ઉગારામ બાપા

ઉગારામ બાપાની ટૂંકી જીવનગાથા

ઉગારામબાપા (ગુરુ હીરસાગરબાપા)

ઉગારામબાપાનો જન્મ બાંદરા નામના ગામમાં મેઘવાળ કુટુંબમાં ડાયારામમકવાણાને ઘેર જાલમાની કૂખે સંવત ૧૯૩૨ (ઈ.સ. ૧૮૭૬)માં થયો હતો. ડાયારામ બાપાના લગ્ન નવાગામ મુકામે રણછોડ પરિવારમાં થયા હતા. ઉગારામબાપાના લગ્ન નવાગામના રહીશ અને જાલુબાના મોટાભાઈ લખમણભાઈની પુત્રી સોનલબા સાથે બાળપણથી જ સગપણ થયેલ હોવાથી સોનલબા સાથે થયા હતા. ઉગારામબાપાના ફળિયું મરણ થતા જાલુબા, લીલાબાઈ તથા ઉગારામ નાના હતા તેથી કાકાજીના સાથે લઈ ગયેલા અને તેના મોસાળ સાથે રમતા હતા તે સમયે તેના એક પગમાં કાંટો ઘૂસી જતા પગે ખોટ રહી ગઈ હતી તેથી એક પગે ખોટાપણું ધરાવતા હોવાથી બીજો કોઈ ધંધો કરી શકતા ન હતા. ઉગારામબાપાને પગની મુશ્કેલીને લીધે બૂટ ચંપલ સાંધવા સિવાયનો બીજો કોઈ ધંધો કરી શકતા ન હતા તેથી આ કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા.

ઉગારામબાપાના ગુરુ હીરસાગર હતા. અમરાભગત તથા રાજીમા હીરસાગરના પાલક માત પિતા હતા તેવું જાણવા મળે છે. ઉગારામબાપાના સસરા અને હીરસાગર બાપા બંને માસીયાઈ ભાઈઓ થતા હતા. હીરસાગર બાપાના લગ્ન બાંદરા પાસે આવેલા વોરાકોટડા ગામે રહેતા મેઘજીભાઈ ચાવડાની દીકરી પાળુબાઈ સાથે થયા હતા તે સમયે તેની ઉંમર ૧૮ વર્ષની હતી. ઉગારામબાપાએ હીરસાગર બાપા પાસેથી બોધ લઈ તેના શિષ્ય થયા હતા. હીરસાગર બાપાએ રાજકોટ મુકામે સંવત ૧૯૮૬ ભાદરવા વદ ૮ ને બુધવારે લીધી હતી. ઉગારામબાપાએ ઘણા શિષ્યોને પ્રમોદી ઉપદેશ આપી શિષ્યો બનાવ્યા હતા જેવા કે (૧) લાલુદાદા (૨) ભલાબાપા (૩) પુંજારામબાપા (૪) અમરૂ બાપુ (૫) રામહંસસાહેબ (૬) નાથારામ વિગેરે હતા.

ઉગારામબાપાના પુત્રનું નામ ભલારામ છે અને તેના લગ્ન લાલુબા સાથે થયા હતા. લાલુબાએ એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ ગોરધનરામ રાખવામાં આવ્યું હતું. ગોરધનરામ બાપાએ તેના પિતા ભલારામબાપા પાસેથી દીક્ષા ગ્રહણ કરીને તેના શિષ્ય થયા હતા. ગોરધનબાપા હાલ બાંદરા આશ્રમના મહંત તરીકે ફરજ બજાવી લોકોની સેવા કરી રહ્યા છે. બાંદરા ગામે ઉગારામ બાપાનો આશ્રમ સ્થાપી આ પરિવાર ઉગારમફોજની ધારા મુજબ ચાલીને જીવન સમય પસાર કરી રહ્યો છે. આ ઉગારમફોજની શાખા અનેક સમાજમાં પથરાવા લાગી છે તેથી તમામ જ્ઞાતિના લોકો ભેદભાવ ભૂલીને ફોજમાં ભળીને ભક્તિના રાહે ચાલી રહ્યા છે. ઉગારમફોજમાં જ્ઞાતિ ભાતિનો ભેદ ટાળવાનું એક ઉત્તમ કામ થઈ રહ્યું છે. આ કામ કોઈ કાયદાથી અમલ કરાવીને થઈ ન શકે તેવું અઘરું કામ હાલ ઉગમ ફોજના સૈનિકો એટલે કે આ ધારામાં જોડાયેલા ભક્તો કરી રહ્યા છે તેથી ધીમે ધીમે સમાજમાં ભરડો લઈ રહેલ જ્ઞાતિ ભેદનો જે અજગર પડ્યો છે તેનો નાશ થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે. સમાજમાંથી જ્ઞાતિ ભેદ કાયદાનો અમલ કરાવનારા અધિકારીઓને સત્તા હોવા છતાં તેઓ આભડછેટનું દૂષણ નિવારી શક્યા નથી પણ ઉગારાબાપાની કૃપાથી હાલ અઢારેય વર્ણના લોકો તેની ધારામાં જોડાઈને જ્ઞાતિ ભેદ ભૂલી ગયા છે અને પોતાના પરિવારની જેમ બીજા સાથે વ્યવહાર કરે છે તે એક જ્ઞાતનો મોટો ચમત્કાર માનવામાં આવે છે.

ઉગારામબાપાએ બાંદરા ગામે સંવત ૨૦૨૪ ના શ્રાવણ વદ દશમને રવિવારે તારીખ ૧૮/૦૮/૧૯૬૮ ના રોજ બપોરના ૧૨–૪૦ કલાકે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને તેને બાંદરા મુકામે સમાધિ આપવામાં આવી હતી. આ બાંદરા ગામે પુજ્ય સોનલમા અને તેમના પુત્ર ભલારામ બાપાની સમાધિ આવેલી છે. બાંદરા ગામે ગુરુ પૂર્ણિમા તેમજ ઉગારામ બાપાની પુણ્ય તિથિ વખતે ઉત્સવ ઉજવવામાં આવે છે અને અનેક લોકો હાજરી આપી આ સમાધિના દર્શનનો લાભ મેળવીને ધન્યતા અનુભવે છે.

ઉગારામબાપા જે ગામડે લોકોને સમજાવવા ગયેલા તે સ્થળે આપવામાં આવેલ બોધની તમામ હકીકત તેમની સાથે જતા લાલુદાદાએ લખી રાખી હતી તે વાતને લોકો આગળ રજૂ કરવામાં તેમજ સંતોની ગાથાઓની જાણકારી આપવામાં જતીબાપાનું કામ મોખરે રહ્યું છે. જતીબાપાની ગુરુગમની વાતો સાંભળવા અનેક લોકો તેના કાર્યક્રમ વખતે ઉમટી પડે છે. જતીબાપાએ પણ ઉગારામ બાપાની જાહેરાત કરવામાં તેમજ તેમના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવામાં ઘણી સારી મહેનત કરી છે તેથી તેને વંદન કરવામાં આવે છે. ગોરધનબાપા હાલ બાંદરા આશ્રમે મહંત તરીકેની સારી સેવા કરી રહ્યા છે. આ સ્થળે રહેવા જમવાની પૂરતી સગવડ લોકોને મળી રહે તે માટે ભવ્ય સગવડ કરી રાખી છે.

ઉગારામબાપાનો જય.

સંતમાર્ગ
વાંચો • વિચારો • જીવો 🌿