના હતા તે સતાધારના સંત છે અને બીજા કરમણપીર થઈ ગયા તે પરબના સુરાપુરા અને પરબના પીર તરીકે ઓળખાય છે.

કરમણભગતનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿